Saturday, April 18, 2026
HomeGujaratસાબરકાંઠાઃ માતાએ કહ્યું બાળકીને કેમ જીવતી દાટી?, એ દાટતી હતી ત્યારે પિતા...

સાબરકાંઠાઃ માતાએ કહ્યું બાળકીને કેમ જીવતી દાટી?, એ દાટતી હતી ત્યારે પિતા કોઈ જોઈ ના જાય તેનું ધ્યાન રાખતો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એક બાળકીને જીવતી જ દાટી દેવાની ઘટનાએ લગભગ તમામના હૃદય હચમચાવી નાખ્યા હતા. ખાડામાંથી જ્યારે તે બાળકીનો અવાજ કાને પડ્યો ત્યારે કેટલાક શ્રમજીવીઓએ તકેદારી સાથે ખાડો ખોદી જોયું તો તેમાંથી તેમને એક નવજાત બાળકી મળી આવી હતી. બાળકી માટે આ કેટલી કરુણ બાબત હતી કે તેને જન્મ આપનારીએ જ તેને જીવતી ખાડામાં દાટી દીધી હતી. માત્ર સાડા છ મહિને જ જન્મ લેનારી આ બાળકીને દોઢથી બે કલાકમાં જ જીવતી દાટી દેવાનો નિર્ણય માતાએ કર્યો હતો. તેનું કારણ આર્થિક મુશ્કેલીઓ હતી. જ્યાં વિકાસની વાતો થઈ રહી છે, ત્યાં આર્થિક સ્થિતિને કારણે માતાએ લેવો પડેલો આ નિર્ણય તંત્રના મોંઢા પર પણ એક તમાચા બરાબર છે.

કેટલી મોંઘવારી, કેટલો જીડીપી, કેટલી મંદી, લોકોની સ્થિતિ કેવી બનતી જાય છે તેનો જવાબ આપતું ચિત્ર આ ઘટનામાં સપષ્ટ થતું લાગે છે. હિંમતનગરના ગાંભોઈ ગામમાં જીઈબી ઓફીસ નજીક એક ખાડામાં બાળકીને જીવતી દાટી દેવામાં આવી હતી. શ્રમિકો જ્યારે મજુરી કામ કરવા જતા હતા ત્યારે આ બાળકી મળી આવી હતી જેનો વીડિયો પણ અહીં દર્શાવાયો છે. આ ઘટના પછી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ઘટના સંદર્ભે સાબરકાંઠાના ડીએસપી વિશાલકુમાર વાઘેલાએ પત્રકાર પરિષદ દરમિયાન જાણકારી આપી કે, ગાંભોઈમાં બાળકીની હત્યાનો પ્રયાસ થયો તે કેસમાં આરોપીને પકડી લેવાયા છે. આરોપીઓને પકડવા એલસીબી, એસઓજી અને ગાંભોઈ પોલીસ એમ ત્રણ ટીમ બનાવાઈ હતી. દરમિયાન તપાસ ચાલી રહી હતી ત્યારે પીએસઆઈ સી એફ ઠાકોરને એક માહિતી મળી જેમાં બાળકીને જન્મ આપનારી માતા માણસા અને પિતા કડીના સરસાઈ ગામે ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું. પોલીસે તપાસ કરી તો મંજુલાબેન નામની એક મહિલા અને તેના પતિ શૈલેષના નામ સામે આવ્યા. પોલીસે તેમની તપાસ કરી અને પુછપરછ કરી તો તેમણે આ ઘટના અંગે જવાબ આપવાનું શરૂ કર્યું.

- Advertisement -

પોલીસની પુછપરછમાં દંપત્તિએ કહ્યું કે, તેઓની આ બાળકીએ અધુરા મહિને એટલે કે છ મહિને જ જન્મ લઈ લોધો હતો. તેમની આર્થિક સ્થિતિ પણ સારી ન હતી કે તેઓ તેની સારવાર કરાવે કે પછી તેની સંભાળ રાખી શકે. તેમને પહેલા એક બાળક હતું પરંતુ તેઓ તેને જ પુરી રીતે રાખી શક્તા ન હતા. હવે બાળકી જન્મી પછી તેઓ તેની સારસંભાળ રાખી શકશે નહીં તેવું તેમને લાગ્યું અને તેમણે તેનો નિકાલ કરી દેવાનું નક્કી કર્યું હતું. તેમણે આ અંગે કહ્યું કે માતાએ દિલ પર પથ્થર મુકી તેને નજીકના ખેતરમાં જઈ ખાડો ખોદીને દાટી દીધી. માતા જ્યારે તેને દાટી રહી હતી ત્યારે પિતા આસપાસ કોઈ જોતું તો નથીને તેનું ધ્યાન રાખતો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ બાળકીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવી હતી જ્યાં તેની સ્થિતિ હજુ પણ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તબીબોની સલાહ અને કાયદા અંતર્ગત હવે આ બાળકીનો કબ્જો કોને સોંપવો તે નક્કી કરવામાં આવશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular