પ્રશાંત દયાળ નવજીવન: અમદાવાદ સ્થિતિ ગાંધી આશ્રમના નવીનીકરણના મુદ્દે મહારાષ્ટ્રના વર્ધાથી એક યાત્રા નિકળી ગાંધી આશ્રમ આવી હતી, આ ગાંધીજનોની ફરિયાદ અને ચીંતા તે બાબતની હતી કે હવે જો સરકાર ગાંધી આશ્રમના નવીનીકરણનું કામ હાથમાં લેશે તો આશ્રમનું સરકારીકરણ થઈ જશે, વિષય ગંભીર છે, જેમાં કેટલી ચીંતા સાચી અને ખોટી તે અલગ પ્રશ્ન છે, પરંતુ ગાંધી આશ્રમના પ્રશ્ને છેક મહારાષ્ટ્રથી અમદાવાદ સુધી યાત્રા નિકળે અને સાધારણ જનમાનસ ઉપર તેની કોઈ અસર થાય જ નહીં અને સાધારણ જન આવી યાત્રા અને તેના પ્રશ્નની માનસીક નોંધ સુધ્ધા લે નહીં આવુ કેમ બન્યુ તેની કોઈ ચીંતા કરતુ નથી ગાંધીનો મારવો ત્યારે પણ સહેલો ન્હોતો અને આજે પણ નથી, કોઈ સરકાર એવો ખાનગી નિર્ણય કરે કે ક્રમશ આપણે લોકોના મનમાંથી ગાંધીને ભુંસી નાખીશુ તો તે શકય નથી એટલે ગાંધી સરકારી થઈ જશે તે શકય જ નથી, ગાંધી આશ્રમનું સરકારીકરણ થાય તેની ચીંતા કરતા ગાંધીજનો માટે વધુ ચીંતાનો વિષય એવો હોવો જોઈએ કે સામાન્ય લોકો કેવી રીતે ગાંધીમય જીવે તેની હોવી જોઈએ કારણ ગાંધી માત્રને માત્ર એક પરિક્ષાનો વિષય બની ગયો છે, ગાંધીની સામે સામાન્ય લોકોની નજરમાં ગાંધીની સામાન્ય માણસ તરીકે રજુ કરવાને બદલે ગાંધીજનોએ તેને મહાત્મા બનાવી લોકોને ગાંધીથી દુર કરી દીધા છે.
ગાંધીએ ટ્રસ્ટીશીપનો સિધ્ધાંત આપ્યો, ગાંધીનું બીજુ નામ હતુ ત્યાગ, પણ પોતાને ગાંધીજનો તરીકે ઓળખાવતા ગાંધી સંસ્થાઓ વહિવટકર્તાઓ એક વખત સંસ્થાની ગાદી ઉપર બેસી ગયા પછી તેઓ ગાંધી છોડી શકયા જ નહીં તેમની સ્થિતિ પણ સક્રિય રાજકારણી જેવી થઈ રાજનેતા રાજકારણને છોડી શકતા નથી અને ગાંધીજનો મૃત્યુપર્યત સંસ્થા છોડી શકયા નહીં તેનું પરિણામ એવુ આવ્યુ કે ગાંધી સંસ્થામાં ગાંધી જીવીય તેની ચીંતા કરવાને બદલે ગાંધીજનો સંસ્થા જીવાડવાની ચીંતામાં પડી ગયા અને તેમાં ગાંધી તો ભુલાઈ ગયો, એટલે ગાંધી સંસ્થામાં નવુ લોહી અને નવો વિચાર આવ્યો જ નહીં, કેટલાંક જુવાનીયાઓએ ગાંધી વર્તુળમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ત્યારે વર્ષોથી સંસ્થામાં બેઠેલાઓને તે કઠયુ , ખરેખર ગાંધી સંસ્થામાઓમાં ગાંધી ભણાવવાની જરૂર છે, ગાંધી પુસ્તકનો વિષય નથી, ગાંધી તો જીવવાનો વિષય છે, ખાદી પહેર્યા વગર અને ગાંધીનું નામ લીધા વગર પણ ગાંધીને સમજી શકાય અને ગાંધીનું કામ થઈ શકે તેવુ મેં જોયુ છે.

