તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ. રાજકોટ): રાજકોટ શહેર પોલીસમાં તાજેતરમાં જ લાંબા સમય બાદ ડી.સી.પી. ક્રાઈમ તરીકે ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની નિમણૂંક કરવામાં આવી છે. ડી.સી.પી. ક્રાઈમની નિમણૂંક પહેલા કમિશનરના કથિત કાંડના આક્ષેપ બાદ એક વખત સાફ કરાવામાં આવેલી ક્રાઈમ બ્રાન્ચ સાયલાથી દારૂના કન્ટેનરના અપહરણ કાંડ બાદ ફરી છાપે ચડી હતી. જેના કારણે ટૂંક સમય પહેલા જ ફરી ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીની ફરજના સ્થળ બદલી કરી સાફ સફાઈ કરવામાં આવી હતી. જેનું પરિણામ ઓનલાઈન સટ્ટા મામલે બુકીઓ સુધી પહોંચતી પોલીસની સરાહનીય કામગીરી હોય તેમ જણાય છે.
એક સમય હતો જ્યારે રાજકોટમાં ક્રિકેટ સટ્ટા અને જુગારના ધંધાર્થીઓ બેફામ વેપાર કરતા ખચકાતા ન હતા. બાદમાં ઓનલાઈન જુગાર રમાડવાની સુવિધાના કારણે આ ગેરકાયદેસર ધંધાની ગાડી પૂરપાટ ઝડપે ભાગવા લાગી હતી. પરંતુ આ બુકીઓની સીસ્ટમને હાલ લુણો લગાડવાની શરૂઆત થઈ ચુકી હોય તેમ જણાય છે. રાજકોટ શહેર પોલીસમાં તાજેતરમાં થયેલા ધરખમ ફેરફારો અને ડી.સી.પી. ક્રાઈમ તરીકે ડૉ. પાર્થરાજસિંહની નિમણૂંક બાદ બુકીની સીસ્ટમ સાથે સંકળાયેલા કર્મચારીઓ પણ ભયમાં મુકાયા છે. પરિણામે સતત રાજકોટમાંથી ઓનલાઈન જુગાર રમતા પંટર અને રમાડતા બુકીઓ પોલીસના હાથે ઝડપાઈ મહેમાન બની રહ્યાં છે.
ગતરોજ તારીખ 5 ના રોજ રાજકોટની ક્રાઈમ બ્રાન્ચ અને ભક્તિનગર પોલીસે ગુના દાખલ કરી ઓનલાઈન જુગાર રમતા આરોપી ઝડપી પાડ્યા હતા. સૌથી મોટી વાત છે કે બંને મામલે પંટર એટલે કે જુગાર રમનાર અને બુકી એટલે કે રમાડનાર આરોપીના નામ ખુલવા પામ્યા છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગત માસમાં મોટે ભાગે ઓનલાઈન આઈડી પર જુગાર રમનાર પંટર આઈડી ઓનલાઈન મેળવતો હતો તેમ ફરિયાદમાં જોવા મળતુ હતું પરંતુ, ગતરોજ ઝડપાયેલા આરોપી રાજદિપ કાછડીયાની તપાસ કરી બુકી તરીકે રઘો ઉર્ફે મેકડોવેલ અને ફારૂક નામના શખ્સોના નામ ખોલ્યા છે.
ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પણ ગતરોજ ભરત ઉર્ફે પ્રિતેષ રૂપસિંગભાઈ ભટ્ટી નામના શખ્સને ઓનલાઈન જુગાર રમતો ઝડપી પાડ્યો હતો. જે કેસ મામલે ક્રાઈમ બ્રાન્ચે આરોપીની પુછપરછ કરતા આઈડી આપનાર અલ્લાઉદીન ઉર્ફે અલીભાઈનું નામ ખોલ્યું છે. ટૂંકમાં રમનાર આરોપી દ્વારા રમાડનાર બુકીનું નામ પોલીસને જણવાવવામાં આવ્યું છે.
રાજકોટમાં પોલીસની ઓનલાઈન સટ્ટા મામલે આ પ્રકારે કાર્યવાહી થતી રહે તો મહદઅંશે સ્થાનીક બુકીઓની ચુંગાલમાં ફસાઈ જુગારના રવાડે ચડતા યુવાધનને બચાવી શકાય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. લોકો પોલીસની હાલની કાર્યવાહીનો શ્રેય ડી.સી.પી. ક્રાઈમ ડૉ. પાર્થરાજસિંહ ગોહિલને આપી હજૂ પણ આ પ્રકારે કાર્યવાહી ચાલુ રહેશે તેવી આશા રાખતા જણાય છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











