નવજીવન ન્યૂઝ.ભરૂચઃ ભરૂચ એસઓજીએ આજે મંગળવારે અંકલેશ્વરની એક ફેક્ટરીમાં રેડની કાર્યવાહી દરમિયાન 80થી 90 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થાની અંદાજીત માર્કેટ વેલ્યૂ 200 કરોડ આસપાસ થાય છે. જોકે ચોંકાવનારી વાત તો એ છે કે આ જ ફેક્ટરીમાં થોડા દિવસ પહેલા મુંબઈના નાર્કોટિક્સ વિભાગે રેડ કરી હતી અને તેમાં તેમણે અંદાજીત 2000 કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ પકડ્યું હતું. જેનું વજન 513 કિલો જેટલું થતું હતું.
થોડા દિવસ અગાઉ 13 તારીખે ભરૂચ પાસે અંક્લેશ્વરની એક ફેક્ટરીમાંથી અંદાજીત 2000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ 513 કિલો જેટલું એમડી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આજે સવારે પણ ગુજરાત એટીએસ દ્વારા વડોદરાના સાવલી ખાતે આવેલા મોક્ષ ગામની એક ફેક્ટરીમાંથી 200 કિલો એટલે કે અંદાજીત 1000 કરોડનું એમડી ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યું હતું. હવે સ્થિતિ એવી થઈ કે ભરૂચ એસઓજી દ્વારા પણ અંકલેશ્વરની આ જ ફેક્ટરીમાં માહિતીને આધારે દરોડા કરવામાં આવ્યા જેમાં તેમને પણ 200 કરોડનો અંદાજીત જથ્થો એમડી ડ્રગ્સનો મળી આવ્યો હતો.

મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાતમાં આજના દિવસમાં બે મોટી ડ્રગ્સની રેડ થઈ છે. જેમાં વડોદરાના સાવલી ખાતે આવેલા મોક્ષ ગામમાં આવેલી નેક્ટર કેમ નામની કંપનીમાંથી ગુજરાત એટીએસ દ્વારા રેડ કરીને 200 કિલોનો સંભવિત એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો જેની માર્કેટ વેલ્યૂ અંદાજીત 1 હજાર કરોડ થવા જતી હતી. આ ઉપરાંત આજે મંગળવારે ભરૂચ એસઓજી દ્વારા પણ ભરૂચના અંક્લેશ્વર ઔદ્યોગિક વસાહત પાસે આવેલી પાનોલી જીઆઈડીસીની ઈન્ફિનિટિ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીમાંથી દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાંથી 80થી 90 કિલોનો જથ્થો પકડાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એસપી લીના પાટીલે આ કાર્યવાહી સંદર્ભમાં આવતી કાલે બુધવારે પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે જેમાં પોલીસ આ અંગેની વધુ વિગતો આપશે. જોકે અહીં કેટલાક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે.
યક્ષ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે મુંબઈની તપાસ એજન્સીને ગત 13 તારીખની રેડમાં 513 કિલોનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થાની અંદાજીત માર્કેટ વેલ્યૂ 2000 કરોડથી વધુની હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહીમાં એક મહિલા સહિત સાત શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ જ ફેક્ટરીમાં પોલીસની વધુ એક રેડમાં બીજો જથ્થો મળી આવ્યો છે તો શું અહીં મુંબઈની એજન્સીની રેડ વખતે આ જથ્થો મળી આવ્યો ન હતો? કે રેડ પછી પણ ક્યાંક કોઈ છૂપી જગ્યા પર આ માલ સંતાડાયો હતો. જોકે આવા તમામ સવાલોના જવાબ આવતીકાલે બુધવારે ભરૂચ પોલીસ પત્રકાર પરિષદમાં આપશે.








