પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. આણંદ): કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા પટેલ વચ્ચે ચાલતો પરિવારિક વિવાદ હવે જાહેર બની ગયો છે. ભરત સોલંકી પોતાની મહિલા મિત્રને મળવા આણંદ ગયા ત્યારે સોલંકીના પત્ની રેશ્મા પટેલ અને તેમના સાગરીતો મહિલા મિત્રના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને મહિલાને માર માર્યો હતો. આ સમગ્ર મામલે સોલંકીના મહિલા મિત્રએ રેશ્મા પટેલ સહિત તેના દસ સાગરીતો સામે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.
ભરતસિંહ સોલંકી અને રેશ્મા પટેલ વચ્ચે ચાલતો પરિવારિક વિવાદ કોર્ટ સુધી પણ પહોંચ્યો છે જેમાં ભરતસિંહે પોતાના જીવનું જોખમ હોવાનું કારણ આપીને પોતાની પત્ની રેશ્મા પટેલ સાથે છૂટાછેડા માગ્યા છે, આ અગાઉ ભરતસિંહ અને રેશ્મા જાહેર નોટિસ આપી ચૂક્યા છે, પરંતુ ચાલુ સપ્તાહે આ ઘટના ફરી મધ્યમોમાં એટલા માટે આવી કે આણંદ ખાતે રહેતી ભરતસિંહની મહીલા મિત્રના ઘરે ભરતસિંહ પહોચ્યા ત્યારે તેમનો પીછો કરતાં રેશમાં પટેલ અને તેના અંગત લોકો ભરતસિંહના મહિલા મિત્રના ઘરે પહોંચી ગયા હતા, જ્યાં ઝપાઝપી થઈ હતી અને અશોભનીય શબ્દોનો પ્રયોગ થયો હતો.
આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં ભરતસિંહ સોલંકીને પત્રકાર પરિષદ બોલાવી સ્પષ્ટતા કરવી પડી હતી, તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમના પત્નીથી તેમને જીવનું જોખમ છે અને તેમની પત્નીને માત્ર તેમની સંપત્તિમાં રસ છે. પત્રકાર પરિષદના અંતે સોલંકીએ જાહેરાત કરી કે તેઓ હાલ પૂરતો સક્રિય રાજકારણમાંથી બ્રેક લઈ રહ્યા છે.
આણંદ ખાતે ઘટેલી ઘટનાના પગલે ભરતસિંહની મહિલા મિત્રએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક લેખિત ફરિયાદ આપી છે કે રેશ્મા પટેલ અને તેમના સાગરીતો તેમના ઘરમાં ગેરકાયદે ગૃહપ્રવેશ કરીને તેમની ઉપર હુમલો કર્યો અને તેમના ઔચિત્યને નુકશાન પહોંચાડવામાં આવ્યું છે, આ મામલે આણંદ પોલીસ તપાસ ચલાવી રહી છે.
કાયમ પુરૂષને જ આરોપીના પાંજરામાં ઉભો કરી છીએઃ ભરતસિંહ સોંલકીનો પ્રેમ અને છુટાછેડા તેમની વ્યકિતગત બાબત છેઃ જાણો આ 6 મુદ્દા

પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): કોંગ્રેસના પહેલી હરોળના નેતા ભરતસિંહ સોંલકી અને તેમના પત્ની રેશ્મા પટેલ વચ્ચે છેલ્લાં કેટલાય વર્ષોથી પારિવારીક ઝઘડો ચાલે છે, જે મામલો ન્યાયાધીન પણ છે, પરંતુ તાજેતરમાં સોશીયલ મિડીયા ઉપર એક વિડીયો વાયરલ થયો જેની ચર્ચા હમણાં બેરોજગારી- પાણીની તંગી અને મોંધવારી કરતા વધારે મહત્વની બની ગઈ છે, ભરત સોંલકીની પત્ની રેશ્મા પટેલ ભરતસિંહના ઘરમાં ઘુસી એક યુવતીને ભરતસિંહના ઘરમાં પકડી પાડી જેના હોબાળાની હમણાં મિડીયામાં ચર્ચા ચાલી રહી છે ખાસ કરી પ્રદેશ સમિતિમાં નવરા બેઠેલા નેતાઓને વધુ એક ચર્ચાનો વિષય મળી ગયો છે, પણ આખા મામલાને બારીક રીતે જોઈએ તો ભરતસિંહ સોંલકી અને રેશ્મા પટેલ વચ્ચે જે ચાલી રહ્યુ છે અને જે ચાલશે તેની અસર આપણા જીવન ઉપર કોઈ અસર થવાની નથી આ સમગ્ર મામલો એક દંપત્તીનો વ્યકિતગત છે. આપણે આખા ઘટનાક્રમને આ રીતે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ
(1) ભરતસિંહ સોંલકી ગુજરાતના મુખ્યમંત્રી માધવસિંહ સોંલકીના પુત્ર હોવાની સાથે તેમની કોંગ્રેસમાં એક વ્યકિતગત ઓળખ પણ છે,ભરતસિંહ સોંલકીની પહેલા લગ્ન ખ્યાતનામ ડૉકટર રેખા સોંલકી સાથે થયા હતા, 1999માં જયારે રેશ્મા પટેલ સાથે ભરતસિંહ સંપર્કમાં આવ્યા ત્યાર બાદ તેમના લગ્ન જીવનમાં ભંગાણ પડયુ અને ભરતસિંહે રેખા સોંલકીથી અલગ થઈ રેશ્મા પટેલ સાથે એક નવા સંબંધની શરૂઆત કરી, રેશ્મા પટેલના કારણે ભરતસિંહ રેખા સોંલકીથી અલગ થવાનો નિર્ણય કર્યો તે નિર્ણય સાચો હતો કે ખોટો તે તેમના સિવાય કોઈ નક્કી કરી શકે નહીં માની લઈએ કદાચ તેમને આજે તે ભુલ લાગતી હોય તો હવે ઘણુ મોડુ થઈ ગયુ છે.
(2) સવાલ રેશ્મા પટેલનો પણ છે, જયારે રેશ્મા પટેલે ભરતસિંહ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારે ભરતસિંહ અને રેશ્મા પટેલ વચ્ચે ઉમંરનો બહુ મોટો ફેર હતો આ બાબત ખાનગી ન્હોતી, રેશ્મા પટેલે ત્યારે વિચાર કરવાની જરૂર હતી કે જે ભરતસિંહ રેખા સોંલકી સાથેના સંબંધનો અંત આણી શકે છે તેવુ કદાચ પોતાની પાસે પણ થશે, પણ જે ઉમંરે રેશ્મા પટેલ લગ્ન કરી રહ્યા હતા ત્યારે આટલુ લાંબુ વિચારવુ શકય ન્હોતુ કારણ ત્યારે રેશ્મા પટેલની ઉમંર 19ની જ હતી,. રેશ્મા પટેલનો આ નિર્ણય વાજબી હતો કે ગેરવાજબી હતો તેનો નિર્ણય ખુદ રેશ્મા પટેલે જ કરવાનો છે.
(3) 1999થી2020 વચ્ચે ભરતસિંહ અને રેશ્મા પટેલ વચ્ચે ઘણુ બધુ બની ગયુ અને બંન્નેના સંબંધમાં પડેલી તીરાડ લાંબી થવા લાગી હતી, આ દરમિયાન ભરતસિંહની અનેક મહિલાઓ સાથે સંબંધ હોવાની ચર્ચા થવા લાગી પણ આ મામલે કોઈને વાંધો લેવાનો અધિકાર હોય તો કે પત્ની તરીકે રેશ્મા પટેલનો જ હતો 2020 ભરતસિંહ સોંલકીએ ખુદ કોર્ટમાં જઈ રેશ્મા પટેલથી અલગ થવાની અરજી કરી અને કારણ આપ્યુ કે રેશ્માને કારણે પોતાના જીવનને ખતરો છે આ મામલે હજી કોઈ નિર્ણય થયો નથી આ મામલો ખાનગી જ હતો પણ એક વર્ષ પહેલા રેશ્મા પટેલે અખબારમાં જાહેર નોટીસ આપતા ચાર દિવાલો વચ્ચેનો મામલો જાહેર થઈ ગયો હતો.
(4) સાચી વાત એવી છે કે ભરતસિંહ અને રેશ્મા પટેલ પટેલ સાથે રહી શકે તેવી સ્થિતિ રહી નથી, ભરતસિંહ જાહેર જીવનમાં હોવાને કારણે તેમને ડર હતો કે રેશ્મા તેમની આબરૂનું લીલામ કરશે પણ કદાચ હવે તે ડર પણ રહ્યો નથી કારણે આબરુને જે નુકશાન કરવાનું હતું તે થઈ ગયુ છે, આણંદ ખાતેના બંગલે ભરતસિંહ એક યુવતી સાથે હતા તે ઘરમાં રેશ્મા પટેલ ઘુસી ગયા હતા, હજી રેશ્મા પટેલ ભરતસિંહના કાયદેસરના પત્ની છે કારણ છુટાછેડા થયા નથી.
(5) એક તબ્બકે એવુ સ્વીકારી લઈ કે ભરતસિંહના છુટાછેડા થાય નહીં ત્યાં સુધી રેશ્મા પટેલ તેમના ઘરમાં આવી શકે અને જે ભરતસિહના અન્ય કોઈ પણ સાથે સંબંધ હોય તો તેનો વાંધો પણ લઈ શકે છે. પરંતુ રેશ્મા પટેલ સાથે અન્ય માણસો પણ ભરતસિંહના ઘરમાં ઘુસી આવ્યો તે ગેરકાયદે ગૃહ પ્રવેશનો ગુનો બને છે ત્યાર બાદ જે પ્રકારે વિડીયો ગ્રાફી થઈ અને પેલી યુવતીને માર માર્યો, તેનો ચહેરો જાહેર કરી દેવામાં આવ્યો તે સ્ત્રીના ઔચિત્યનો ભંગ થયો છે, યુવતી ઈચ્છે તો આ અંગે પોલીસ ફરિયાદ પણ કરી શકે છે.
(6) સ્વભાવીક છે કે ભરતસિંહ રાજકારણી હોવાને કારણે તેમની પાર્ટી અને વિરોધ પક્ષને આ મામલે મઝા પ઼ડી જાય. પણ એક સામાન્ય માણસ તરીકે આપણી વિચારીએ કે ભરતસિંહની મઝા બગાડી બીજા કોઈને કઈ ફાયદો થતો નથી, ભરતસિંહને રેશ્મા પટેલ સાથે રહેવુ કે નહીં , ભરતસિંહને કેટલી મહિલાઓ સાથે સંબંધ રાખવા તે બધી જ બાબતો અત્યંત વ્યકિતગત છે, ભરતસિંહ જેવી સ્થિતિ અનેક પુરુષોની પણ છે તેઓ જાહેર જીવનમાં નહીં હોવાને કારણે તે ઘટનાઓ માધ્યમોમાં સમાચાર બન્યા નથી. આ મામલે ભરતસિંહ એક પત્રકાર પરિષદ કરવાના છે પરંતુ તેઓ આ મામલે પોતાના પરિવાર સિવાય કોઈને જવાબ આપવા બંધાયેલા નથી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











