પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): તમારે કોઈ પણ નોકરી મેળવવી હોય તો પરિક્ષા પાસ કરવી પડે છે, પરંતુ પોલીસમાં વહિવટદાર થવા માટે કોઈ પણ પરિક્ષા નહીં હોવા છતાં એક વિશિષ્ઠ આવડત હોવી પણ જરૂરી છે, કારણ બધા જ પોલીસવાળા સારા વહિવટદાર થઈ શકતા નથી, છેલ્લાં લાંબા સમયથી જે સ્થિતિ નિર્માણ થઈ છે તેમાં વહવિટદારની ભુમીકા એટલા માટે અગત્યની છે કે તેમની ખાનગી સત્તાઓ અમાપ છે, તે ધારે તેની બદલી કરાવી શકે અને ધારે ત્યાં મોનીટરીંગ સેલના દરોડા પડાવી શકે છે, એટલે કોઈ પોલીસ કર્મચારી પોતાના સિનિયર સામે પડવાની હિમંત કરી શકે પણ વહિવટદાર સામે પડવાની ગુસ્તાખી કરતા નથી. અમદાવાદ શહેરમાં હાલમાં 80 કરતા વધુ વહિવટદારો પોતાની સેવા આપી રહ્યા છે જો કે આ પ્રકારની વિશિષ્ઠ આવડત ધરાવતા વહિવટદારોમાં એક ચોક્કસ જ્ઞાતિનું પ્રભુત્વ છે આ એક સંજોગ પણ હોઈ શકે છે, 80માંથી 70 એક જ જ્ઞાતિના છે જયારે બાકીના દસ ઈતર જ્ઞાતિના છે.
સરકારી ચોપડે વહિવટદારની કોઈ વ્યવસ્થા નથી પણ આપણે વિપરીત સ્થિતિમાં રસ્તો કાઢનારી પ્રજા છીએ, આમ પોલીસે પણ વહિવટદારની એક ગુપ્ત વ્યવસ્થા ઉભી કરી છે, જેનું કામ પોલીસ અધિકારીઓ અને પ્રજા વચ્ચે સંકલન કરવાનું છે, વહિવટદારની પ્રાથમિકતા હોય છે કે જે સાહેબનો વહિવટ કરે તેમની છબી બેદાગ રહે છે. આમ સાહેબના નામે બધો જ વહિવટ કરવાનો હોવા છતાં સાહેબની આબરૂને છાંટો પણ ઉડવો જોઈએ, જરૂરી પડે પોતાની બદલી કે કંપનીમાં થાય તેની તૈયારી પણ તેઓ રાખે છે, જો કે કે કંપનીમાં ગયા પણ પણ વહિવટ તો પોતાના હસ્તક જ રહેવાનો છે તેની પાક્કી ખાતરી હોય છે. કે કંપનીમાં રહીને પણ વહિવટ કરતા ઘણા વહિવટદારોની આ સેવામાં એટલી પક્કડ આવી ગઈ છે કે તેઓ હવે પેટા વહિવટદાર રાખવા લાગ્યા છે, સ્વભાવીક છે સમયની સાથે જેમ ધંધાનો વિસ્તાર થાય તેમ સેવાનો પણ વિસ્તાર તો થવાનો જ છે.
અમેરીકાની શોધ કોલંબસે કરી તેની આપણને ખબર છે પરંતુ વહિવટદારની શોધ કોણે કરી તેની આજ સુધી કોઈને ખબર નથી, દોષ માત્ર પોલીસ ઈન્સપેકટરોને નથી એસીપી ડીસીપી, જોઈન્ટ સીપી ડીએસપી સહિત તમામ પાસે એટલુ બધુ કામ છે કે તેઓ એકલા હાથે પહોંચી વળતા નથી એટલે વહિવટદાર હોવો અનિવાર્ય બની ગયો છે જો કે અમદાવાદમાં બે ત્રણ એવા વિર પોલીસ ઈન્સપેકટરો પણ છે જેમણે હમણાં સુધી કોઈ વહિવટદાર રાખ્યો નથી તેઓ એકલા હાથે બધુ સંભાળી લે છે જો કે તેમને પણ રોજ કોઈને કોઈ ઉચ્ચ અધિકારીના ચોક્કસ નામના વહિવટદાર માટે ફોન આવે છે કે તમે પણ તેમની સેવાનો લાભ લો. વહિવટદારને નારાજ કરવુ ઈન્સપેકટરને પણ પોષાય તેમ નથી, જો કોઈ ઈન્સપેકટર અથવા અધિકારી તેવુ નક્કી કરે કે હું ઘરેથી બંન્ને ટાઈમનું ટીફીન લઈ આવીશ, ચ્હા પણ પોતાના પૈસાથી પીઈશ, કોઈની કોઈ સેવા લઈશ નહીં તો વહિવટદાર વગર ચાલે પણ, તમે કોઈને સેવા ના લો ત્યાં સુધી પણ વાંધો નથી, પણ ઉપરી અધિકારી તમને સેવા આપે તો તે સેવાઓ પુરી પાડવા માટે પણ વહિવટદાર જરૂરી છે.