પણ ગાંધીજનોએ ગાંધીને સંકુચીત બનાવી દીધો, ગાંધી માત્ર ખાદી સુધી સિમીત રહી ગયો, માત્ર ખાદી પહેરવાથી કે ગાંધી સંસ્થામાં કામ કરવાથી કોઈ ગાંધીજન બની જતુ નથી,, ગાંધી તો વિશાળ હ્રદય અને પ્રયોગનો માણસ હતો, પણ ગાંધીજનો પોતે જ ગાંધીથી દુર થયા અને ગાંધીજી વિશાળતા સાથેનું જીવ્યા નહીં અને છોડવાનું તો તેમને આવડયુ જ નહીં જેના કારણે આજે ગાંધીજનોની યાદી બનાવવામાં આવે તો મોટા ભાગના પોતાના અતિમ પ્રયાણ તરફ આગળ વધી રહ્યા છે, જેમના માટે ગાંધી પાઠય પુસ્તકનો એક પાઠ છે અને તેમણે ગાંધીજનોને જયારે જયારે જોયા ત્યારે લાગ્યુ ગાંધી તો નીરસ-ડરપોક-ગભરુ દેશીભાષામાં કહીએ તો પંતુજી છે, પણ ગાંધી હરગીજ આવો ન્હોતો, ગાંધી તો મારી તમારી અને આપણી ચીંતા કરવાનો વાળો માણસ હતો, ગાંધી તો જનજનને એક કરનારો માણસ હતો, ગાંધી તો માણસ સારૂ જીવે તેની ચીંતા કરનારો અને ચીંતાને પરિણામ સુધી પહોંચાડનારો માણસ હતો, પણ આપણે જે ગાંધીજનો જોયા તે તો 2 ઓકટોબર અને 30મી જાન્યુઆરીના રોજ અખબારમાં પ્રેસનોટ આપી પોતાની જવાબદારી પુરી કરતા જોયો છે.
હું એવો ગાંધીજનોને પણ ઓળખુ છુ, જે રાજય અને દેશના એવા દુર્ગમ વિસ્તારમાં કામ કરે છે, જયાં હજી સરકાર હોવાનો અહેસાસ પણ પહોંચ્યો નથી,. આ ગાંધીજનો ખાદી પહેરતા નથી, અને ગાંધીનું નામ લેતા નથી, પણ તેમનું કામ કોઈ પણ ગાંધીજન કરતા ચડીયાતુ છે, ઉદાહરણ રૂપે કહીએ તો મહારાષ્ટ્રના ગીચ જંગલોમાં કામ કરી ચુકેલા બાબા આમટે અને હવે તેમના દિકરા ડૉ પ્રકાશ આમટે આધુનિક ભારતના આધુનિક ગાંધી છે તેવી જ રીતે ભાવનગરના મહુવામાં કામ કરતા ડૉ કનુ કલસરીયા પણ ગાંધીનું જ કામ કરે છે આવા ગાંધીજનોની સંખ્યા પણ આ દેશમાં બહુ મોટી છે, પરંતુ તેઓ પોતાને ગાંધીજન કહેવડાવતા નથી અને કોઈ ગાંધી સંસ્થામાં કામ કરતા નથી એટલે આપણે તેને ગાંધીજન કહેતા નથી,ગાંધી સંસ્થામાં કામ કરતા ગાંધીજનોએ માત્રને માત્ર ગાંધી ઈમારત બચાવવાની અને સંભાળવાની જવાબદારી લીધી અને ગાંધીને જીવતો રાખવાનું કામ તેમણે કર્યુ નહીં
એટલે જયારે ગાંધી આશ્રમના નવીનીકરણ સામે પોતાનો વાંધો રજુ કરવા મહારાષ્ટ્રથી ગાંધીજનો નિકળે ત્યારે તેમની નોંધ સરકાર તો ઠીક પણ પ્રજા પણ લેતી નથી, કારણ પ્રજા અને સરકાર બંન્નેને ખબર છે આ ગાંધીજનો બધુ કામ પ્રતિકાત્મક કરે છે, તેઓ પ્રતિકાત્મક રેટીયો કાંતે છે અને મેં તો વિરોધ કર્યો હતો તેવુ પોતાને કહેવા માટે વિરોધ કરે છે, ગાંધીજન થવા માટે ગુમાવવાની તાકાત હોવી જોઈએ, જે તાકાતનો હવે ગાંધીજનોમાં અભાવ છે. વિરોધનું પણ ઠોંસ કારણ તેમની પાસે નથી, ગાંધી સરકારનો નથી તેમ ગાંધી સંસ્થાીઓનો પણ નથી, ગાંધી લડાયક હતો તેની સાથે ગાંધી સંવાદકાર પણ હતો, પણ હવે ગાંધીજનોમાં સંવાદનો અવકાશ રહ્યો નથી, તેઓ ગુસ્સે થાય છે,બરાડે છે, નારેબાજી કરે છે, અને નારાજ અને નિરાશ થઈ જાય છે, આરોપ કરતી વખતે આપણી પાસે સમસ્યાનો ઉકેલ પણ હોવો જોઈએ પણ તે માને છે ઉકેલ સરકારની જવાબદારી છે, તેનું કામ તો માત્ર આંદોલન કરવાનું છે,. પણ ગાંધી માત્ર આંદોલનકાર ન્હોતો. સામાન્ય માણસ રોડના કિનારે ઉભો રહી ગાંધીજનોનો આ તમાશો ચુપચાપ જુવે છે કારણ તેને ખબર છે આ રેલીઓ અને પદયાત્રા તેના જીવનમાં કોઈ ફેર લાવી શકતી નથી એટલે હે રામ બોલી તે ઘરે જાય છે અને ગાંધી માત્ર પ્રતિમાઓમાં ઉભો કરે છે
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









