પ્રશાંત દયાળ, નવજીવન: પોલીસ દરેક વખતે ગુનાનો ભેદ ઉકેલવામાં ડંડાનો જ ઉપયોગ કરે છે તે માન્યતા સાચી નથી, પોલીસને દરેક વખતે ગુનો કરનારની માનસીકતાને ધ્યાનમાં રાખી પોતાના ઈન્વેસ્ટીગેશન અને ઈન્ટ્રોગેશનની પધ્ધતી બદલવી પડતી હોય છે, શીવાંશના પ્રકરણમાં પણ એવુ જ બન્યુ, પેથાપુર પાસે શીવાંશ બીનવારસી મળી આવ્યા પછી તેના પાલક કોણ છે તેની શોધવાની કવાયત હાથ ધરી ત્યાં સુધી શીવાંશનો પિતા સચિન દીક્ષીત ગુજરાત છોડી ચુકયો હતો, પણ સચિન તેનો પિતા છે તે નક્કી કર્યા પછી ગાંધીનગર પોલીસે રાજસ્થાન કોટા પહોંચી ગયેલા સચિનનો સંપર્ક કરી તેને ઉત્તર પ્રદેશ જવાને બદલે ગાંધીનગર પરત આવવા માટે સમજાવી લીધો હતો, આમ સચિન સાથે જરા પણ જબરસ્તી કર્યા વગર તેને ગાંધીનગર લઈ આવ્યા હતા,.
શીવાંશ મળી આવ્યા પછી આ બાળક કોણ છે અને તેને કોણ છોડી ગયુ તેની તપાસ શરૂ કરતા પોલીસને એક સેન્ટ્રો કાર સીસી ટીવી ફુટેઝ મળી આવી હતી, આમ સૌથી પહેલા કારની ઓળખ થઈ હતી, પોલીસને જે ગૌશાળાના જે ફુટેઝ મળ્યા હતા તેમાં સચિનનો ચહેરો સ્પષ્ટ થતો ન્હોતો,. એટલે પોલીસ પાસે બે વિકલ્પ હતા કે સેન્ટ્રો કારનો માલિક અલગ છે અને બાળક મુકી જનાર અલગ હોઈ શકે છે., આથી પોલીસે ગાંધીનગરમાં પ્રવેશ કરવાના તમામ રસ્તાના ફુટેઝ ચેક કરતા ફરી સેન્ટ્રો કાર નજરે પડે છે જેમાં ખુદ સચિન કાર ચલાવે છે અને તેની બાજુની સીટમાં શીવાંશ નજરે પડે છે, એટલે નક્કી થયુ કે કારનો ચાલક અને બાળક મુકનાર એક જ વ્યકિત છે.
ગાંધીનગર પોલીસે સેન્ટ્રો કારના આધારે તેના માલિક અને સરનામાની તપાસ કરતા કારની માલિકી સચિનના પિતાની હતી, આથી હવે પોલીસના શંકાના દાયરામાં સચિન અને તેના પિતા બંન્ને આવે છે, પોલીસ સરનામાના આધારે ગાંધીનગર સ્થિત સચિનના ઘરે પહોંચે છે અને પડોશીઓની પુછપરછમાં નક્કી થાય છે કે ગોદરેજ કંપનીમાં કામ કરતા સચિનના પિતા નખશીખ પ્રમાણિક અને પવિત્ર માણસ છે તેમને આવી કોઈ ઘટના સાથે કોઈ નીસ્બત હોઈ શકે નહીં, સચિનને ગુનો કર્યો હોવાને કારણે તે ઈરાદાપુર્વક પોતાની કાર ગાંધીનગરમાં છોડી જતો રહે છે પડોશીના જાણકારી પ્રમાણે સચિન તેના પરિવાર સાથે જેમાં તેના માતા પિતા, પત્ની અને બાળક સાથે તે ઉત્તર પ્રદેશ જવા રવાના થયો છે.
આથી પોલીસને મળેલા નંબરના આધારે તે સચિનના પિતાનો સંપર્ક કરે છે, સચિનના પિતા ખુદ કાર ડ્રાઈવ કરી રહ્યા હતા, પોલીસ તેમને જાણકારી આપે છે કે ગાંધીનગરમાં એક બાળક મળી આવ્યુ છે જે સંદર્ભમાં તેઓ તેમની પુછપરછ કરવા માગે છે, આ સાંભળી તેના પિતા હતપ્રત થઈ જાય છે કારણ તે પોતાના પુત્ર સચિનના કારસ્તાનથી અજાણ છે, પોલીસ બહુ જ સમજણપુર્વક તેના પિતાના વિશ્વાસમાં લે છે અને સચિનના પિતાએ જયારે સચિનને પેથાપુર મળેલા બાળક અંગે પુછયુ ત્યારે સચિન કબુલ કરે છે કે તે તેનું જ બાળક છે અને તેણે તરછોડી દીધુ છે આ ક્ષણ સચિનના માતા પિતા અને પત્ની માટે ખુબ આધાતજનક હતી કારણ તેઓ સચિનના આ સંબંધથી ંસપુર્ણપણે અજાણ હતા.
આ દરમિયાન ગાંધીનગરની એક ટીમ રાજસ્થાન તરફ જવા રવાના થાય છે, પરંતુ સચિનના પિતા કાર હંકારી રહ્યા હોવાને કારણે સ્વભાવીક છે પોલીસ અને તેમનું અંતર કાપી શકાય તેમ ન્હોતુ, ગાંધીનગર એસપી મયુર ચાવડા નિર્ણય કરે છે કે રાજસ્થાન પોલીસને કેસમં સામેલ કર્યા વગર ઓપરેશન પાર પાડવુ જરૂરી હતુ, મયુર ચાવડા પોતાના રાજસ્થાનના ખાનગી સંપર્કોને એલર્ટ કરે છે, અને સચિનના પિતાની કારને ફોલો કરવાની સુચના આપે છે જો કે કાર ફોલો થઈ રહી છે તેની જાણકારી તેમને મળે નહીં તેની તકેદારી રાખવાની પણ સુચના આપે છે, સચિનના પરિવારને જયારે સચિનના સંબંધની જાણકારી મળે છે ત્યારે તેનો પરિવાર નક્કી કરે છે કે ઉત્તર પ્રદેશ જવાને બદલે ગાંધીનગર પાછા ફરવુ જોઈએ અને તે રાજસ્થાન કોટાથી યુ ટર્ન લઈ ગાંધીનગર આવવા નિકળે છે ત્યારે પણ પોલીસના ખાનગી સંપર્કો તેમની પીછો કરી રહ્યા હતા.
સચિને પ્રાથમિક રીતે બાળક તેનું હોવાનું સ્વીકાર કરી લેતા પોલીસ હવે સચિન સાથે ટેલીફોન ઉપર વાત કરવાની શરૂઆત કરી હતી, સચિન પોલીસને કારમાં જ ત્રુટક ત્રુટક માહિતી આપે છે, પરંતુ પોલીસ માટે મહત્વનું હતું કે તે ગાંધીનગર પરત ફરે, આ દરમિયાન રાજસ્થાન જવા નિકળેલી ટીમ ઉદયપુર પહોંચે છે, તેમને સુચના મળે છે કે ગાંધીનગર પાછા ફરી રહેલા સચિનને હવે તેના પિતાની કારમાંથી ઉતારી પોલીસ કારમાં લઈ લેવામાં આવે, ઉદયપુર નજીક ગાંધીનગર પોલીસ સચિનના પિતામાંથી તેને નીચે ઉતારી પોતાની કારમાં બેસાડે છે, રસ્તામાં સચિનનું ઈન્ટ્રેગેશન સ્ટાર્ટ થાય છે આખા રસ્તે તે સમગ્ર ઘટના પોલીસ સામે બયાન કરે છે તેને ગાંધીનગર લાવ્યા પછી પણ તે મહેંદી અંગે પોલીસને કોઈ માહિતી આપતો નથી,
ગાંધીનગર આવ્યા પછી મયુર ચાવડા સચિનનો વ્યવહાર જોઈ સમજી જાય છે કે સચિને જે કર્યુ તેનો રંજ પણ છે અને પીડા પણ છે, તેને સતત પુછયા કરતા તે થોડો હળવો થાય એટલી મોકળાશ આપો, પોલીસ પહેરો વચ્ચે તેને કોઈ કશુ જ પુછતુ નથી, તે શીવાંશને છોડી દીધા સિવાય કોઈ વાત કરતો નથી, રવિવારની સવારથી ફરી તેની પુછપરછ શરૂ થાય છે, બપોરના 12 વાગતા તે ભાંગી પડે છે, તેના મન ઉપર રહેલો ભાર તેને જીવવા દેતો નથી, તેણે મહેંદીની હત્યા કરી હોવાની કબુલાત કરે છે મહેંદીને મારી નાખવી તેવુ તેણે કયારેય વિચાર્યુ સુધ્ધા ન્હોતુ, પણ ક્ષણના આવેશમાં જીંદગી ખલાસ થઈ જાય છે, તેને મહેંદીની હત્યા કરી હોવાનો ભારોભાર અફસોસ છે, પણ હવે તેની જીંદગીમાં અફસોસ સિવાય કઈ નથી.,
શીવાંશ હવે કોની પાસે જશે તે કાયદા અને તેના પરિવારે નક્કી કરવાનું છે, કાયદાની જોગવાઈ પ્રમાણે શીવાંશ ઉપર અધિકાર મહેંદીના માતા પિતા અને સચિનના માતા પિતાનો છે કોણ તેને રાખશે તે સમય જ કહેશે, હાલમાં સચિન ગાંધીનગર પોલીસ પાસે છે તેની ઉપર શીવાંશને તરથછોડી દેવોનો આરોપ છે આ કેસ પછી વડોદરા પોલીસ તેને હત્યાના ગુનામાં ધરપકડ કરશે. પરંતુ સૌથી વધારે માનસીક યાતનામાંથી અત્યાર સચિનના માતા પિતા અને પત્ની પસાર થઈ રહ્યા છે તેમની માનસીક સ્થિતિ ખરાબ છે પોલીસને ડર છે કે તે આ દશામાં કોઈ અંતિમ પગલુ ભરે નહીં, ગાંધીનગર દ્વારા આત્મહત્યા નિરવારણ સંસ્થા જીવન આસ્થાનના કાઉન્સીરની વ્યવસ્થા કરી છે જેઓ દિવસમાં ત્રણ વખત સચિનના પરિવારની મુલાકાત લઈ રહ્યા છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Advertisement








