Friday, April 17, 2026
HomeGujarat'વરસાદ પડે લોકો ખુશ થાય પણ ચોમાસુ બેસતાની સાથે જ અમને ફાળ...

‘વરસાદ પડે લોકો ખુશ થાય પણ ચોમાસુ બેસતાની સાથે જ અમને ફાળ પડે છે’

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ઈશ્વરે આપણને બીજા કરતા અનેક ઘણું વધારે આપ્યું હોવા છતાં આપણે સતત જીંદગી સામે ફરિયાદ કરતા હોઈએ છીએ, પણ આપણી આસપાસ એવા અનેક લોકો છે જેઓ સતત અભાવમાં જીવતા હોવા છતાં તેમને અભાવ સામે કોઈ ફરિયાદ નથી. તેના બદલે તેઓ સતત પોતાની રીતે મહેનત કરતા હોય છે કે કઈ રીતે અભાવથી ભરેલી જીંદગીમાં થોડો અભાવ ઓછો કરી શકાય, તેમને શ્રીમંત થવાની મહેચ્છા નથી. બસ ચોમાસામાં માથે રહેલી છતમાંથી પાણી ટપકે નહીં તેવું એક ઘર હોય અને બે ટંકના રોટલા માટે કોઈના મોહતાજ રહેવુ પડે નહીં. હું અમદાવાદમાં પત્રકારત્વ ભણાવુ છું, હું મારા પત્રકારત્વના વિદ્યાર્થીઓને પત્રકારત્વને સાદી ભાષામાં સમજાવુ છું કે પત્રકારત્વ એટલે માત્ર બ્રેકીંગ ન્યૂઝ કે પછી કોઈ રાજનેતાના કૌભાંડ અને પ્રેમ પ્રકરણ નથી. આ બધી ઘટનાઓને પેલે પાર ઊભા રહેલા સામાન્ય માણસના જીવનમાં કંઈક આપણે સારૂ કરી શકીએ અને જે સારૂં થયું છે તેને આપણે પણ અનુભવી શકીએ તે જ પત્રકારત્વ છે.

દરેક જુલાઈ મહિનામાં નવજીવન ટ્રસ્ટ ખાતે પત્રકારત્વની નવી બેંચની શરૂઆત થાય છે, મારી સાથી કિરણ કાપુરે અને મીલન ઠક્કર એડમીશન સહિતની તમામ જવાબદારી સંભાળે છે. દરેક એડીમશન પછી મારો કિરણ અને મિલનને પહેલો સવાલ હોય છે કે વિદ્યાર્થીઓમાં કોઈ છોકરી, મુસ્લિમ, આદીવાસી અને દલીત કેટલાં છે. કારણ આપણે શહેરમાં રહેતા લોકો ગમે એટલા સુધારાવાદી થયા હોવાનો દાવો કરી પણ આપણા મનમાં ખુણામાં સ્ત્રી, મુસ્લિમ, આદીવાસી અને દલીતો માટે એક છુપો અણગમો છે એટલે મને લાગે છે સ્ત્રીઓ સહિત જેઓ વંચીત સમાજમાંથી આવે છે તેવા વધુ યુવાનો અને યુવતીઓ પત્રકારત્વના એક ઉમદા વ્યવસાયમાં સામેલ થાય. બે વર્ષ પહેલા નવજીવનમાં એક આશરે ત્રીસ વર્ષનો યુવાન એક કિશોરને સાથે લઈ આવ્યો. પેલા યુવાને પોતાનો પરિચય આપ્યા પછી કહ્યું આ મારો નાનો ભાઈ ફૈઝાન છે. હજી હમણાં જ કોલેજના પહેલા વર્ષમાં આવ્યો છે. અમે કુલ ત્રણ ભાઈઓ છીએ. ફૈઝાન સૌથી નાનો છે. અમારા ઘરમાં ફૈઝાન સિવાય કોઈ ભણ્યું નથી. અમારી ઈચ્છા છે કે ફૈઝાન ખુબ ભણે.

