Thursday, June 4, 2026
HomeGeneralગાંધીનગર: રાત-દિવસ ખડે પગ રહેતા ફાયર અને સેફ્ટી વિભાગના ઝાંબાઝ અધિકારીઓનું 'ગર્વ'...

ગાંધીનગર: રાત-દિવસ ખડે પગ રહેતા ફાયર અને સેફ્ટી વિભાગના ઝાંબાઝ અધિકારીઓનું ‘ગર્વ’ એવોર્ડથી સન્માન

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગર: ભારતના નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે પોતાના જીવનને જોખમમાં મૂકીને નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કરતાં ફાયર અને રેસ્ક્યુ ઓફિસર્સની ઉમદા કામગીરીનું સન્માન કરવા તથા જનતા સમક્ષ તેમની સાહસિક કામગીરી અંગે જાણકારી ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ગાંધીનગરમાં સ્વર્ણિમ પાર્ક ખાતે ગુજરાત ફાયર એન્ડ રેસ્ક્યુ એવોર્ડ્સ ગર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.



પડદા પાછળ રહીને પોતાની જાતને ચિંતા કર્યાં વિના દરેક ભારતીયના જીવનમાં સુરક્ષાની ભાવના સુનિશ્ચિત કરવાના સંકલ્પ સાથે કામગીરી નિભાવતા ભાયારતીય સુપરહીરોની ઓળખ કરીને તેમનું સન્માન કરવાના ઉદ્દેશ્ય સાથે ગર્વ સંસ્થા કામ કરે છે. ફાયર અને રેસ્ક્યુ ઓફિસર્સની સજ્જતાને કારણે આપણા સમાજ રહેવા માટેની ઉત્તમ જગ્યા બને છે ત્યારે આ હીરોની ઓળખ કરીને દેશના લોકો સમક્ષ તેમની સહાનુભૂતિ, પ્રેમ, સંવેદનશીલતા અને નિઃસ્વાર્થ કામગીરી અંગે જાણકારી પેદા કરવી ખૂબજ જરૂરી બને છે.

આજના કાર્યક્રમમાં ગુજરાતના ફાયર વિભાગના અધિકારીઓની ઉમદા કામગીરીની ઓળખ કરીને તેમને સન્માનિત કરાયા હતાં. ફાયર વિભાગના અધિકારીઓની વીરતા અને સાહસિકતા આગામી પેઢી માટે ચોક્કસપણે પ્રેરણાદાયી બની શકે છે. દેશમાં યુવાનોની સંખ્યા ખૂબજ મોટા પ્રમાણમાં છે તેવી સ્થિતિમાં આપણા સુપરહીરોની કામગીરીથી યુવાનોને પ્રેરણા મળશે અને દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં યુવાનો પણ આગળ વધીને યોગદાન આપશે.



જુરીના સદસ્યોમાં ભારત સરકારના ભુતપૂર્વ ફાયર એડવાઇઝર ડો. ડી. કે. શમી, મુંબઇમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભુતપૂર્વ ડેપ્યુટી કમીશનર ડો. પ્રભાત રાહાન્ડલે, દિલ્હી ફાયર સર્વિસના ભુતપૂર્વ સીએફઓ એસ.કે. ધેરી, યુપી સ્ટેટ ફાયર સર્વિસના ભુતપૂર્વ ડાયરેક્ટર પી. કે. રાવ,ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસના ડાયરેક્ટર કે. કે. બિશ્નોઇ અને ગુજરાત રાજ્યના આઇએફઇ, સીએફએસઓ, એસપીએઆઇ, એઆઇએફએસએસસીબી, એઆઇએફએફએફ, જીએફએસઓડબલ્યુએના પ્રેસિડેન્ટ સ્વસ્તિક જાહેજા સામેલ હતાં.

- Advertisement -

આ આયોજન અંગે કાર્યક્રમના આયોજકએ જણાવ્યું હતું કે, ગુજરાતના ફાયર વિભાગના અધિકારીઓના સાહસ, સંકલ્પ અને કટોકટીમાં તેમણે નિભાવેલી કામગીરીને ક્યારેય ભૂલી શકાય નહીં. કટોકટીના સમય દરમિયાન તેમની જોખમ લેવાની ક્ષમતાઓ અને લીડરશીપના ગુણ દેશના લોકો પ્રત્યે તેમના પ્રેમ અને કાળજીને પ્રદર્શિત કરે છે. તેઓ આપણા યુવાનોના પ્રેરણાસ્રોત છે અને આપણી નવી યુવા પેઢી તેમનામાંથી ઘણું શીખી શકે છે, જે દેશના સર્વાંગી વિકાસ અને સુખાકારી માટે ઘણું ઉપયોગી બની રહેશે.
આ એવોર્ડ સમારોહમાં ફાયર અને સેલ્ટી વિભાગના કર્મચારીઓ અને તેમના પરિવારજનો સહિત અંદાજિત 2000 જેટલાં મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત બોલીવુડ અને ગુજરાતી ફિલ્મ જગતના અગ્રણીઓ, સરકારના વિવિધ મંત્રીશ્રીઓ, મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત જાણીતા કલાકારોએ સિંગિંગ અને ડાન્સ પર્ફોર્મન્સ, ફોક સિંગરનું પર્ફોર્મન્સ, કોમેડી એક્ટ, પોલીસ બેન્ડ પર્ફોર્મન્સ, લિક્વિડ ડ્રમર, સેન્ડ આર્ટ વર્ક સહિતના મનોરંજક કાર્યક્રમો પણ યોજાયાં હતાં.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular