Thursday, June 4, 2026
HomeGeneralવિનોદ ભટ્ટની ગેરહાજરી અહીં ન વર્તાઈ કારણ દરેકના ચહેરા પર ખડખડાટ હાસ્ય...

વિનોદ ભટ્ટની ગેરહાજરી અહીં ન વર્તાઈ કારણ દરેકના ચહેરા પર ખડખડાટ હાસ્ય હતું…

- Advertisement -

કિરણ કાપુરે (નવજીવન ન્યૂઝ અમદાવાદ) : 23 મેના રોજ જાણીતાં હાસ્યલેખક વિનોદ ભટ્ટની પુણ્યતિથિ આવે છે અને આ પ્રસંગે નવજીવનના આંગણે વિનોદ ભટ્ટની યાદોને સાંભરવાનો એક સમારંભ યોજાયો. આયોજક હતા ‘નવજીવન ટ્રસ્ટ’ અને ‘ઝેડકેડ ફાઉન્ડેશન’. કાર્યક્રમમાં વિનોદ ભટ્ટને યાદો વાગોળવાની હતી, પણ તે તેમની વિદાય લીધી છે તેમ નહીં; બલકે તેમનું જીવન હસતાં હસાવતાં વિત્યું તે રીતે. અહીં ખાસ ઉપસ્થિતિ વિનોદ ભટ્ટના પુત્ર સ્નેહલ ભટ્ટ, પૂર્વ સનદી અધિકારી ભાગ્યેશ જ્હા, નવગુજરાત સમયના તંત્રી અજય ઉમટ, હાસ્ય કટારલેખક અશોક દવે અને હાસ્યલેખક રતિલાલ બોરીસાગરની રહી. ટૂંકા ગાળામાં આયોજિત થયેલાં આ કાર્યક્રમમાં લોકોની હાજરીથી વિનોદ ભટ્ટના ચાહકોની કેટલી મોટી સંખ્યા હશે એનો અંદાજ લગાવી શકાય.



કાર્યક્રમનું સંચાલન રામ મોરીએ કર્યું અને તેમણે આરંભે જ કહ્યું કે આજની સભા ‘વિનોદસભા’ રહેશે. વિનોદસભામાં હાસ્યની છોળો પ્રથમ વક્તા ભાગ્યેશ જ્હા આવ્યા ત્યારથી જ ઉડવા માંડી. તેમણે વિનોદ ભટ્ટના સંસ્મરણો વાગોળ્યા. વિનોદભાઈના પાત્રાલેખન વિશે તેમણે વાત કરી અને જે ચરિત્રો તેમના હાથે લખાયા છે તેની વિશેષતા દર્શાવી આપી. આ ચરિત્રોમાં નર્મદ છે, કનૈયાલાલ મુનશી છે, ચાર્લી ચૅપ્લિન, જ્યોર્જ બનાર્ડ શો અને શેખાદમ આબુવાલા પણ છે. વિનોદશૈલીનું ચરિત્રલેખન ગુજરાતી ભાષામાં ભાગ્યે જ જડે છે. જે-તે વ્યક્તિઓ સાથે રૂબરૂ જીવ્યા હોય એટલી બારીકાઈથી તેઓએ વ્યક્તિ ચરિત્રો લખ્યા છે, વર્ણવ્યા છે. ભાગ્યેશ જ્હાને ‘વિનોદવિમર્શ’ નામના પુસ્તકમાં તો વિનોદ ભટ્ટ અદ્દલ ફિલોસફર લાગ્યા છે અને તેના તેમણે દાખલા પણ ટાંક્યાં. તે પછી નરેન્દ્ર મોદી સાથેનો વિનોદ ભટ્ટનો એક પ્રસંગ પણ ભાગ્યેશ જ્હાએ ટાંક્યો. એ કાર્યક્રમમાં વિનોદભાઈ ઓડિયન્સમાં છેલ્લે જઈને બેઠા અને પછી જ્યારે નરેન્દ્ર મોદીને બોલવાનું આવ્યું ત્યારે તેમણે કહ્યું, આ વિનોદ ભટ્ટ કેવા છે કે લોકો મારી સાથે બેસવા પડાપડી કરે છે ને તેઓ મારાથી દૂર બેસી ગયા! વિનોદભાઈએ ત્યારે કહ્યું કે, મારે પણ ઇચ્છા છે કે હું તમારી સાથે બેસું, પણ તમે તો જોરદાર માણસ છો અને આ હોલમાં 80 ટકા લોકો તમને જોવા આવ્યા છે, બાકીના 20 ટકા એટલાં માટે આવ્યા છે કે તમે તેમને જુઓ! કારણ કે તેઓ ભાજપના કાર્યકર્તાઓ છે અને તેઓ પણ તમને બતાવવા માંગે છે કે તેમને સાહિત્યમાં રસ છે. આ રીતે ભાગ્યેશ જ્હાએ વિનોદ ભટ્ટના વિનોદી પ્રસંગો કહ્યાં.




