Wednesday, April 22, 2026
HomeGujaratગાંધીએ ક્યારે કહ્યુ હતુ કે સાવરકર બહાદુર ચાલાક અને દેશભક્ત છે

ગાંધીએ ક્યારે કહ્યુ હતુ કે સાવરકર બહાદુર ચાલાક અને દેશભક્ત છે

- Advertisement -

કિરણ કાપુરે, નવજીવન: ઇતિહાસના તથ્યો વિશે વિરુદ્ધ રજૂઆત થયા બાદ તેની સ્પષ્ટતાઓ કરતાં સત્ય પારખવું વધુ મુશ્કેલ થઈ જાય છે. સાવરકરે ગાંધીજીના કહેવા પર માફી માંગી હતી કે નહીં તે વિશે એમ જ થયું. આ અંગેનું સત્ય ગાંધીજીએ સમયાંતરે સાવરક વિશે પ્રગટ કરેલાં મતથી જાણી શકાય છે. ગાંધીજીએ ક્યારે શું કહ્યું, લખ્યું છે તેનું દસ્તાવેજીકરણ ‘ગાંધીજીનો અક્ષરદેહ’માં થયું છે. તેમાં ગાંધીજીના લખાણ-વક્તવ્ય તારીખવાર મૂકાયાં છે. આ ગ્રંથોમાં ગાંધીજી સાવરકરનો માફકસરનો ઉલ્લેખ વાંચવા મળે છે.



यंग इन्डिया (25-05-1920)માં પ્રથમવાર તેમણે ‘સાવરકરભાઈઓ’ એ મથાળા હેઠળ એક લેખ લખ્યો છે. આ લેખમાં સાવરકરબંધુ (વિનાયક સાવરકર અને ગણેશ સાવરકર)ને જેલમાંથી છોડવામાં નથી આવ્યા તે વિશે સરકારને ફરિયાદના સૂરમાં લખી રહ્યા છે. તેઓ આ લખતાં અંગ્રેજોનો જ ઢંઢેરાને ટાંકીને લખે છે : “કેટલાંક જાણીતા ‘રાજદ્વારી ગુનેગારો’ને હજી છોડવામાં આવ્યા નથી. આવા ગુનેગારોમાં હું સાવરકર ભાઈઓની ગણતરી કરું છું. ઉદાહરણ તરીકે, તેઓ પંજાબની સરકારે છોડેલા લોકોના જેવા જ રાજદ્વારી ગુનેગારો છે. અને ઢંઢેરો પ્રસિદ્ધ થયે આજે પાંચ માસ વીતી ગયા હોવા છતાં હજી એ બે ભાઈઓને એમની સ્વતંત્રતા પાછી મળી નથી.”

- Advertisement -

આ બંનેનાં જીવન-કાર્યની ઓળખ આપીને ગાંધીજી લખે છે : “આ બંને ભાઈઓએ પોતાના રાજદ્વારી વિચારો જાહેર કરી દીધા છે. અને બંનેએ કહ્યું છે કે અમે કોઈ પણ પ્રકારના ક્રાંતિકારી વિચારો ધરાવતા નથી. અને જો અમને છોડી મૂકવામાં આવશે તો અમે રિફોર્મ્સ એક્ટ નીચે કામ કરવાનું પસંદ કરીશું. …એ બંને સ્પષ્ટ ભાષામાં જણાવે છે કે હિંદુસ્તાન બ્રિટિશ સંબંધ છોડી દે એમ પોતે ઇચ્છતા નથી. ઊલટું તેમને એમ લાગે છે કે બ્રિટિશ લોકો સાથેની મિત્રાચારી દ્વારા જ હિંદુસ્તાનનું ભાવિ સૌથી સારી રીતે ખીલવી શકાય એમ છે. …નામદાર વાઇસરૉયને જે આદેશ આપ્યો છે તેમાં લખ્યું છે કે તેઓ રાજદ્વારી ગુનેગારોને, જાહેર સલામતી સાથે સુસંગત રહીને સંપૂર્ણ માફી બક્ષે. એટલે મારો અભિપ્રાય એવો છે કે આ બે ભાઈઓનો છુટકારો રાજ્યને માટે ખતરનાક સાબિત થઈ શકે એવો ચોખ્ખો પુરાવો જો મળતો ન હોય તો વાઈસરોય એમને છોડી મૂકવા બંધાયેલા છે.” ગાંધીજીના સાવરકર વિશેના લખાણોમાં આ પહેલુંવહેલું છે, જેમાં તેઓ સાવરકરની જેલમુક્તિ માટે અંગ્રેજોને તેમની જાહેરાત સામે ધરી રહ્યા છે.

