પ્રશાંત દયાળ (નાદાન.ભાગ-65): Nadaan Series : સવારથી જેલમાં રોજ કરતાં થોડી વધારે દોડધામ હતી. જેલનો સ્ટાફ અહીંથી ત્યાં દોડી રહ્યો હતો. જેલમાં રોજ કરતાં વધારે સફાઈ થઈ રહી હતી. જેલનો ઝડતી સ્કવૉડ એક એક બેરેકની તપાસ કરી રહ્યો હતો. ગોપાલને થોડું અજુગતું લાગ્યું. તેણે વિરાંગેને પૂછ્યું, “આજે જેલમાં શું છે?”
વિરાંગે કહ્યું, “નવા એસ.પી. સાહેબ આવ્યા છે.”
પછી કંઈક યાદ કરીને કહ્યું, “વિનય દવે નામ છે. તે ડાયરેક્ટ આઈ.પી.એસ. અધિકારી છે. ગુજરાતની તમામ જેલો જેલ વિભાગના હસ્તક હોય છે. પરંતુ જેલ અધિકારીઓ ઉપર એક આઈ.પી.એસ. અધિકારીને મુકવામાં આવે છે. જેલમાં આવતા આઈ.પી.એસ. અધિકારી પણ જેલમાં થયેલા પોસ્ટિંગને સજા માનતા હોય છે. એટલે મોટા ભાગે જેલ એસ.પી. તરીકે આવતા આઈ.પી.એસ. અધિકારી પોતાની વગ વાપરીને શક્ય એટલી વહેલી બદલી કરાવીને જતા રહે છે.”
ગોપાલને તો હમણાં સુધી યાદ જ નહોતું કે, જેલ એસ.પી. કોણ છે? ગોપાલને પહેલી વખત ખબર પડી કે, જેલમાં જેલરની ઉપર એસ.પી. પણ હોય છે. આજે એસ.પી. સાહેબ રાઉન્ડ લેવાના હતા. એની તૈયારીઓ ચાલી રહી હતી. તમામ ઓફિસોને સૂચના મળી ગઈ હતી કે, ઑફિસમાં કામ કરતા કેદીઓએ પોતાની બેરેકમાં જ રહેવું. એસ.પી. રાઉન્ડ પૂરો કરે, પછી જ ઑફિસમાં આવવું. લગભગ દસ વાગ્યા હશે. ઑફિસ બેરેક તરફ એક સિપાહી દોડતો આવ્યો. તેણે બૂમ મારીને કેદીઓને કહ્યું, “લાઈનમાં ઊભા રહો.”
બધા કેદીઓ પોતાના કાર્ડ લઈને લાઈનમાં ઊભા રહી ગયા. પંદરેક મિનિટ પછી એસ.પી. દવે સાહેબ પોતાના કાફલા સાથે ઑફિસ બેરેકના યાર્ડમાં આવ્યા. તેમની સાથે સિનિયર જેલર સહિત બધા જ અધિકારીઓ હતા. એસ.પી. સાહેબે લાઈનમાં ઊભા રહેલા કેદીઓને ઉપરથી નીચે સુધી જોયા. બધા જ કેદીઓ જેલનાં સફેદ કપડાંમાં હતા. દરેકનાં માથા પર ટોપી હતી.
ગોપાલ અને વિરાંગ સાથે જ ઊભા હતા. એસ.પી. સાહેબ એક પછી એક કેદીનું નિરીક્ષણ કરી રહ્યા હતા. કેદીએ આગળ ધરી રાખેલા કાર્ડ ઉપર તેમનું નામ અને કયા ગુનામાં છે, તેની આઈ.પી.સી. કલમ વાંચી રહ્યા હતા. મોટા ભાગના કેદી ખૂન, ખૂનનો પ્રયાસ, અપહરણ જેવા ગુનામાં જ હતા.
ગોપાલનો નંબર આવ્યો ત્યારે તેમણે આઈ.પી.સી. વાંચી અને કંઈક વિચાર કરવા લાગ્યા. બાજુમાં ઊભા રહેલા સિનિયર જેલરે તેમના કાન પાસે મોઢું લાવીને કહ્યું, “સર, આ ફેક કરન્સીમાં છે.”
