નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. જો કે અપહરણ પૈસા કે અન્ય કોઈ માગણી માટે નહીં પણ અન્ય ધર્મની યુવતી સાથે ફિલ્મ જોવા ગયો હોવાના કારણે અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણની જાણ પોલીસને થતાં અલગ અલગ ટીમો બનાવી યુવકને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવવા કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં જ ચારે અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા હતા.
માહિતી અનુસાર, દહેગામમાં રહેતો અને ઘીકાંટામાં કાપડની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો મહેશ ચૌહાણ નામનો યુવક સોશિયલ મીડિયા મારફતે 5 વર્ષ અગાઉ સીમાબાનુ નામની યુવતી સાથે પરિચયમાં આવતા બંને વચ્ચે મિત્રતા થઈ હતી. ગત 25 મેના રોજ સીમાબાનુ તેના મામાના બે દીકરા અને મિત્ર મહેશ સાથે વાસણામાં આવેલા એક મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા માટે ગયા હતા. ફિલ્મ જોઈને જ્યારે બહાર નીકળી રહ્યા હતા તે દરમિયાન ચાર જેટલા અજાણ્યા લોકો તેમની પાસે આવ્યા હતા અને મહેશને પૂછવા લાગ્યા તારે આ છોકરી સાથે શું સંબંધ છે? ત્યાર બાદ યુવકને ટૂ વ્હિલર પર બેસાડી અપહરણ કરી વેરાન સ્થળ પર લઈ જઈને માર માર્યો હતો. ઉપરાંત યુવકનો મોબાઈલ ફોન પણ પડાવી લીધો હતો અને ધમકી આપી નારોલ સર્કલ પાસે ઉતારીને ભાગ્યા હતા.
સમગ્ર ઘટનાની જાણ સીમાબાનુએ મહેશના અન્ય મિત્રોને કરતાં અપહરણ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે થિયેટરનાં CCTVને આધારે આરોપીઓ આસીફ સંધી, મુઝબીન શેખ, અનસ અજમેરી અને ઈમરાન લંઘા ધરપકડ કરી હતી. પોલીસ તપાસમ સામે આવ્યું છે કે, અપહરણ કરનાર આરોપીઓને મહેશ કે સીમાબાનુ સાથે કોઈ અંગત અદાવત ન હતી. અપહરણ કરવાનો પણ અગાઉથી કોઈ પ્લાન પણ ન હતો. આરોપીઓ ફિલ્મ જોવા ગયા હતા ત્યારે યુવક અને યુવતી અલગ અલગ ધર્મના લાગતા હોવાના કારણે યુવકનું અપહરણ કરી લીધું હતું. ત્યાર બાદ યુવકને માર મારી મોબાઈલ પડાવીને ફરીવાર સાથે ન દેખાવાની ધમકી આપીને નારોલ વિસ્તારમાં મુક્ત કરી દીધો હતો.
![]() |
![]() |
![]() |











