નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં ED આજે ફરી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરી રહી છે. જેનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય સાંસદોને પોલીસે વિજય ચોક પાસેથી કસ્ટડીમાં લીધા હતા. ધરણા દરમિયાન રાહુલે દાદી ઈન્દિરા ગાંધી જેવું વલણ બતાવ્યું. કોંગ્રેસના તમામ સાંસદો રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ દરમિયાન રાહુલે કહ્યું, ‘અમને ધરણાં કરવા દેવાયા નથી, અહીં પોલીસનું રાજ છે, આ ભારતની વાસ્તવિકતા છે, મોદીજી રાજા છે. રાહુલ ગાંધી અને અન્યને પોલીસ બસમાં લઈ ગઈ હતી.
રાહુલ ગાંધીની પોલીસે અટકાયત કર્યા બાદ કોંગ્રેસે ટ્વીટ કરીને એક ફોટો અને કવિતાના અંશો શેર કર્યા છે. ફોટામાં રાહુલ ગાંધી તેમના દાદી અને પૂર્વ વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીની સ્ટાઈલમાં જમીન પર બેઠેલા જોવા મળે છે. આ તસવીર દ્વારા કોંગ્રેસે એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે રાહુલ ગાંધી તેમની દાદીની જેમ જ ધારદાર છે. કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર તપાસ એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવી રહી છે. આ મામલે આજે કોંગ્રેસના નેતાઓ રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરવાના હતા. તેઓ દિલ્હીના ઐતિહાસિક વિજય ચોક ખાતે એકઠા થયા હતા અને ત્યાં ધરણા કર્યા બાદ તેમની કૂચ શરૂ કરતા પહેલા તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું કે, કોંગ્રેસના સાંસદોને વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરતા અટકાવ્યા. તેમને બળજબરીથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. હવે અમે પોલીસ બસમાં છીએ, જ્યાં અમને લઈ જવામાં આવી રહ્યા છે. માત્ર પીએમ અને ગૃહમંત્રી જ જાણે છે કે અમને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના સાંસદો અગાઉ પાર્ટીની રણનીતિ નક્કી કરવા સંસદમાં એકઠા થયા હતા. નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા આજે બીજી વખત સોનિયા ગાંધીની પૂછપરછ કરવામાં આવી હતી.