ફેક કરન્સી શબ્દ સાંભળતાં એસ.પી. દવેના ચહેરા પર સ્મિત આવી ગયું. તેમણે ગોપાલ સામે જોયું અને પૂછ્યું, “તો તો ભાઈ, ઘણો માલ કમાયો હોઈશ!”
ગોપાલને આ પ્રશ્ન ગમ્યો નહીં, પણ એસ.પી.નો પ્રશ્ન સાંભળીને પોલીસવાળા સહિત બધા કેદીઓ પણ હસવા લાગ્યા. ગોપાલને ગુસ્સો આવ્યો. તેણે ગુસ્સો વ્યક્ત કરતાં ધીમા અવાજે કહ્યું, “સાહેબ કમાવું તો હતું, પણ તે પહેલાં જ પકડાઈ ગયો.”
ગોપાલની વાત સાંભળીને કેદીઓ અને જેલ સ્ટાફને આઘાત લાગ્યો. કારણ, આ રીતે આજ સુધી કોઈએ એસ.પી.ને જવાબ આપ્યો નહોતો. ગોપાલનો જવાબ સાંભળી સિનિયર જેલર એકદમ ગુસ્સે થઈ ગયા. તેમણે બરાડીને કહ્યું, “ચૂપ રહે. સાહેબને સામે જવાબ આપે છે? ખટલો કરી દઈશ તારો.”
વાતાવરણ એકદમ સ્તબ્ધ થઈ ગયું. પણ એસ.પી.એ ગુસ્સે થયેલા જેલરને રોકતાં કહ્યું, “રહેવા દો.”
તેમણે ગોપાલની આંખમાં જોયું અને પૂછ્યું, “કેટલું ભણ્યો છે?”
ગોપાલ ડરી ગયો. તેણે પહેલાં તો સાથે રહેલા જેલ અધિકારીઓ સામે જોયું. પછી કહ્યું, “સાહેબ, એસ.એસ.સી.”
એસ.પી. કંઈક વિચાર કરવા લાગ્યા. તેમણે બધા કેદીઓ સામે જોયું. ગોપાલના જવાબ પછી એસ.પી.ના ચહેરાનો ભાવ બદલાયો નહીં. તે ગુસ્સે પણ થયા નહીં. વિરાંગને લાગ્યું કે, ગોપાલે ભૂલ કરી દીધી છે.
એસ.પી. વિનય દવેએ કહ્યું, “જુઓ, મારું પોસ્ટિંગ અહીં થયું એ જ વખતે મેં સરકારને વિનંતી કરી છે કે, મને ઓછામાં ઓછા ત્રણ વર્ષ જેલમાં જ રહેવા દેજો. એટલે પહેલી વાત તો એ કે, હું અહીંયાથી ભાગી જવાના ઇરાદે આવ્યો નથી. બીજી વાત, હું જેલ એસ.પી. છું. જલ્લાદ નહીં. મારું કામ તમને પરેશાન કરવાનું નથી. તમે જે ભૂલ કરી છે, તેની સજા તમને કોર્ટે આપી દીધી છે. એટલે મારું કામ તમને સજા કરવાનું નહીં; પણ તમારાં જીવનમાં કેવી રીતે સુધારો થાય, એ જોવાનું અને તમને મદદ કરવાનું છે. મારી ઇચ્છા છે કે…”
આટલું બોલીને તેમણે ગોપાલ સામે જોયું. પછી વાત આગળ વધારતાં કહ્યું, “તમે જેલમાં છો ત્યાં સુધી ખૂબ ભણો. જેલને સજા માનવાને બદલે, ઈશ્વરે તમારાં જીવનમાં કંઈક સારું કરવાં તમને અહીં મોકલ્યા છે તેવું માનજો.”
સિનિયર જેલર સહિત તમામ અધિકારી એકબીજા સામે જોવા લાગ્યા. કારણ કે તેમણે પણ આ પ્રકારના એસ.પી. અત્યાર સુધી જોયા નહોતા. જેલનો સ્ટાફ તો માનતો હતો કે, કેદીઓને તો ત્રાસ જ આપવો જોઈએ. એટલે જેલસ્ટાફમાં સિપાહી હોય કે જેલર, બધા ‘હમ અંગ્રેજ કે જમાને કે જેલર’ જેવા રોલમાં રહેતા હતા.
એવામાં આ એસ.પી. કેદીઓનાં જીવનમાં સારું કરવા આવ્યો છું. તેવી વાત કરી રહ્યા હતા. એ વાત જેલ સ્ટાફને ખાસ પસંદ આવી નહીં. એસ.પી. વિનય દવેએ સિનિયર જેલર સામે જોયું. પછી કેદીઓ સામે જોતાં કહ્યું, “મેં જેલર પાસેથી વિગતો મેળવી છે. જેલમાં ઘણાબધા અભ્યાસક્રમ ચાલે છે. આંબેડકર યુનિવર્સિટી સહિત ઘણા કોર્સ ચાલે છે. હવે આપણે એક નવો કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ.”
આટલું કહીને તેઓ એક ક્ષણ અટક્યા ને પછી કેદીઓ સામે જોઈને પૂછ્યું, “તમે ન્યૂઝપેપર વાંચો છો?”
મોટા ભાગના કેદીએ હા પાડી. તરત એસ.પી.એ બીજો પ્રશ્ન કર્યો, “તમે ન્યૂઝચેનલ જુઓ છો?”
કેટલાક કેદીએ હા પાડી. પછી સ્મિત સાથે તેમણે પૂછ્યું, “બોલો, કોને કોને પત્રકાર થવું છે?”
બધા કેદી એકબીજા સામે જોવા લાગ્યા. કારણ કે તેમને એસ.પી.નો આ પ્રશ્ન કયા સંદર્ભમાં છે, તેની ખબર પડી નહીં. એસ.પી. પણ કેદીઓની દ્વિધા સમજી ગયા. તેમણે કહ્યું, “ગુજરાત યુનિવર્સિટી જેલમાં પત્રકારત્વનો અભ્યાસક્રમ શરૂ કરવાની છે. ગુજરાતના જાણીતા પત્રકારો તમને ભણાવવા આવશે. બોલો, કોને પત્રકારત્વનો અભ્યાસ કરવો છે?”
વિરાંગ અને ગોપાલે એકબીજા સામે જોયું. તેમની આંખોમાં ચમક હતી. એક સાથે ગોપાલ અને વિરાંગે હાથ ઊંચો કર્યો. એસ.પી. દવે સાહેબને ગોપાલ અને વિરાંગનો હાથ ઉપર થયેલો જોઈને સારું લાગ્યું. તેમણે કહ્યું, “2 ઓક્ટોબરના રોજ ઓપનએર થિએટરમાં એક કાર્યક્રમ છે. તે જ દિવસથી આ અભ્યાસક્રમ શરૂ થશે. તમે જોડાઈ શકો છો.”
અભ્યાસક્રમની વાત કરીને એસ.પી.એ પૂછ્યું, “તમારામાંથી કોઈની કાંઈ અરજ છે?”
ગોપાલે ખબર પડી નહીં. તેણે વિરાંગ સામે જોયું. વિરાંગે ધીમા અવાજે કહ્યું, “તારે કોઈ ફરિયાદ કે માગણી હોય તો કહે.”
ગોપાલે માથું હલાવી ના પાડી. જેલના નિયમ પ્રમાણે અઠવાડિયામાં એક વખત, એસ.પી.એ દરેક યાર્ડમાં રાઉન્ડ લેવો ફરજિયાત છે. જેમાં કેદી પોતાના પ્રશ્ન અને માગણી જેલ અધિકારીને કહી શકે છે; પણ હમણાં સુધી તો કોઈ અધિકારી રાઉન્ડમાં આવતા જ નહોતા. એસ.પી.એ કોઈને અરજ છે? એવું પૂછતાં, બે ત્રણ કેદીએ હાથ ઊંચા કર્યા. એસ.પી. તેમની પાસે ગયા અને તેમની અરજ સાંભળી. પછી સાથે રહેલા જેલરને જરૂરી સૂચના આપીને ત્યાંથી રવાના થયા.
(ક્રમશઃ)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








