Saturday, May 23, 2026
HomeGujaratAhmedabadસવારે ગોપાલ જ્યારે ગાંધી ખોલીમાં ગયો તો તેની પવિત્રતા સ્પર્શી ગઈ, લાગ્યું...

સવારે ગોપાલ જ્યારે ગાંધી ખોલીમાં ગયો તો તેની પવિત્રતા સ્પર્શી ગઈ, લાગ્યું જાણે તીર્થસ્થાનમાં આવ્યો છે

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-53): Nadaan Series : વિરાંગ પોતાના શિડ્યૂલને કાયમ વળગી રહેતો હતો. તેમાં એક મિનિટનો પણ ફેરફાર થવા દેતો નહીં. તેને જ્યારે સજા થઈ, ત્યારે તેની ઉંમર 21 વર્ષની હતી. તેણે પોતાની ગર્લફ્રેન્ડને હેરાન કરતા એક છોકરાનું ખૂન કર્યું હતું. વિરાંગે તેને ઘણી વખત સમજાવ્યો હતો કે, તું એને હેરાન કરીશ નહીં. પણ તે માન્યો જ નહીં.

તે દિવસે પણ વિરાંગનો ખૂન કરવાનો કોઈ જ ઇરાદો નહોતો. વિરાંગ તેની સાથે માત્ર વાત કરવા જ ગયો હતો. વાત અચાનક વણસી ગઈ અને કાયમ શાંત રહેતા વિરાંગને તે દિવસે; ખબર નહીં, શું થયું! બાજુમાં ઊભી રહેલી શાકની લારી પર પડેલું ચપ્પું ઉપાડી પેલાને બે–ત્રણ ઘા મારી દીધા. પછી ત્યાંથી ભાગી ગયો. જોકે તેને તરત ખ્યાલ આવી ગયો કે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. પરંતુ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. પેલો છોકરો મરી ગયો અને કોર્ટે વિરાંગને આજીવન કારાવાસની સજા ફટકારી.

- Advertisement -

વિરાંગ જેલમાં આવ્યો ત્યારે તેની માનસિક સ્થિતિ પણ ગોપાલ જેવી જ હતી. કાયમ એકલા રહેવાની ટેવવાળા વિરાંગે જલદી પોતાની જાતને સંભાળી લીધી. વિરાંગને બહુ જલદી સમજાઈ ગયું હતું કે, જેલમાં પોતાને વ્યસ્ત રાખવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેણે જેલમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમમાં ભણવાનું શરૂ કર્યું. તેને જેલમાં દસ વર્ષ થઈ ગયા હતા. ભારતની તમામ જેલના તમામ કેદીઓમાંથી તેને ‘બેસ્ટ પ્રિઝનર’નો એવોર્ડ પણ મળ્યો હતો.

વિરાંગ ખૂબ અભ્યાસ કરતો અને ખૂબ વાંચતો. આખો દિવસ વેલફેર ઑફિસમાં કામ કરતો. બપોરે બે-ત્રણ કલાકના સમયમાં એ બેરેકમાં આવવાને બદલે ગાંધીયાર્ડમાં જતો. ત્યાંની ખોલીમાં બેસીને ઓડિયોબુક બનાવતો હતો. આમ તો વિરાંગ બેરેકમાં બહુ ઓછા લોકો સાથે ભળતો હતો, પણ ગોપાલનો અવાજ સાંભળીને તેને લાગ્યું કે, આ મટિરિયલ કંઈક અલગ જ છે.

બીજા દિવસે સવારે રોજના ક્રમ પ્રમાણે વિરાંગ તૈયાર થઈ ગયો. તેણે જોયું તો ગોપાલ બંધી ખુલ્યાં પછી પણ હજી યાર્ડમાં જ હતો. એ કેદીઓ સાથે ગપાટા મારી રહ્યો હતો. તેણે ગોપાલને બૂમ પાડી, “ગોપાલ…”

- Advertisement -

ગોપાલ દોડતો આવ્યો એટલે વિરાંગે પૂછ્યું, “હજી તૈયાર નથી થયો?”

ગોપાલ વિચાર કરવા લાગ્યો એટલે વિરાંગે કહ્યું, “ઓડિયો ટેસ્ટ માટે જવાનું છે.”