તે પછી અજય ઉમટે વિનોદ ભટ્ટ સાથેના પ્રસંગો કહ્યા અને તેમનું પત્રકારત્વમાં આવવાનું કારણ વિનોદભાઈની કોલમ ઇદમ તૃતિયમ્ છે તેમ જણાવ્યું. એક રસપ્રદ કિસ્સો અજય ઉમટે કહ્યો કે ‘વિનોદ ભટ્ટના પ્રેમપત્રો’ નામનું પુસ્તક પ્રકાશિત થયું હતું અને તેમાંથી એક પત્રનો હિંદી અનુવાદ અજય ઉમટે કર્યો હતો. આ અનુવાદ હિંદીના જાણીતા સામયિક ‘ધર્મયુગ’માં પ્રકાશિત થયો અને તે લેખમાંથી એક હિસ્સો રજનીશે પોતાના વક્તવ્યમાં ટાંકેલો. આ વાત જ્યારે વિનોદ ભટ્ટ પાસે પહોંચી ત્યારે તેનો પચ્ચીસ રૂપિયાનો પુરસ્કાર તેમણે અજય ઉમટને મોકલી આપ્યો હતો. અજયભાઈએ કહ્યું કે ખડખડાટ હાસ્યની પાછળ કરૂણા હોય છે અને તે કરૂણા વિનોદભાઈમાં ભારોભાર હતી. આમ બધા પાસે વિનોદ ભટ્ટની અઢળક વાતો હતી. તેવું જ કંઈ વર્તમાન હાસ્ય કટારલેખક અશોક દવે સાથે બન્યું હતું. તેમની કારકિર્દીની શરૂઆત પણ વિનોદ ભટ્ટને આભારી હતી. તેમના લેખોની ભલામણ વિનોદભાઈએ કરી હતી અને પછી તે અશોક દવેની ગુજરાતી હાસ્ય કટારલેખનમાં દિર્ઘ કારકિર્દી રહી છે.

વિનોદ ભટ્ટના દીકરા સ્નેહલે પણ કેટલીક અતરંગ વાતો જણાવી. વિનોદ ભટ્ટના જીવનમાં તેમણે પોતાનું સ્થાન આર. કે. લક્ષ્મણના કાર્ટૂનમાં કોમનમેનનું હોય છે તેવું તેમનું છે તેમ જણાવ્યું, જે સાક્ષી ભાવે બધું નિહાળે છે. પોતાના પિતા જેવી છટાથી તેમણે કેટલાંક પ્રસંગો કહ્યા. આપણા જાણીતા સાહિત્યકાર ન. પ્ર. બુચ બીમાર હતા ત્યારે તેમને બોટલ ચઢાવવામાં આવી હતી. વિનોદભાઈ ખબર જોવા ગયા ત્યારે તેઓ સૂતા હતા. વિનોદભાઈએ તે વખતે ટીપ્પણી કરેલી કે આવું મેં પહેલીવાર જોયું કે બુચ નીચે અને બાટલી ઉપર. જોકે વિનોદ ભટ્ટનો સ્વભાવ સૌ કોઈ જાણે તેમનું હાસ્ય હંમેશા નિર્મળ રહેતું, તેમાં કોઈ દંશ નહોતો. તેથી જે હાસ્યનો વિષય બન્યા હોય તે પણ ખડખડાટ હસતા. સ્નેહલે એક બીજો પ્રસંગ એ કહ્યો કે તેમનો એક મિત્ર સ્વિમિંગ કોચ હતો અને તે જ્યારે ઘરે આવ્યો ત્યારે પિતા વિનોદ ભટ્ટ સમક્ષ તેની ઓળખાણ કરાવી કે આ મારો મિત્ર છે અને તે સ્વિમિંગ કોચ છે. ત્યારે વિનોદભાઈએ એક પ્રશ્ન કરેલો કે, ‘તારા કેટલાં વર્ષ પાણીમાં ગયા?’




