Wednesday, April 22, 2026
HomeGujaratજૂનાગઢમાં મધરાતે પતિનો ખૂની હુમલો: પત્નીને 8 ઘા, બચાવવા ગયેલા માતા-પિતા પણ...

જૂનાગઢમાં મધરાતે પતિનો ખૂની હુમલો: પત્નીને 8 ઘા, બચાવવા ગયેલા માતા-પિતા પણ લોહીલુહાણ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામમાં મધરાતે થયેલી એક અરેરાટીભરી ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. નશાની હાલતમાં આવેલા પતિએ પોતાની પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો અને તેને બચાવવા વચ્ચે પડેલા સાસુ-સસરા પર પણ છરીના ઘા ઝીંકી દીધા હતા.

માહિતી મુજબ, છેલ્લા ચાર મહિનાથી પોતાના પિયરમાં રહેતી 27 વર્ષીય જયશ્રીબેન નીતિનભાઈ પરમાર પર તેમના પતિ નીતિન ધનજી પરમારે હુમલો કર્યો હતો. છૂટાછેડા અંગે ચાલતા વિવાદ અને પત્ની સાથે ન આવતી હોવાના મનદુખને કારણે આરોપી મધરાતે દિવાલ કૂદીને ઘરમાં ઘૂસી આવ્યો હતો.

- Advertisement -

19 એપ્રિલની રાત્રે અંદાજે 2 વાગ્યે પરિવાર ઊંઘમાં હતો ત્યારે કબાટ પાસે અવાજ થતાં જયશ્રીબેન જાગી ગયા હતા. ત્યારે આરોપીએ “આજે તો તને પતાવી જ દેવી છે” કહી છરી વડે હુમલો શરૂ કર્યો હતો. આ હુમલામાં જયશ્રીબેનને પેટ સહિત શરીરના વિવિધ ભાગોમાં 7થી 8 જેટલા ઘા વાગ્યા હતા, જેના કારણે તેમની હાલત ગંભીર છે.

પુત્રીની ચીસો સાંભળીને ઓસરીમાં સૂતેલા માતા-પિતા તરત જ અંદર દોડી આવ્યા હતા. દીકરીને બચાવવા જતા પિતા જીવણભાઈને આરોપીએ ડાબી સાથળમાં છરીના બે ઘા ઝીંકી દીધા હતા. આટલેથી ન અટકતા સાસુ શારદાબેન પર પણ હુમલો કરીને તેમને ઇજા પહોંચાડી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી દિવાલ કૂદીને ભાગી છૂટ્યો હતો.

ઘાયલોને તાત્કાલિક 108 મારફતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ત્રણેય સારવાર હેઠળ છે. જયશ્રીબેને આક્ષેપ કર્યો છે કે આરોપી હુમલા બાદ કબાટમાંથી આશરે 30,000 રૂપિયાની રોકડ રકમ લઈને ફરાર થયો હતો.

- Advertisement -

જયશ્રીબેનના જણાવ્યા મુજબ, તેમના લગ્નજીવનમાં છેલ્લા એક વર્ષથી વિવાદો ચાલી રહ્યા હતા. પતિની દારૂ અને ડ્રગ્સ જેવી નશાની આદતો તેમજ સતત મારકૂટને કારણે તેઓ પિયરમાં રહેવા મજબૂર બન્યા હતા. આર્થિક તંગી અને દેવાના કારણે પણ પતિ વારંવાર ઝઘડા કરતો હતો.

ઘટનાના દિવસે પણ આરોપી નશાની હાલતમાં બાળકોને સાથે લઈ જવાની જીદ કરતો હતો. જયશ્રીબેને ના પાડતા તેણે લાકડી વડે માર માર્યો હતો. આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી, જેના કારણે ઉશ્કેરાઈને આરોપીએ રાત્રે આ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

હુમલા બાદ ભાગતી વખતે આરોપીને પણ ઈજા થઈ હતી અને હાલ તે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જણાવાયું છે. પીડિત પરિવારે આક્ષેપ કર્યો છે કે આરોપી ધરપકડથી બચવા માટે હોસ્પિટલમાં દાખલ થયો છે અને પોલીસ દ્વારા તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

- Advertisement -

વંથલી પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને આરોપી નીતિન પરમાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ વિવિધ કલમોમાં ગુનો નોંધ્યો છે. જેમાં હત્યાનો પ્રયાસ, ખતરનાક હથિયારથી ઇજા પહોંચાડવી, ગેરકાયદેસર ઘરમાં પ્રવેશ, ગુનાહિત ધમકી તેમજ જાહેરનામાના ભંગ જેવી કલમોનો સમાવેશ થાય છે.

આ ઘટના સમગ્ર વિસ્તારમાં ભય અને આક્રોશનું વાતાવરણ ઊભું કરી રહી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular