પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-43): Nadaan Series: સાબરમતી જેલમાં ગોપાલને એક અઠવાડિયું થઈ ગયું હતું. રોજ સવાર પડે એટલે જેલના અલગ અલગ વિસ્તારમાં સફાઈકામ શરૂ થઈ જતું. ગોપાલને આ કામ જરાય પસંદ નહોતું; પણ એક બાબત એને ગમતી કે, બાબલા ગેંગમાં હોવાને કારણે સફાઈનાં કામ માટે જેલના અલગ અલગ વિસ્તારમાં ફરવાનો મોકો મળતો. વચ્ચે વચ્ચે ક્યારેક ગોપાલ કામચોરી પણ કરી લેતો. આટલા બધા કેદી કામ કરતા હોય, ત્યારે એકાદ કેદી કામચોરી કરે તો કોઈને ખબર પડે તેમ નહોતું.
ગોપાલે સાથે રહેલા કેદીઓ પાસેથી જાણકારી મેળવી લીધી કે, લીગલ ઑફિસમાં કોણ કોણ કામ કરે છે? કેવા માણસો છે? ત્યાં કોને મળવું? વગેરે. તેને જાણવા મળ્યું કે, લીગલ ઑફિસમાં નીતિનકાકાનો દબદબો છે. જાણે તે સુપ્રીમ કોર્ટના વકીલ હોય, એવો તેમનો માન મરતબો છે. કાકા અમદાવાદના જ વતની છે. મોટો કારોબાર અને રાજકીય સંબંધો પણ સારા. દસ વર્ષ પહેલાં થયેલા કોમી તોફાનોની તેમણે આગેવાની લીધી હોવાનો તેમની પર આરોપ છે. એ તોફાનમાં ઘણા લોકો મરી ગયા હતા.
કાકાનો પરિચય ગાંધીનગરથી દિલ્હી સુધી હોવાને કારણે પોલીસ તેમની તરફ નજર પણ કરતી નહોતી; પણ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને CBIને તપાસ સોંપવામાં આવી. કાકાના સમર્થકો માનતા હતા કે, કાકા તેમને બચાવી લેશે. પરંતુ એક રાતે કાકાના ઘર સુધી CBI પહોંચી ગઈ. CBI પાસે પુરાવા હતા કે, નીતિનકાકાએ તેમના વિસ્તારના યુવાનોને ઉશ્કેર્યા હતા અને તોફાન કરાવ્યું હતું. કાકાની ધરપકડ થતાં હડકંપ મચી ગયો, પણ સુપ્રીમ કોર્ટના ઓર્ડરથી ગુજરાત આવેલી CBI કોઈનું સાંભળવા તૈયાર નહોતી. કાકા સહિત તેમની સાથે રહેલા કાર્યકરોને પણ પકડી પકડીને જેલમાં ધકેલી દીધા.
નીતિનકાકા જેલમાં આવ્યા પછી પણ પોતાની તાકાત પર મુસ્તાક હતા. તેમને ખબર હતી કે, બહાર રહેલા રાજનેતાઓ તેમને અહીંથી બહાર જરૂર કાઢશે. જેલમાં પણ તેમનો દબદબો હતો. જેલના અધિકારીઓને ગાંધીનગરથી સૂચના મળી ગઈ હતી કે, કાકાને જેલમાં કોઈ તકલીફ પડવી ન જોઈએ. તેમનું ધ્યાન રાખવાનું પણ કહેવામાં આવ્યું હતું. જેના કારણે જેલ અધિકારીઓ પણ નીતિનકાકાને કાકાસાહેબ કહીને સંબોધતા હતા. જેલ અધિકારીઓ માનતા હતા કે, ક્યારેક તો કાકાસાહેબ જેલની બહાર નીકળશે જ. જ્યારે કાકા બહાર હોય, ત્યારે પોતાની બદલી માટે કાકાનો સંપર્ક બહુ મહત્ત્વનો હતો.
કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો હતો, પણ અંદરથી ખૂબ પ્રેમાળ હતા. બહારની દુનિયામાં તેમની જાહોજલાલી હતી, પણ જેલમાં બધા તેમને માન આપતા હોવા છતાં જેલ તો જેલ જ હતી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં બેરેકમાં રહેવાનું અને કાતીલ ઠંડીનો પવન બેરેકના સળિયા પાર કરી અંદર આવે, ત્યારે કોઈની ઓળખાણ ચાલે નહીં. આ બધી અગવડોને કારણે કાકા કાયમ ગુસ્સામાં રહેતા હતા. સમય જતાં કાકાને પણ સમજાયું કે, અહીંયા બધા નસીબના માર્યા છે. શું કામ કોઈની ઉપર ગુસ્સો કરવાનો? આમ કરતાં કરતાં કાકાના બે વર્ષ પસાર થઈ ગયા. જે દિવસે ચુકાદો હતો, તે દિવસે કાકાએ પોતાની બેરેકમાં રહેલા સાથી કેદીઓને કહ્યું હતું, “સામાન પેક કરી રાખજો. આજે આપણો છેલ્લે દિવસ છે.”
કાકાનો આદેશ હતો એટલે કાકાનો સામાન પેક થઈ ગયો હતો. બપોર થતાં સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો કે, “નીતિનકાકા સહિત તેમની સાથે રહેલા 70 આરોપીઓને કોમીતોફાન માટે કોર્ટ દોષી માને છે. તમામને આજીવન કારાવાસની સજાનો હુકમ કરે છે.”
સજાનો હુકમ થયો ત્યારે કાકા ભાંગી પડ્યા હતા. બે વર્ષ જેટલો સમય જેલમાં પસાર થઈ ગયો હતો, પણ હવે જિંદગી આખી જેલમાં પસાર કરવાની હતી. તે દિવસે કાકાને મળવા ઘણા રાજનેતાઓ પણ જેલમાં આવ્યા હતા. બધા જ કાકાને કહી રહ્યા હતા કે, “ચિંતા કરતા નહીં. અમારે હાઇકોર્ટમાં વાત થઈ ગઈ છે. તમારા જામીન મૂકી દઈશું. તમે જલદી બહાર આવશો.”
ખુદ નીતિનકાકાને જ સજા થઈ ગઈ હતી. તેમના ભરોસે હાથમાં હથિયાર ઉપાડનારા બીજા 70 લદકદના પણ અંદાજ આવી ગયો હતો કે, જિંદગીની એક ભૂલે તેમની તો ઠીક, બહાર રહેલા તેમના પરિવારની જિંદગીને પણ રાખ કરી નાખી છે. જેલ પસ્તાવો કરનારા માણસોનો દરિયો છે. ઘણા દિવસો સુધી કાકા ગુમસુમ રહ્યા. પછી કાકાએ જ નક્કી કર્યું કે, જેલના કોઈ કામમાં તેઓ જોડાઈ જશે.
પોતાના કેસનો એટલો અભ્યાસ કર્યો હતો કે, તેમને હવે તમામ IPC (ઇન્ડિયન પીનલ કોડ) અને CR.P.C. (ક્રિમિનલ પ્રોસિજર કોડ) આવડી ગઈ હતી. તેમણે લીગલ ઑફિસમાં કામ કરવાની શરૂઆત કરી. લીગલ ઑફિસમાં સરકારી વકિલો નિયમિત આવતા. લીગલ એડની સહાય માગતા કેદીઓના પ્રશ્ન નીતિનકાકા તેમને સમજાવતા અને તેમના કાગળો તૈયાર કરાવી આપતા. આ કામની કાકાને પણ મજા આવતી હતી.
તે દિવસે ગોપાલે બંધી અમલદારને કહ્યું, “મારે અપીલ કરવા માટે રજા મૂકવી છે.”
બંધી અમલદાર સમજુ હતો. તેણે પૂછ્યું, “લીગલ ઑફિસમાં જવું છેને?”
ગોપાલે હા પાડી એટલે તેણે આંખનો ઇશારો કરી જવાની મંજૂરી આપી. ગોપાલ તિલકયાર્ડમાં આવેલી લીગલ ઑફિસ તરફ ચાલવા લાગ્યો. તેના મનમાં નીતિનકાકાનો વિચાર આવ્યો. બધા કહેતા હતા કે, કાકા ગુસ્સાવાળા અને ખતરનાક માણસ છે. ગોપાલને ડર પણ લાગી રહ્યો હતો. તે તિલકયાર્ડમાં દાખલ થયો, ડાબી તરફ ખૂણામાં એક જાળીવાળી ઑફિસ હતી. ગોપાલ ત્યાં પહોંચ્યો. ‘કાનુની સેવા સત્તા મંડળની ઑફિસ’ તેવું બોર્ડ પણ હતું.
ઑફિસમાં કામ કરતા કેદીઓ પોતાના કામમાં વ્યસ્ત હતા. કોઈનું ધ્યાન ગોપાલ તરફ નહોતું. ગોપાલે તરત પોતાના માથા પર પીળી ટોપી પહેરી. તેણે જોયું તો, ઑફિસની અંદર એક ટેબલ હતું. ખુરશી ઉપર પર એક કદાવર માણસ બેઠો હતો. તેણે કેદીના જ સફેદ કપડાં પણ પહેર્યા હતા. પેટ એટલું મોટું હતું કે, ટેબલને અડી રહ્યું હતું. ચહેરો ગોળ અને ભરાવદાર હતો. આંખે ચશ્મા પણ ખરા. ગોપાલને સમજતા વાર ન લાગી કે, આ જ નીતિનકાકા છે.
નીતિનકાકાનું ધ્યાન હજી ગોપાલ તરફ ગયું નહોતું. કાકા એમની બાજુની ખુરશીમાં બેઠેલા કોઈ જુનિયર વકીલને કોઈનો કેસ સમજાવી રહ્યા હતા. ગોપાલ બધું જોતો ઊભો રહ્યો. લગભગ દસેક મિનિટ પછી વકીલ નીકળ્યા. કાકાનું ધ્યાન ગોપાલ તરફ ગયું. કાકા અને ગોપાલ પહેલી વખત મળી રહ્યા હતા. કાકાએ પોલીસની સ્ટાઇલમાં ગોપાલને ઉપરથી નીચે સુધી જોયો. આંખની ભંવરો ઊંચી કરીને પૂછ્યું, “શું?”
ગોપાલ ડરતાં ડરતાં ટેબલ સુધી આવ્યો. તેણે કહ્યું, “કાકા, અરજી કરવી છે.”
નીતિનકાકા એની આંખોમાં જ જોઈ રહ્યા. ગોપાલે કહ્યું, “કાકા, હમણાં જ સજા પડી છે. અપીલ કરવી છે. ઘરે અપીલ કરી શકે એવું કોઈ નથી એટલે મારે જ બહાર જઈને અપીલ કરવી પડશે. એના માટે રજા લેવી છે.”
કાકાએ પૂછ્યું, “નામ?”
“ગોપાલ.”
“કયો કેસ?”
“ફેક કરન્સી.”
“કેટલી સજા?”
“દસ વર્ષ.”
“ક્યારે સજા થઈ?”
“દસ દિવસ થયા.”
કાકા એક પછી એક પ્રશ્ન પૂછતા ગયા. ગોપાલ જવાબ આપતો ગયો. કાકાએ કંઈક વિચાર કરીને કહ્યું, “હજી તો દસ દિવસ પહેલાં જ આવ્યો છે અને બહાર જવાની બહુ ઉતાવળ છે?”
ગોપાલને આ ગમ્યું નહીં. કાકાએ દૂરના ટેબલ પર કામ કરતાં એક કેદીને બૂમ પાડીને કહ્યું, “બ્રિજેશ… કેટલા વર્ષથી જેલમાં છે?”
પેલા કેદીએ કહ્યું, “કાકા, સાત વર્ષ થયા.”
કાકાએ એક હળવું સ્મિત આપતાં મોટેથી કહ્યું, “લો, આ ભાઈને દસ દિવસ જ થયા, પણ ઘરે જવાની ઉતાવળ છે.”
કાકાની વાત સાંભળી બધા કેદી હસવા લાગ્યા. ગોપાલને બહુ અપમાન જેવું લાગ્યું. કાકાએ ઊભા થતાં કહ્યું, “શું ઉતાવળ છે? આવતીકાલે આવજે. અત્યારે બધા કામમાં છે.”
(ક્રમશઃ)
PART 42 : સલીમે કહ્યું આ મેલડીમાતાનું મંદિર છે બહુ સત છે કેદીઓ અહિયા જે બાધા રાખે તે પુરી થાય
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