આ પછીનું ગાંધીજીનું સાવરકર વિશેનું લખાણ यंग इन्डियाમાં 18-05-1921ના રોજનું છે. આ લેખમાં ગાંધીજી શરૂઆતમાં લોકો સાવરકર બંધુઓ વિશે કેમ લખતાં નથી? તેવી ફરિયાદનો ઉલ્લેખ કરે છે. (જોકે અગાઉ તે માપસરનું લખી ચૂક્યા છે.) આ વખતે પણ સાવરકર અને તેમના ભાઈ કારાવાસ ભોગવી રહ્યા છે. અહીં આગળ ગાંધીજી સાવરકર વિશે લખે છે : “સાવરકર ભાઈઓની શક્તિઓનો પણ જાહેર હિતને ખાતર ઉપયોગ થવો જોઈતો હતો એમ માનું છું. અત્યારે તો હિંદુસ્તાન વેળાસર પોતાની બગડી ન સુધારી લે ત્યાં સુધી તેણે બે એકનિષ્ઠ પુત્રો ખોયા સરખું જ છે. એ બે ભાઈઓમાંના એકને હું સારી રીતે ઓળખું છું. લંડનમાં હું એના સમાગમાં આવેલો. એ બહાદુર માણસ છે; ચાલાક છે; દેશભક્ત છે. એ કાળે એના વિચારો ખુલ્લંખુલ્લા ક્રાંતિવાદી હતા. ચાલુ રાજ્યતંત્રમાં ભરેલી શેતાનિયત તેની દૃષ્ટિને મારા કરતાં ઘણી વહેલી દેખાણી. હિંદુસ્તાન ઉપર અત્યંત પ્રેમ બતાવ્યાને માટે તે અત્યારે આંદામાનનાં કાળાં પાણી ભોગવી રહેલ છે. કોઈ સરળ સરકાર હોત તો તેની હેઠળ એ ભાઈ આજે એકાદ મોટો હોદ્દો ભોગવતા હોત. આવી સ્થિતિ વચ્ચે તેને માટે અને તેમના ભાઈને માટે મને લાવી આવે એ ખુલ્લું છે. જો આજે અસહકાર ન માંડ્યો હોત તો તો હોર્નિમેનને પાછા આવવા દેવાની કે સાવરકર બંધુઓને મુક્ત કરવાની છૂટો આપીને પ્રજાને પટાવવાનો સરકારે કેહડાવાનોયે પ્રયત્ન કર્યો હોત.”



ગાંધીજી સાવરકર બંધુ સહિત બ્રિટિશ પત્રકાર હોર્નિમેનની પણ તરફેણ કરી રહ્યાં છે. સાવરકરને ગાંધીજી અહીં ‘બહાદુર’,‘ચાલાક’,‘દેશભક્ત’ અને ‘ક્રાંતિવાદી’કહ્યાં છે. સાવરકરનો પૂર્વાર્ધ એવો રહ્યો છે કે તેમના વિશેનો આ મત માત્ર ગાંધીજીનો નહોતો, અનેકોનો હતો. હજુ સાવરકરના વિચારોમાં હિંદુસ્તાન પ્રત્યેના પ્રેમની જ લાગણી હતી, તેમાં અન્ય કોમો પ્રત્યે કટ્ટર વિચારો જાહેર થયાં નહોતાં. આ પછીના એક લખાણ(यगं इन्डिया, 28-07-1921)માં ગાંધીજી સાવરકર બંધુઓની ફરી તરફેણ કરી રહ્યા છે.

