નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરત માટે તાપી નદીનું મહત્વ કેવું છે એ જરા વડીલોને પુછો તો ખબર પડી જાય, બુધવારે આ તાપી નદીનો જન્મદિવસ હતો. દર વર્ષે સુરત તાપી જન્મોત્સવના નામે ઉજવણી કરવામાં આવે છે પરંતુ નદીને પવિત્ર માનતા આપણા દેશમાં કેટલી નદીઓ સ્વચ્છ છે તેનો હિસાબ આંગળીના ટેરવે થઈ જાય તેમ છે. જોકે દર વર્ષે તાપીનો જન્મ દિવસ ધામધૂમ અને નજરે જોવો ગમે તેવો હોય પરંતુ આ વખતે સફાઈના અભાવ અને કિચડ વચ્ચે શ્રદ્ધાળુઓને તાપીના દર્શન કરવા જવાની ફરજ પડી હતી.
અહીંની ગંદકી લોકોને ઉજવણી દરમિયાન ઘણી પરેશાન કરી ગઈ હતી. આરતીમાં આમ તો લોકો ઉત્સાહથી જોડાય છે પરંતુ આ વર્ષે કિચડ જ એટલો હતો અને ઉપરથી પાલિકાએ વાંસની આડસ મુકી દીધી અને માત્ર મેયર અને તેમના સાથે આવેલા કેટલાક ગણતરીના લોકો, સત્તાધિશો જ આરતી કરી શક્યા હતા. આમ લોકોનો આરતી કરી ઉત્સાહમાં સહભાગી થવાનો વારો આવ્યો જ ન્હોતો. આ ઉત્સવમાં મેયર, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન સહિતના સત્તાધિશો જોડાયા હતા.
ગંદકી અંગે વોર્ડ 21ના કોર્પોરેટર અશોક રાદડિયાનું કહેવું હતું કે, દરિયામાં મોટી ભરતી આવે ત્યારે પાણી ઉપર સુધી આવી જાય અને ત્યારે કિચડ થાય છે. નાવડી ઓવારાની કાયમ સફાઈ કરવામાં આવે છે.