- Advertisement -

મેં ફૈઝાન સામે જોયું તેના ચહેરા ઉપર એક આછા સ્મિત સાથે નવજીવનના વિશાળ બિલ્ડીંગને જોયા પછી થોડો ડર પણ હતો. મેં ફૈઝાનના ભાઈને પુછ્યું તમે શું કરો છો? તેણે થોડા સંકોચ સાથે કહ્યું હું અને મારા અબ્બા દાણીલીમડામાં ચ્હાની કીટલી ચલાવીએ છીએ. હું કંઈક વિચારી રહ્યો હતો. તેણે કહ્યું સાહેબ તમે ફિની ચિંતા કરતા નહીં. હું મારી વ્યવસ્થા પ્રમાણે તમારી બધી ફિ ભરી જઈશ. મેં કહ્યું ફિની ચિંતા કરતો નથી, પણ ફૈઝાન હજી નાનો છે. દાણીલીમડા તો દુર છે, કેવી રીતે રોજ નવજીવન આવશે. તે યુવાન કંઈ જવાબ આપે તે પહેલા ફૈઝાને કહ્યું સાહેબ મારી પાસે સાઈકલ છેને. જવાબ આપતી વખતે તેની આંખોમાં એવી ચમક હતી જાણે તેની પાસે ઓડી કાર હોય. ફૈઝાનની નવજીવનના પત્રકારત્વના વિદ્યાર્થી તરીકે નવી સફર શરૂ થઈ, તે આવ્યો ત્યારે સાચુ ગુજરાતી પણ બોલતો ન્હોતો, હું આવ્યું, તું ક્યાં ગયુ વગેરે જેવું ભાગ્યું તૂટ્યું બોલતો હતો, પણ અમારી વિદ્યાર્થિની કિંજલ જોષીએ ફૈઝાનનું ગુજરાતી સુધારવાની જવાબદારી ઉપાડી લીધી.

ફૈઝાન જ્યારે પણ ફિ ભરવા આવે ત્યારે તેની ફિમાં પાંચ-દસ-વીસની ચલણી નોટો રહેતી હતી કારણ ચ્હાની કીટલી ઉપર તો આવી નાની જ નોટ આવે પણ, બે વર્ષ પહેલા ફૈઝાને પત્રકારત્વનો અભ્યાસ પુરો કર્યો. આજે તે અમદાવાદની એક ચેનલમાં રિપોર્ટર-એન્કર તરીકે કામ કરે છે, ફૈઝાનને જ્યારે પણ સ્ક્રીન ઉપર જોવું છે ત્યારે મનને એક અજાણી ટાઢક વળે છે. આપણને માણસ બહુ મોટો થાય પછી તે આપણને સફળ લાગે છે, પરંતુ નાનકડો ફૈઝાન તેના પરિવાર માટે એક ગ્રેટ સ્ટોરી છે. ફૈઝાન અભાવમાં ઉછર્યો હોવાને કારણે તેની કોઈ સ્ટોરીમાં કૌભાંડ અને રોમાંચ હોતો નથી પણ તેની દરેક સ્ટોરી સામાન્ય માણસના જીવનના અને ભાવનાઓને આધારિત હોય છે, એક પત્રકાર તરીકે તેનો સતત પ્રયત્ન હોય છે. જે વ્યથામાંથી હું પસાર થયો તેવી કોઈની સ્થિતિ થાય નહીં.

આવી સ્ટોરી અમદાવાદથી વીસ કિલોમીટર દુર આવેલા જેતપુરના આલોક ચૌહાણની છે. આલોકે 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો અને પત્રકારત્વ ભણવા આવ્યો અત્યંત સામાન્ય પરિવારનો આલોક કહે છે, ચોમાસુ આવે વરસાદ પડે તો લોકો ખુશ થાય પણ અમને ચોમાસુ આવે એટલે ફાળ પડે કારણ અમારા ઘરની છતમાંથી સતત વરસાદ વરસ્યા કરે છે. અમે આખી રાત માથે છત હોવા છતાં ભીના થઈ બેસી રહીએ. આલોક કહે છે અમારે ગામની આસપાસમાં ઘણા ગોડાઉન છે. બધા યુવાનો 12મુ પાસ કરી ગોડાઉનમાં મજુરી કરવા જતા રહે, પણ મારે આવી જીંદગી જીવવી ન્હોતી, એટલે હું પત્રકાર થવા આવ્યો છું. મારા બધા વિદ્યાર્થીઓ સારા પત્રકારની સાથે સારા માણસ થાય તેવી તો ઈચ્છા હોવી સ્વભાવીક છે પરંતુ ફૈઝાન અને આલોક જેવા વિદ્યાર્થીઓ પાસે વિશેષ અપેક્ષાઓ એટલા માટે છે કે તેમને બીજાની વ્યથા બહુ જલદી સમજાય છે કારણ આલીયા ભટ્ટ ક્યારે માતા બનશે અને સંસદનું નવુ બિલ્ડીંગ કેવું શોભિત થશે તેના કરતા કોઈની વૃધ્ધ માતાને સારવાર મળે અને કોઈની છતમાંથી ક્યારેય પાણી ટપકે નહીં તે પ્રશ્ન દરેક પત્રકાર માટે મહત્વનો હોવો જોઈએ.

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular