નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં સાબરમતી નદી પર ફુટઓવર બ્રિજ છેલ્લા કેટલાય સમયથી તૈયાર થઈ ગયો છે પરંતુ હજી સુધી તેનું ઉદઘાટન કરવામાં ન આવતા હાલ ધૂળ ખાઈ રહ્યો છે. ઉપરાંત આ બ્રિજ માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે આ સાબરમતી નદીનો પહેલો ફુટઓવર બ્રિજ છે. હાલ લોકો મોટી સંખ્યામાં બ્રિજને નિહાણવા આવતા હોય છે પરંતુ બ્રિજ બંધ હોવાના કારણે બ્રિજના છેડેથી લોકો ફોટો પડાવીને મનને શાંત કરી લેતા હોય છે.
અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલો ફુટઓવર બ્રિજ છેલ્લા ચાર મહિનાથી તૈયાર થઈ ગયો છે. તેમ છતાં સરકારને આ બ્રિજ પબ્લિક માટે ખૂલો મૂકવાનો સમય મળતો નથી. કોંગ્રેસ દ્વારા આ બ્રિજને ચાલુ કરવાની માગ કરવામાં આવી હતી અને AMCમાં અંગે રજૂઆત પણ કરવામાં આવી હતી તેમ છતાં વાતને ધ્યાનમાં લેવામાં આવી નથી. ત્યારે આજે AMC વિરોધ પક્ષના નેતા શેહઝાદ ખાન પઠાણ અને તેમના સાથી કોર્પોરેટર્સએ બ્રિજનું ઉદઘાટન કરી દીધું હતું.
કોંગ્રેસના કોર્પોરેટર્સ દ્વારા આજે ફુટઓવર બ્રિજ ઢોલ નગારા સાથે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કોર્પોરેટર્સની સાથે કોંગ્રેસના કાર્યકરો પણ ઉદઘાટનમાં જોડાયા હતા. સમગ્ર બાબતે AMC વિરોધ પક્ષના નેતા શેહઝાદ ખાન પઠાણે કહ્યુ હતું કે, અમદાવાદના લોકો માટે 80 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવામાં આવ્યો છે. છેલ્લા 4 મહિનાથી બ્રિજ તૈયાર થઈ ગયો છે તેમ છતાં ભાજપના VIP નેતાઓને ઉદઘાટન કરાવનો ટાઈમ મળતો નથી. અમે 4 મહિનાથી જનરલ બોર્ડમાં તેને ખુલ્લો મૂકવાની માંગ કરી હતી પણ ભાજપ ચૂંટણીને ધ્યાનમાં રાખીને બ્રિજનું લોકાર્પણ કરતી નથી.