- Advertisement -

જોકે તે પછીના ગાંધીજીના લખાણોમાં લાંબા ગાળા સુધી સાવરકરનો ઉલ્લેખ નથી. ગાંધીજી પોતે પણ અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાતાં જાય છે. તે પછીનો ઉલ્લેખ છેક સપ્ટેમ્બર, 1924માં આવે છે. આ લખાણમાં ગાંધીજી પોતાની અને અન્ય સાથીઓને સજાની મુદત પહેલાં છોડી મૂકવામાં આવ્યા તે અંગેની શરતોની રજૂઆત કરતાં સાવરકર વિશે લખે છે : “સજા માફ થાય ત્યારે પણ એની સાથે શરતો જોડાયેલી હોઈ શકે છે. એ રીતે શ્રી સાવરકરની સજા અમુક શરતોએ માફ કરવામાં આવી છે.”

ગાંધીજીના સ્મૃતિમાંથી સાવરકર અલોપ થયા છે, પણ જ્યારે જરૂર જણાઈ હોય ત્યારે તેમનો નામોલ્લેખ ગાંધીજીના લખાણમાં આવે છે. ગાંધીજીએ 1926માં અમદાવાદના સત્યાગ્રહ આશ્રમમાં નવ માસ સુધી સવારના પ્રવચનોમાં ગીતાનું વિશેનું શિક્ષણ આપ્યું હતું. આ ગીતાશિક્ષણમાં એક સ્થાને ગાંધીજી સાવરકરનો નામોલ્લેખ કરે છે. પ્રવચનોમાં ગાંધીજીએ જે કહ્યું છે તે આ પ્રમાણે છે : “હું લંડનમાં ઘણાં ક્રાંતિવાદીઓ સાથે વાતો કરતો. શ્યામજી કૃષ્ણવર્મા અને સાવરકરાદિ મને કહેતા કે તમે કહો છે તેથી ગીતા અને રામાણયનો ઉપદેશ વિરુદ્ધ જ છે. તે વખતે મને થતું કે વ્યાસમુનિએ બ્રહ્મજ્ઞાન આપવા માટે આવું યુદ્ધનું દૃષ્ટાંત ન યોજ્યું હોત તો કેવું સારું થાત! કારણ જ્યાં સારા સારા વિદ્વાન અને ઊંડા ઊતરેલા માણસો પણ ભગવદ્ગીતામાંથી આવો અર્થ કાઢે તો સામાન્ય માણસને શું કહીએ?” ગાંધીજી અહીં પણ ક્રાંતિકારી તરીકે શ્યામજી કૃષ્ણવર્મા અને સાવરકરનું નામ આપ્યું છે. પછી ગાંધી તેઓને ‘સારા વિદ્વાન અને ઊંડા ઊતરેલા માણસો’ પણ ગણાવે છે. જોકે ગીતા વિશેના મત અંગે તેઓ ગાંધીજીથી સહમત નથી તેનો પણ ઉલ્લેખ અહીં આવે છે.



એ પછી नवजीवनમાં 13-03-1927ના અંકમાં ગાંધીજી સાવરકરને તેમના ઘરે મુલાકાતે ગયા તેનો અહેવાલ પ્રકાશિત થયો છે. ‘વિનાયક દામોદર સાવરકર સાથે વાર્તાલાપ’ના મથાળેથી પ્રકાશિત અહેવાલ આ પ્રમાણે છે : “સભામાં જતાં પહેલાં ગાંધીજી અંદમાન તપશ્ચર્યા કરી આવેલા ભાઈ સાવરકરને ઘેર જઈ આવ્યા હતા. પાંચદશ મિનિટમાં બહુ વાત થાય એમ નહોતું. અસ્પૃશ્યતા અને શુદ્ધિ વિશેના ગાંધીજીના વિચારોનું છાપામાં આવતું વિપરીત સ્વરૂપ ફેડવાની અહીં તેમને તક મળી. પણ વધારે ચર્ચાને માટે તેમણે ભાઈ સાવરકરને પત્રવ્યવહાર કરવા વિનંતી કરી : સત્યના ચાહનારા તરીકે, સત્યને માટે મરણ પર્યંત લડનાર તરીકે મારે માટે મને કેટલો આદર છે તે તમે જાણો છો. આખરે આપણું બંનેનું ધ્યેય તો એક જ છે. એટલે તમે જે જે બાબતમાં મારી સાથે ચર્ચા કરવા માગો છો તે બાબતમાં ખૂબ પત્રવ્યવહાર ચલાવો, અને તમે ઇચ્છો તો ખાદી, શુદ્ધિ વગેરે બાબત તમારી સાથે ચોખવટ કરી લેવા હું મારા રોકાઈ ગયેલા સમયમાંથી પણ તમારે માટે બેત્રણ દહાડા કાઢી રત્નાગિરી તમારી સાથે રહેવાને તૈયાર છું.”

આ સૌજન્ય મુલાકાતમાં પણ ગાંધીજી પોતાની હંમેશના વલણ મુજબ સાવરકર સાથે સંવાદ માટે તૈયાર છે અને બંને વચ્ચેના જે મુદ્દા છે તે માટે ચોખવટ કરી લેવાનું જણાવે છે. 20 જુલાઈ, 1937ના રોજ ગાંધીજી શંકરરાવ દેવને પત્રમાં સાવરકર વિશેની વાત આવે છે. અહીં તેઓ શંકરરાવને લખે છે : “સાવરકરની બાબતમાં અરજી ઉપર સહી કરવાની મેં જરૂર ના પાડી હતી કારણ, મારી પાસે જેઓ આવ્યા હતા તેમને મેં કહ્યું હતું તેમ, એ બિનજરૂરી હતું. કારણ નવો કાયદો અમલમાં આવ્યા પછી ગમે તે પ્રધાન હોય તોયે તેમનો છુટકારો થવાનો જ હતો. અને બન્યું પણ એવું જ. કંઈ નહીં તોયે સાવરકર ભાઈઓ તો જાણે છે કે અમારી વચ્ચે ગમે તેવા પાયાના મતભેદો હોય તેમ છતાં તેમનો બંદીવાસ હું સ્વસ્થ્ય ચિત્તે કદી સહી ન શકું. કદાચ, ડૉ. સાવરકર એ વાતની સાક્ષી પરશે કે તેમની મુક્તિ માટે મારી રીતે મેં મારાથી જે કંઈ થઈ શકે તે કર્યું હતું.” આમ ગાંધીજી 1937 સુધી જે સાવરકર વિશે મત દર્શાવ્યો છે તેમાં માત્ર વિચારોના મતભેદ પર જ ભાર જ રહ્યો છે. ગાંધીજીના લખાણમાં સાવરકરનો છેલ્લી નોંધ बोम्बे क्रोनिकलમાં તેમણે જે છાપાજોગું નિવેદન આપ્યું છે તેમાં છે. આ નિવેદન 1945નું છે, જેમાં ગાંધીજી લખે છે કે, “શું હિંદુ મહાસભાના વીર સાવરકર, ડો. શ્યામાપ્રસાદ મુખરજી કે ડો. મુંજે સવર્ણ હિંદુઓનું પ્રતિનિધિત્વ કરે છે?”



સાવરકર વિશેના ગાંધીજીની આ નોંધ તેમના વચ્ચેના સંબંધને અને વિચારોને સ્પષ્ટ કરે છે.

- Advertisement -

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular