નવજીવન ન્યૂઝ. વડોદરાઃ ગુજરાતમાં સાર્વત્રીક વરસાદના કારણે નદી-નાળાઓની સપાટી ઊંચી આવી છે. તેવામાં જળચર પ્રાણીઓ બહાર આવી જવાની અનેક ઘટના સામે આવતી હોય છે. તેવામાં વડોદરામાં વરસાદની મોસમમાં નદી નજીક જવુ એટલે મોતના કુવામાં છલાંગ લગાવા જેવી વાત બની ગઈ છે. કારણ વડોદરામાં ચોમાસાની મોસમ આવતાની સાથે જ નદીમાં અડ્ડો બનાવીને બેઠેલા મગરો જાહેર રોડ પર આવી જતા હોય છે. ત્યારે આજે નદીના પટ્ટમાં એક વ્યક્તિનો પગ લપસી જતા મગરના મોઢામાં પહોંચી ગયો હતો.
વડોદરામાં માનવ વસ્તીની નજીક મોટી સંખ્યામાં મગરો પણ રહે છે તેવું દુનિયામાં જુજ સ્થળોએ જોવા મળે છે. જેના કારણે અવાર-નવાર વડોદરાવાસીઓને મગરનો સામનો કરવો પડતો હોય છે. ઉપરાંત મગરના શિકાર બનતા હોવાની પણ અનેક ઘટના સામે આવતી હોય છે. ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે. ઢાઢર નદીના કિનારે એક યુવકનો પગ લપસી જતાં તે નદીમાં ખાબક્યો હતો. જોકે નદીના મગરે તે વ્યક્તિને દબોચીને બે કલાક સુધી નદીમાં લટાર મારતો રહ્યો હતો.
વડોદરાના પાદરા તાલુકાના સોખડારાઘુ ગામનો રહેવાસી ઈમરાન દીવાન જે મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઈમરાન કામથી ઢાઢર નદીના કિનારે ગયો હતો તે દરમિયાન અચાનક જ તેનો પગ લપસી પડતા નદીમાં પડી ગયો હતો. જેથી નદીમાં રહેલા મગરે તેની પર હુમલો કરીને તેને ખેંચીને નદીમાં લઈ ગયો હતો. મગરે અંદાજીત બે કલાક સુધી મૃતદેહને નદીમાં લઈને ફર્યો હતો. જોકે આ ઘટના કિનારે ઊભા રહેલા ગ્રામજનોએ જોઈ જતા ફાયર વિભાગને જાણ કરી હતી. હાલ ફાયર વિભાગે તે વ્યક્તિની લાશ શોધવાની કામગીરી હાથ ધરી છે.








