નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ જિલ્લામાં ડીજે મ્યુઝિક સિસ્ટમ પર ગીતો વગાડવા મુદ્દે દલિત કન્યાના સરઘસ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના દેત્રોજ તાલુકાના ડાંગરવા ગામમાં પુત્રીના લગ્નની ઉજવણીમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું તે દરમિયાન કેટલાક વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. સમગ્ર બાબતે પોલીસે ગુરુવારે 6 સામે ગુનો નોંધ્યો છે.
અમદાવાદના દેત્રોજના ચુંવાળ ગામમાં દલિત કન્યાના લગ્ન પ્રસંગે ડીજે વગાડવા બાબતે માથાકૂટ થઈ હતી. આરોપ છે કે અસમાજિક તત્વો દ્વારા ડીજે વગાડવાનું બંધ કરાવવા અને જાન રોકવા બાબતે બોલાચાલી કરી હતી. જ્યારે સરઘસ ગામમાં એક જગ્યાએ પહોંચ્યું ત્યારે ઠાકોર સમુદાયના કેટલાક યુવાનોએ ડીજે ઓપરેટરને તે વિસ્તારમાં ગીતો ન વગાડવાનું કહ્યું. જ્યારે તેણે ના પાડી ત્યારે છ શખ્સોએ સરઘસના સભ્યો પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં કન્યાના પિતા સહિત જાનમાં આવેલા કેટલાક વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા.
દલિત કન્યાના લગ્ન પ્રસંગમાં હુમલો થયાની જાણ થતાં દેત્રોજ પોલીસ સ્ટેશન સહિતનો કાફલો ઘટના પર આવી પહોંચ્યો હતો. સમગ્ર બાબતે પોલીસ 6 વ્યક્તિ સામે આઈપીસી કલમ 323, 146 અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.