કાર્યક્રમમાં અંતિમ વ્યાખ્યાન રતિલાલ બોરીસાગરનું રહ્યું. તેઓએ વિનોદભાઈના લખાણની શૈલીથી માંડીને તેમના જીવનના પ્રસંગોને વિસ્તૃત રીતે વર્ણવ્યા. રતિલાલ બોરીસાગરસાહેબે કહ્યું કે વિનોદ ભટ્ટ હાસ્યના તેમના અલગ-અલગ સ્વરૂપના ખેડાણના કારણે મોટા હાસ્યલેખક તરીકે ગણના પામે છે. તેમના ‘વિનોદની નજરે’ ચારિત્રલેખન જેવું ચારિત્રલેખન તો ગુજરાતીમાં પહેલીવાર જ થયું છે તેવો રતિલાલસાહેબે દાવો કર્યો. આ ચરિત્રલેખનમાં ક્યાંય કોઈને અન્યાય નથી થતો, તેમાં કટુભાવ નથી. આ ચરિત્રોએ ખૂબ ચકચાર જગાવ્યા હતા. વિનોદ ભટ્ટ આ ચરિત્રો વિશે એમ કહેતાં કે કદાચ હું એ ફરી લખવા બેસું તો મારાથી પણ ન લખાય. તેમનું આત્મકથાનું લેખન પણ એવું જ ખુલ્લું છે. તેમાં તેમણે કશુંય છુપાવ્યું નથી અને જે કહ્યું છે તે હાસ્યની તેમની શૈલીમાં જ કહ્યું છે. ગંભીરમાં ગંભીર વાતો પણ તેમણે તે રીતે લખી છે.

તેમની લેખનની સજ્જતા પછી તે કર્મ-વચનને કેવી રીતે વળગી રહેતાં તેનોય દાખલો આપ્યો. વિશ્વકોશ ટ્રસ્ટમાં નિયમિત થતાં વ્યાખ્યાનોમાં એક વખત વિનોદ ભટ્ટના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. વ્યાખ્યાનના દિવસે જ વિનોદ ભટ્ટના એકના એક બહેનનું અવસાન થયું. તેમ છતાં તેઓ બહેનના અંતિમ દર્શન કરીને વ્યાખ્યાન આપવા પહોંચ્યા. કાર્યક્રમ પૂર્ણ થયો પછી તેમણે આ વાત કહી ત્યારે સૌએ તેમને કહ્યું કે તમે જણાવ્યું હોત તો કાર્યક્રમ રદ કરી દેત. પરંતુ તેમણે અગાઉથી આયોજન હતું અને મેં આવવાનું કહ્યું હતું એટલે હું આવ્યો. તેમના મિત્રતાના પણ અનેક એવા દાખલા આપીને મિત્ર માટે કશુંય કરવાની તેમની તાલાવેલીનીય વાત રતિલાલ સાહેબે કરી.

વિનોદસભામાં હસતાં હસતાં વિનોદભાઈના વ્યક્તિત્વની અનેક વાતો વાગોળાઈ અને તેમાં વિનોદભાઈની ગેરહાજરી જરાસરખી પણ ન વર્તાઈ કારણ કે ત્યાં ઉપસ્થિત સૌના ચહેરા પર હાસ્ય હતું.


- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular