નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી થવાની ઘટનાઓ સતત વધી રહી છે. પોલીસ દ્વારા સતત સાવચેતીના મેસેજ આપવામાં આવે છે કે અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજની લિન્ક ખોલાવી નહીં તેમ છતાં લોકોની બેદરકારીના કારણે આવી ઘટનાઓ બનતી રહે છે. અમદાવાદનાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક યુવતીને મોબાઈલ ફોનમાં મેસેજ આવ્યો કે પાર્ટ ટાઈમ જોબ કરો અને દિવસના 3થી 5 હજાર કામવો. યુવતીએ આ મેસેજ જોઈને તેમાં આપેલી લિન્ક ઉપર ક્લિક કર્યું અને તેના માતા-પિતાના એકાઉન્ટમાંથી 3.26 લાખ રૂપિયા તેણીએ ગુમાવવા પડ્યા. ત્યાર બાદ તેની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ સોલા વિસ્તારમાં રહેતા લતાબહેન પટેલની દીકરીને મોબાઈલ ફોનમાં એક મેસેજ આવ્યો હતો જેમાં લખ્યું હતું કે પાર્ટ ટાઈમ જોબ કરો અને રોજના 3થી 5 હજાર કામવો. આ મેસેજ જોઈને તેમની દીકરીએ આ મેસેજની લિન્ક ઉપર ક્લિક કર્યું જેમાં એક વોટ્સએપ નંબર હતો. આ નંબર પર કોલ કરીને વાત કરતાં ફ્લિપકાર્ટ સર્વિસ એપ પર જઈને તેમાંથી અલગ અલગ વસ્તુ પર ઇન્વેસ્ટ કરવા કોલ પર જણાવ્યું હતું. ઇન્વેસ્ટ કર્યા બાદ પૈસા નફા સાથે પરત મળશે તેવું પણ સામે વાળી વ્યક્તિએ જણાવ્યું હતું, જેથી યુવતીએ ઓનલાઇન પેમેન્ટ માટે માતા-પિતાના મોબાઈલ પરથી ટ્રાન્ઝક્શન કર્યા હતા.
આમ યુવતીએ પિતાના એકાઉન્ટમાંથી 8 UPI આઈડી પરથી ટ્રાન્ઝક્શન કર્યા હતા જેમાં 1,77,337 રૂપિયા અને માતાના મોબાઈલમાંથી 5 ટ્રાન્ઝક્શન કરીને 1,48,999 રૂપિયા આપ્યા હતા. ત્યાર બાદ પણ સામે વાળી વ્યક્તિ વધુ પૈસાની માગણી કરતો હતો અને પૈસા પરત મળી જશે તેવું કહેતો હતો. જેના કારણે યુવતીએ તેની માતાને આ અંગે જાણ કરી હતી અને તેમને લાગ્યું કે આ છેતરપિંડી થઈ છે એટલે તેમણે પછી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. સોલા હાઈકોર્ટ પોલીસ દ્વારા ફરિયાદ આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.