પોલીસ ઈન્સપેકટર અને ઉપરી અધિકારી કરતા પોલીસ કર્મચારીઓને વહિવટદારનો ખુબ ડર લાગે છે કારણ કયા પોલીસને કયાં નોકરી હશે, બંદોબસ્તમાં કોણ જશે, નાકાબંધી અને વાહન ચેકીંગ કોણ કરશે, કોર્ટ ડયુટીમાં કોણ રહેશે પીસીઆર વાહનમાં કોણ જશે આ બધુ નક્કી કરવામાં વહિવટદાર મહત્વનો હોય છે જો કે ઈરાદો ઈન્સપેકટરનું કામનું ભારણ ઘટાડવાનો જ હોય છે. આ સ્પર્ધાના યુગ છે, જે સતત બદલાતો અને પરિવર્તનશીલ રહે છે તે જ ટકે છે તેવુ વહિવટદારોમાં છે, જરૂરી નથી કે તે પોતાના વિસ્તારમાં વહિવટ કરી શકે, નોકરી ગમે તે પોલીસ સ્ટેશનમાં હોય પણ વહિવટ કોઈ પણ પોલીસ સ્ટેશનનો લેવાની તેમની ક્ષમતા હોય છે. જો પોતાના વહિવટમાં કોઈ ફાચર મારે તો તો સ્ટેટ મોનીટરીંગ સેલ તો સદા તત્પર હોય છે એક ફોન કોલ ઉપર એસએમસીની સેવા મળી જ રહે છે જેમાં ગુમાવવાનું ઈન્સપેકટરને આવે છે એટલે તે પણ જુના વહિવટદારને બદલી નવો રાખવાની હિમંત કરતા નથી.
અમદાવાદ શહેરમાં પોલીસ સ્ટેશનો અને વિવિધ ઓફિસો અને બ્રાન્ચો મળી 80 કરતા વધુ વહિવટદારો પોતાની સેવા આપી રહ્યા છે કદાચ 80નો જે આંકડો છે તે ખોટો પડવાની સંભાવના પણ છે કારણ તેના કરતા બે ગણા વધારે હોય તો નવાઈ નહીં, આ તો સરકારી કર્મચારીનો આંકડો છે કારણ અમદાવાદમાં રોજ પાંચ એવા માણસો મળે છે જે કહે છે સાહેબનું કોઈ કામ હોય તો કહેજો પણ એક સંજોગ એવો છે કે અમદાવાદ શહેરમાં 95 ટકા વહિવટદાર એક જ જ્ઞાતિના છે, જો કે તેમની જ્ઞાતિના ઉચ્ચ અધિકારીઓ પણ ભલા માણસ છે કારણ તેઓ પાતાની જ્ઞાતિના પોલીસવાળાને વહિવટ મળે તે માટે, સંબંધીતોને ફોન પણ કરે છે. આપણે સુધારાવાદી લોકો છીએ એટલે કોણ કઈ જ્ઞાતિનો છે તે આપણો વિષય નથી છતાં ઈતર જ્ઞાતિના પોલીસવાળા પાસે વહિવટ જાય તો તેનો કેવી રીતે વહિવટ કરી નાખવો તેની પણ યોજના હોય છે. (અહિયા કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં તેવી વિનંતી છે આ એવી સ્થિતિ છે જેને કોઈ બદલી શકે તેમ નથી અને બદલવાનો ઈરાદો પણ નથી) મોઝ કરો.

બોલો અમદાવાદમાં ઉલ્ટી ગંગાઃ PIના પોસ્ટીંગના ટેન્ડરો વહિવટદારો ભરે છેઃ જેવુ પોલીસ સ્ટેશન તેવુ ટેન્ડર
પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આમ તો કોઈ પણ ધંધામાં સરકારી અને બીનસરકારી કામમાં ટેન્ડર ભરવાની પ્રથા છે, પરંતુ પોલીસ સહિત વિવિધ સરકારી જગ્યાઓ માટે છેલ્લાં કેટલાય વર્ષોથી પાછલા બારણે ટેન્ડર પ્રથા આવી ચુકી છે આ ટેન્ડર પ્રથામાં જેવી જગ્યા તેવુ ટેન્ડર હોય છે, જે સૌથી ઉંચુ ટેન્ડર ભરે તેને તે જગ્યા મળે છે. કાગળ ઉપર આવી કોઈ વ્યવસ્થા નથી એટલે તમે આખી વાતને નકારી શકો છો, પણ શાહમૃગ રેતીમાં માથુ નાખી દે એટલે રણમાં તોફાન અટકી જતુ નથી, પણ છેલ્લાં કેટલાંક સમયથી અમદાવાદમાં ઉલ્ટી ગંગા શરૂ થઈ છે, પોલીસ સ્ટેશનમાં વહિવટદારની જે વ્યવસ્થા આખી ગુજરાત પોલીસમાં ઉભી થઈ છે, તેમાં અમદાવાદ શહેરમાં વહિવટદાર એટલા શકિતશાળી બન્યા છે કે કયાં પોલીસ સ્ટેશનમાં કયાં ઈન્સપેકટર મુકાશે તે નક્કી તેઓ કરે છે કારણ હવે પોલીસ સ્ટેશન અને મહત્વની બ્રાન્ચમાં જવા માટે ટેન્ડર ઈન્સપેકટરો નહીં વહિવટદારો ભરે છે.
પોલીસની જે સરકારી વ્યવસ્થા છે તેમાં વહિવટદાર જેવી કોઈ વ્યવસ્થા અથવા હોદ્દો નથી, પણ વહિવટદારો છે તે બાબત હવે નીવારી શકાય તેમ નથી, કોઈક મોટી ઘટના ઘટે ત્યારે વહિવટદારોને કે કંપનીમાં અથવા જિલ્લા બહાર બદલી કરી તંત્ર સંતોષ માને છે પણ કમનસીબી એવી છે કે વહિવટદારોની બદલી કરનાર ઉચ્ચ અધિકારીઓને પણ પોતાના વહિવટદારો હોય છે, આમ વહિવટદારની પ્રથા નાથી શકાય નહીં એટલી હદે વિકરાળ બની છે, અમદાવાદ જેવા શહેરોમાં અધિકારીઓને વહિવટ કરનારને વહિવટદાર કહેવામાં આવે છે જયારે સુરત જેવા શહેરમાં કેશીયર કહેવામાં આવે છે. જેના ખીસ્સામાં નાણા તેની તાકાત વધારે તે સહજ બાબત હોવાને કારણે વહિવટદાર બહુ શકિતશાળી બની ગયા છે.
99 ટકા કિસ્સામાં વહિવટદાર સરકારી માણસ જ હોય છે એકાદ ટકા અધિકારીઓ વહિવટદાર ખાનગી માણસ રાખે છે, પણ અમદાવાદમાં ઉભી થયેલી પરિસ્થિતિમાં હવે પોસ્ટીગ લેવા માટે પોલીસ ઈન્સપેકટરો રાજનેતા અને ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરવાને બદલે વહિવટદારોનો સંપર્ક કરે છે, કારણ પોસ્ટીંગ લેવા માટે પ્રારંભીક જે લાખોનું રોકાણ કરવાનું થાય છે તે રોકાણની વ્યવસ્થા પણ વહિવટદાર કરે છે આમ વગર રોકાણે ઈન્સપેકટરોને પોતાની મનગમતી જગ્યા મળે છે. આમ પોલીસ સ્ટેશનના સાચા ખોટા કામમાં નિર્ણયકર્તા પોલીસ ઈન્સપેકટર હોવો જોઈએ તેના બદલે વહિવટદાર નિર્ણયકર્તા બની જાય છે કારણ ઈન્સપેકટરને મુકાવવા માટે રોકાણ વહિવટદારનું હોય છે, જે રોકાણ કહે તેનું પહેલી પ્રાયોરીટી રોકાણ શકય એટલુ પરત આવે તે જોવાનું હોય છે.
એટલે વહિવટદાર આયોજન કરે છે તેણે રોકાણ કરેલા નાણા કેવી રીતે રીકવર થાય. પહેલા સ્થિતિ એવી હતી કે પગાર સિવાય જે આવક થાય છે તેનું વિભાજન પોલીસ ઈન્સપેકટર પોતાની મનસુફી પ્રમાણે કરતા હતા, પણ હવે વહિવટદાર થયેલી આવકમાંથી કેટલો હિસ્સો ઈન્સપેકટરને આપવો તે નક્કી કરે છે, ઘણા પોલીસ ઈન્સપેકટરો કોઈ ચોક્કસ આંકડો પોતાને મળશે તેવુ નક્કી કરે છે, આવા કિસ્સામાં એવુ પણ બને રોકાણ કરનાર વહિવટદારને પોલીસ ઈન્સપેકટર કરતા પણ વધારે ભાગ મળે છે, આસામાન્ય સંજોગ ઉભા થાય અને બહાર એજન્સી રેડ કરે ત્યારે જવાબદારી તો ઈન્સપેકટરની હોય છે, તેવા સંજોગોમાં ઈન્સપેકટરની બદલી કરવી જરૂરી હોય છે, આ સ્થિતિમાં ઈન્સપેકટરને નહી બદલવા પેટે રીટેન્ડર પણ થાય છે જેની તમામ જવાબદારી વહિવટદારની હોય છે.
બહુ હોબાળો થાય અને વહિવટદારની કે કંપનીમાં બદલી થાય તેવા સંજોગોમાં પણ કે કંપનીમાં ફરજ બજાવતા વહિવટદાર પોતાનો વહિવટ યથાવત રાખે છે. આ આખી પ્રક્રિયા સાથે સામાન્ય નાગરિકને કોઈ ફેર પડતો નથી કારણ રીકવરી અને પ્રોફીટ માટેનું ટાર્ગેટ બે નંબરના ધંધાર્થીઓ જ હોય છે, પોલીસમાં એક જુની કહેવત છે હશે તેનું જશે, કાયદેસરની તપાસ થશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