ગોપાલને તરત યાદ આવ્યું. તેણે પોતાના માથા પર ટપલી મારી અને કહ્યું, “બસ, દસ મિનિટ આપ. હમણાં જ આવ્યો.”

- Advertisement -

તેમ કહી ગોપાલ તરત ન્હાવા માટે ભાગ્યો દસ મિનિટમાં ગોપાલ તૈયાર થઈને આવી ગયો. વિરાંગ અને ગોપાલ ચાલતાં ચાલતાં નીકળ્યા. ગોપાલને હજી જેલની ભુગોળ પૂરેપૂરી ખબર નહોતી. તિલકયાર્ડ સુધીનો રસ્તો જ એને ખબર હતો. તિલકયાર્ડથી થોડેક આગળ જઈએ એટલે જેલનો મુખ્ય દરવાજો આવતો હતો. ત્યાંથી જમણી બાજુ એક રોડ જતો હતો. ગોપાલને યાદ આવ્યું કે, આ રસ્તો તો સરદારયાર્ડ તરફ જાય છે. ગોપાલે પૂછ્યું, “આપણે સરદારયાર્ડમાં જઈએ છીએ?”

વિરાંગે કહ્યું, “ના, ગાંધીયાર્ડમાં. સરદારયાર્ડની બાજુમાં જ ગાંધીયાર્ડ છે.”

સરદારયાર્ડ પસાર કરીને તેઓ ગાંધીયાર્ડમાં પહોંચ્યા. બહાર ‘ગાંધીયાર્ડ’ લખેલી એક તક્તી હતી. તેઓ નાના દરવાજામાંથી યાર્ડમાં દાખલ થયા. ડાબી બાજુ એક નાનકડી ખોલી હતી. એની ઉપર લખ્યું હતું, ‘સ્ટુડિયો’. ગોપાલને વિચાર આવી ગયો કે, અહીંયા ફોટો પાડતા હશે? ગોપાલનો ચહેરો જોઈ વિરાંગે તરત કહ્યું, “જે કેદીઓને ચિત્ર દોરતા આવડે છે, તે આ સ્ટુડિયોમાં આવીને આર્ટ વર્ક કરે છે.”

ગોપાલને બહુ આશ્ચર્ય થયું કે, જેલમાં કેદીઓ પેન્ટિંગ પણ કરે છે! સ્ટુડિયોની બરાબર સામે કતારબંધ ખોલીઓ હતી. આખું યાર્ડ એકદમ સાફ હતું. બે ત્રણ કેદીઓ સફાઈકામ કરી રહ્યા હતા. સવારનો સમય હતો. યાર્ડના લીમડા પર બેઠેલા પક્ષીઓનો અવાજ વાતાવરણમાં પ્રાણ ફૂંકતો હતો. વિરાંગે એક ખોલી તરફ ઇશારો કરતાં કહ્યું, “ત્રીજા નંબરની ખોલીમાં ગાંધીને રાખવામાં આવ્યા હતા.”

ગોપાલ એકદમ અચરજમાં પડી ગયો. ગાંધી અહીંયા રહ્યા હતા! તેણે વિરાંગ સામે જોયું. અનેએ ખોલી તરફ ચાલવા લાગ્યો. આગળ જઈ ગોપાલે ચંપલ ઉતાર્યાં અને પગથિયાં ચઢી ત્રીજા નંબરની ખોલી તરફ ગયો. ખોલીની બહાર ઉપરની બાજુએ એક તકતી હતી. જેમાં લખ્યું હતું કે, ‘1922માં ગાંધીજીને અહીં રાખવામાં આવ્યા હતા.’ વિરાંગે કહ્યું, “1922થી આ ખોલીને કેદીઓ ‘ગાંધીખોલી’ તરીકે ઓળખે છે.”

ગોપાલે ખોલીમાં જોયું. અડધાં કદની ગાંધીની એક પ્રતિમા હતી. પ્રતિમાની બાજુમાં ગાંધીનો પ્રિય રેંટિયો હતો અને પ્રતિમાની સામે થોડાક ફૂલ હતા તથા દીવો સળગી રહ્યો હતો. ગોપાલથી અનાયાસે જ બે હાથ જોડાઈ ગયા. ગાંધીખોલીની પવિત્રતા ગોપાલને સ્પર્શી ગઈ. ગોપાલને સ્વપનેય ખ્યાલ નહોતો કે, આ ગાંધી તેના જીવનમાં ભુકંપ લાવવાનો છે!

વિરાંગ પોતે જાણે ગાઇડ હોય, એ રીતે તેણે ગોપાલને માહિતી આપતાં જણાવ્યું, “1922માં ગાંધીએ નવજીવન અખબારમાં અંગ્રેજી સત્તાને પડકારતો લેખ લખ્યો હતો. જેને લીધે તેમને છ વર્ષની સજા થઈ હતી. સજા સંભળાવ્યા પછી તેમને તરત અહીં સાબરમતી જેલમાં લાવવામાં આવ્યા હતા. અને આ જ ખોલીમાં રાખવામાં આવ્યા હતા. દસ દિવસ પછી તેમને યરવાડા જેલમાં લઈ જવામાં આવ્યા હતા.”

ગોપાલ એકદમ ભાવુક થઈને ગાંધી વિશે સાંભળી રહ્યો હતો. ગોપાલે કહ્યું, “1922થી અત્યાર સુધી ગાંધીખોલીમાં રોજ કેદીઓ દીવો કરે છે. કારણ કે તેમને લાગે છે કે, ગાંધી આજે પણ અહીંયા જીવે છે!”

અચાનક વિરાંગને યાદ આવ્યું કે, તે કંઈક જુદા જ કામે અહીંયા આવ્યો છે. તેણે ગાંધીની વાત અટકાવતાં કહ્યું, “બાજુની ખોલીમાં ચાલ.”

તે ગોપાલને બાજુની ખોલીમાં લઈ ગયો. ત્યાં એક ટેબલ હતું. તેની ઉપર કોમ્પ્યૂટર અને હેડ ફોન પડ્યા હતા. વિરાંગ પહેલાં તો ખુરશીમાં બેઠો અને કોમ્પ્યૂટર ઓન કર્યું. ઓડિયો સિસ્ટમ ચેક કરી. પછી ખુરશીમાંથી ઊભો થયો અને ગોપાલને કહ્યું, “બેસ અહીંયા.”

ગોપાલ ખુરશીમાં બેઠો. વિરાંગે તેના કાને હેડફોન લગાવ્યા અને એક પુસ્તક આપ્યું. તેમાંથી ગોપાલને બે ફકરા વાંચવાનું કહ્યું. ગોપાલ વાંચી રહ્યો હતો, ત્યારે વિરાંગે તેને અટકાવતાં કહ્યું, “ગોપાલ, આપણે ઓડિયોબુક બનાવીએ છીએ. જે અંધ વ્યકિત વાંચી શકતી નથી, તેમના માટેની આ બુક છે. જરા ધીમે ધીમે વાંચવાનું. ઓકે?”

તેમ કહી તેણે અગાઉનું રેકોર્ડિંગ ડિલિટ કરીને ફરી વાંચવાની સૂચના આપી. ગોપાલે ફરી વાંચવાની શરૂઆત કરી. એ વાંચી રહ્યો હતો ત્યારે વિરાંગનો ચહેરો કહી રહ્યો હતો કે, એ ખોટો નથી પડ્યો. ગોપાલનો અવાજ ઓડિયોબુક માટે પરફેકટ હતો. રેકોર્ડિંગ પૂરું થતાં ગોપાલે વિરાંગ સામે જોયું. વિરાંગે કહ્યું, “આજે સાંજે અંધજન મંડળના સાહેબ આવશે. તેમને તારું રેકોર્ડિંગ આપી દઈશ. પછી તે નિર્ણય કરશે.”

ગોપાલે પૂછ્યું, “પણ તને કેવું લાગ્યું?”

વિરાંગે થમ્સઅપનો ઇશારો કર્યો.

(ક્રમશ:)

PART 52 : વિરાંગે કહ્યું ગોપાલ તારા અવાજમાં દમ છે, જો તારી ઈચ્છા હોય તો અમારી સાથે કામ કરી શકે છે

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular