વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ.રાજપીપળ): સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પી.એમ મોદીએ જ્યારે લોકાર્પણ કર્યું ત્યારે એમણે જાહેરમંચ પરથી એમ કહ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી સ્થાનિક આદિવાસીઓને રોજગારી મળશે. એમનું જીવન ધોરણ આગળ આવશે પણ હવે ક્યાંકને ક્યાંક પી.એમ મોદીનું નિવેદન તંત્રના પાપે પોકળ સાબિત થઈ રહ્યું હોય તેવું લાગે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ સાફ સફાઈ કરાવતી બી.વી.જી કંપનીનો કોન્ટ્રાક્ટ બંધ કરવાનો નિર્ણય કરતા 150 જેટલા આદિવાસીઓ હવે બેરોજગાર બની ગયા છે. વડોદરા મહાનગર પાલીકાને માઉન્ટેડ આધુનિક રોડ સ્વિપર મશીન દ્વારા સાફ સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, એટલે હવે માણસથી નહીં મશીનથી સાફ સફાઈ થશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ સાફસફાઈની કામગીરીનો કોન્ટ્રાક્ટ બી.વી.જી કંપનીને આપવામાં આવ્યો હતો. અત્યાર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જેટલા પણ મોટા મોટા કાર્યક્રમો થયા છે બી.વી.જી કંપનીમાં કામ કરતા 150 આદિવાસીઓએ દિવસ રાત મહેનત કરી સાફ સફાઈનું કામ કર્યું છે. એમ કહીએ તો ખોટું નથી કે કેવડીયા, કોઠી, લીંબડી, વાગડીયા, નવાગામ, ગોરા ગામના 150 આદીવાસી પરિવારોનું બી.વી.જી કંપની પર જ ગુજરાન ચાલતુ હતું. જે તે સમયે એ 6 ગામના સરપંચોએ પોતાના લેટર પેડ પર જેમના નામ આપ્યા એ લોકોની જ બી.વી.જી કંપનીમાં ભરતી કરવામાં આવી હતી. એસ.ઓ.યુ આસપાસના વિસ્તારમાં જે લોકોના લારી ગલ્લા હટાવાયા એવા જ લોકો બી.વી.જી કંપનીમાં કામ કરી રોજગારી મેળવી રહ્યા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના ચેરમેન રાજીવ ગુપ્તાએ એવા આદેશ આપ્યા હતા કે બી.વી.જી કંપનીના કર્મચારીઓને અન્ય કોઈ જગ્યાએ રોજગારી આપવી, ત્યારે એમના આદેશની પણ અવગણના કરવામાં આવી હોય એમ લાગી રહ્યું છે. હવે એસ.ઓ.યુ સત્તા મંડળ એમને અન્ય કોઈક જગ્યાએ રોજગારી આપે છે કે કેમ એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. હાલ તો તેઓ બેરોજગાર બની જતા જો આ 150 આદિવાસીઓને તંત્ર રોજગારી નહીં આપે તો વિપક્ષ એને ચૂંટણી મુદ્દો બનાવશે અને અંબાજીથી લઈ ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટા પર આવનારી વિધાનસભા ચૂંટણીમાં એની માઠી અસર થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.

![]() |
![]() |
![]() |











