Wednesday, May 27, 2026
HomeGeneralજો મૃત્યુની તારીખ આપણને ખબર હોત તો ભેગુ કરવા આપણે રોકાતા નહીં

જો મૃત્યુની તારીખ આપણને ખબર હોત તો ભેગુ કરવા આપણે રોકાતા નહીં

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): મથાળુ તમને જરા વિત્રિત્ર લાગ્યું હશે, પણ આપણે બારીક રીતે આપણા વિચારોનો અભ્યાસ કરતા નથી, બધા માણસોને મૃત્યુનો ડર લાગતો હોય છે, પણ બીજુ એક સત્ય એવુ પણ છે કે આપણે જ્યારે મૃત્યુનો વિચાર કરતા હોઈએ છીએ ત્યારે મૃત્યુનો ડર નહીં પણ જીવવાનો ડર લાગતો હોય છે. આ વાત ઉદાહરણ આપ્યા વગર સમજાવી શકાય તેમ નથી એટલે થોડી વિસ્તારથી આ વાત મુકવી જોઈએ, આપણે ત્યાં તમામ માણસો કોઈને કોઈ ધંધો રોજગાર કરતા હોય છે, જેમના રજવાડાઓ હતા તેમનો પરિવાર પણ કોઈને કોઈ વ્યવસાયમાં છે. તેમાં પણ બે પ્રકાર છે, એક વર્ગ એવો છે કે પોતાનું કામ પ્રમાણિકપણે કરે છે અને પ્રમાણિક રીતે આવકના સ્ત્રોત ઊભા કરે છે. આમ તેમની જીંદગીની સીધી લીટીમાં પસાર થાય છે બીજો વર્ગ એવો છે કે તેઓ પ્રમાણિકપણે કામ કરે તો પણ તેમના જીવન નિર્વાહનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ નથી, છતાં તેઓ તેમને મળેલી સત્તાનો ઉપયોગ કરી બુલડોઝરની જેમ પૈસા કમાય છે. આમ બંન્ને વર્ગના લોકોનો હેતુ તો પૈસા કમાવવાનો છે.


આપણે બોલવા ખાતર તો બોલીએ છીએ કે આપણે હોઈએ કે અંબાણી આખરે તો બધા બે રોટલી જ ખાય છે પછી પૈસા કમાવા માટે શું કામ દોડવાનું? આપણે કોઈ આપણી સાથે કશું જ લઈ જતા નથી તો પણ આટલા ઉધામા કેમ? આ ઝુંપડામાં રહેનાર કોઈ ગરીબ માણસથી લઈ અંબાણી અદાણી અને ટાટા સહિત બધાને ખબર છે., છતાં આપણે કોઈ આ ફીલોસોફીમાં કેમ વિશ્વાસ કરતા નથી તેનું પણ એક કારણ છે, આપણી કામ કરવાની પણ એક ઉંમર હોય છે. સામાન્ય માણસ વીસ વર્ષથી સાઈંઠ વર્ષની વચ્ચે કામ કરે છે, ત્યાર બાદ નિવૃત્તી હોય છે, જેઓ સરકારી વ્યવસ્થામાં છે તેમની નિવૃત્તી એકંદરે સારી રીતે પસાર થાય તેવી વ્યવસ્થા સરકાર કરે છે, જેઓ વ્યવસાય કરે છે તેઓ પોતાની બચતનું આયોજન તેવી રીતે કરે છે કે જ્યારે તેઓ કામ બંધ કરે ત્યારે તેમનું જીવન ધોરણ યથાવત રહે આમ બધા સંપત્તી એકત્ર કરવામાં લાગી ગયા છે. જો આપણે મૃત્યુ પછી કંઈ જ સાથે લઈ જવાનું નથી તો એકત્ર શું કામ કરીએ છીએ? તેવો પ્રશ્ન આપણને કોઈને ક્યારેય થતો નથી.

- Advertisement -

ખરૂ કારણ એવું છે કે આપણને મ઼ૃત્યુના ડર કરતા જીવી જવાનો ડર વધુ લાગે છે. નિૃવૃત્તી પણ આપણે કેટલુ જીવીશું તેની આપણને ખબર નથી, જો તેની ખબર હોય તો આપણે પૈસા કમાવવાની કોઈ મર્યાદા નક્કી કરી હોત. આપણને આપણા મૃત્યુની તારીખની ખબર નથી તે મોટો પ્રશ્ન છે. એટલે જીવીએ ત્યાં સુધી કોઈની સામે હાથ લાંબો કરવો પડે નહીં તેવી સારી ભાવનાને કારણે આપણે સાચી કે ખોટી રીતે સતત પૈસા કમાવવાનો વિચાર કરીએ છીએ તે દીશામાં દોડતા રહીએ છીએ, આપણને ખબર હોય કે મારૂ મૃત્યુ નિવૃત્તીના દસ વર્ષ પછી મૃત્યુ થવાનું છે તો મારે વધારાના દસ વર્ષની વ્યવસ્થા જેટલુ જ કમાઈ બેસી જવાનું છે પણ મને ખબર નથી કે હું ક્યારેય મરીશ, મને મારા મૃત્યુની ખબર નથી એટલે મારે જીવતા રહું તેની ચિંતા કરવી પડે છે. મેં પચ્ચીસ વર્ષ પહેલા એક નાનકડી બચતની શરૂઆત કરી હતી. મને હતું કે હું 60 વર્ષનો થઈશ ત્યારે મને એક ચોક્કસ રકમ મળશે જેનાથી મારી અને મારી પત્નીનો નિર્વાહ થઈ જશે પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સમજાયું કે દેશની આર્થિક સ્થિતિને કારણે મેં કરેલુ બચતનું આયોજન ખોટું પડી રહ્યું છે.


માની લઈએ કે મને હજાર રૂપિયાની ચિંતા છે તો કોઈને એક લાખની ચિંતા છે, આમ દરેકના જીવન ધોરણો અલગ છે. એટલે બધા જ એક જ બોટમાં મુસાફરી કરે છે, દરેકના મનમાં એક સરખી અસલામતીનો ભાવ છે, અહિયા મૃત્યુનો ડર નથી, કેટલું જીવીશું? તેનો ડર છે, એટલે બધા કમાવવાની દોટમાં જોડાઈ ગયા છે, જો બધા જ બે રોટલી ખાય છે તો દેશના પાંચ ટકા લોકો તો એવા છે કે જેઓ આજે કામ બંધ કરે તો પણ એકસો પેઢી સવાર બપોર સાંજ બે રોટલી ખાઈ શકે તેમ છે, છતાં તેઓ પણ કમાવવાની દોટમાં આપણા બધા કરતા આગળ દોડી રહ્યા છે, કારણ તેમના મનમાં પણ એક પ્રકારની અસલામતી તેમને દોડવાની ફરજ પાડે છે, નાના માણસને નાની અસલામતી છે, મોટા માણસની અસલામતી તેના કદ જેટલી મોટી છે, આ અસલામતીમાંથી કોઈ પોતાને બાકાત રાખી શક્યું નથી. બહુ જુજ માણસો અપવાદ છે જેઓ આ દોડમાંથી પોતાની બચાવી શક્યા છે.

જેઓ ભ્રષ્ટાચાર કરે છે પોતાને મળેલી સત્તાનો દુરઉપયોગ કરી પૈસા કમાય છે તેમની સ્થિતિ પણ આવી છે. તેમની પાસે કરોડો રૂપિયા આવી ગયા પછી પણ તેમના મનમાં રહેલી અસલામતી તેમનો પીછો છોડતી નથી. એટલે પહેલા તો પોતાની ચિંતામાં અને પછી પોતાના સંતાનોની ચિંતામાં કમાવવા પોતાને આત્માને પણ બાજુ ઉપર કમાવવા દોડી રહ્યા છે. જો આ લોકોને પણ પોતાના મૃત્યુની તારીખની ખબર હોત તો કદાચ તેઓ ધીમા પડી ગયા હોત કારણ કમાયા પછી વાપરવા માટે પણ સમય જોઈએ મોટા ભાગના લોકોની હાલત પેલી દંતકથા છે જેવી છે સુર્ય આથમે ત્યાં સુધી દોડતા રહેવાનું અને જ્યાં અટકે ત્યાં સુધીની જમીન તારી માલિકીની થશે, આમ આપણે બધા સુર્ય આથમે ત્યાં સુધી દોડતા રહીએ છીએ આખરે બે ગજ જમીનની માલિકી પણ આપણી થતી નથી.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular