પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-42): બંદી અમલદારે જોયું કે બાબલા ગેંગના બધા કેદીઓ પાસે સાવરણા આવી ગયા છે. તેણે સૂચના આપી, તમે બડા ચક્કર તરફ, તમે છોટા ચક્કર તરફ, તમે શાંતિ તરફ, તમે પંજા બેરેક તરફ, ગોપાલ અને સલીમ ઊભા હતા તેમના ભાગે પંજા બેરેક આવી હતી. આ બધા બેરેકના નામ હતા. ગોપાલ આખી સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, સલીમે તેના હાથને સ્પર્શ કર્યો અને ઈશારો કરતા કહ્યું પેલુ મંદિર દેખાય છે તે મેલડી માતાનું મંદિર છે, બહુ સત છે, કેદીઓ અહિયા જે બાધા રાખે તે પુરી થાય છે, ગોપાલે આશ્ચર્યથી તેની સામે જોયું સલીમે કહ્યું છ-સાત વર્ષ પહેલા હું પ્રોહીબીશન કેસમાં અહિયા આવ્યો હતો એટલે મને ખબર છે. સલીમ અને ગોપાલ વાત કરી રહ્યા હતા તે બંદી અમલદારના ધ્યાનમાં આવ્યું તેણે બુમ પાડતા કહ્યું ભાઈ તમારી વાત પુરી થઈ હોય તો કામે ચાલો. જુના કેદીઓ હતા તેમને પંજા બેરેક ક્યાં આવી તે ખબર હતી. બધાની પાછળ ગોપાલ અને સલીમ ચાલવા લાગ્યા. ગોપાલનું મન હજી મેલડી માતાના મંદિરમાં અટકેલું હતું. ગોપાલે મંદિર તરફ જોઈ દુરથી જ માથું નમાવ્યું, ચાલતા ચાલતા તે જેલ જોઈ રહ્યો હતો, કેન્ટીનથી થોડો આગળ નીકળ્યો ત્યારે તેનું ધ્યાન ડાબી બાજુમાં બેઠેલા જેલના અધિકારીઓ તરફ ગયું. બેઠા ઘાટની નળીયાવાળી ઓફિસ હતી, બહાર ઓસરી જેવું હતું તેની ઉપર પણ છાપરું હતું ત્યાં અધિકારીઓ ટેબલ ખુરશી નાખી બેઠા હતા.
તેમની નજર ત્યાંથી પસાર થતાં કેદીઓની અવરજવર પર હતી, સલીમે કહ્યું આ પેટી છે, ગોપાલે તેની સામે જોયું જેલનું પોલીસ સ્ટેશન કહેવાય કોઈ દંગો કરે તો તેને પકડી અહિયા લાવવામાં આવે છે, પેટી આવતા બધા કેદીઓએ પોતાની ટોપી પહેરી લીધી કારણ ખુલ્લા માથે ફરવું જેલમાં અપરાધ ગણવામાં આવે છે. ગોપાલને યાદ આવ્યુ તે જેલમાં દાખલ થયો ત્યારે આ જ રસ્તા ઉપરથી અંદર આવ્યો, હતો, પેટીની બરાબર સામે એક ખુલ્લુ મેદાન અને ત્યાં એક મંચ હતો તેની ઉપર લખ્યુ હતું ઓપનએર થીયેટર.
આગળ જતાં ડાબી બાજુની પગદંડીની પાસે એક દરવાજો હતો જેમાંથી એક સાથે બે માણસ સાથે પ્રવેશી શકે એટલો નાનો હતો, તેની ઉપર લખ્યુ હતું દરજી ખાતુ જેલમાં જે રીતે કેદીઓ પોતાના રોજબરોજના કામ માટે ફરતા હતા તેને જોઈ બહારના માણસને લાગે નહીં કે આ જેલ છે, પણ તેમની આ મુક્તતા જેલની ઊંચી દીવાલોની અંદરની જ હતી. પંજા બેરેક તરફ તેઓ આગળ વધ્યા ત્યારે ડાબી બાજુ ફરી એક નાનો દરવાજો જોયો, તેની ઉપર લખ્યું હતું ટીળક યાર્ડ, ગોપાલ વિચાર કરવા લાગ્યો તેને યાદ આવ્યુ કે આઝાદીની લડાઈ વખતે આ જેલમાં ઘણા મોટા લોકોને રાખવામાં આવ્યા હતા, ટીળક યાર્ડની દીવાલ ઉપર જ એક નાનુ બોર્ડ હતું તેની ઉપર લખ્યું હતું કાનુની સત્તા મંડળની ઓફિસ, આ બોર્ડ વાંચતા તરત ગોપાલને ચમકારો થયો હજી ગઈ રાતે જ તેણે વિચાર કર્યો હતો કે તેને રજા ઉપર બહાર જવું છે, તેને થોડી સમજ આવી હતી કે જેલમાંથી કોઈ કેદીને કોર્ટમાં જવું હોય તો લીગલ ઓફિસમાંથી તેણે અરજી કરવાની હોય છે.
ગોપાલને આ ઓફિસ જોતા જાણે ફરી એક આશાનું કિરણ દેખાયું હોય તેમ તેણે નક્કી કર્યું કે તે આ ઓફિસમાં આવી રજાની અરજી કરશે. સલીમ તેને જોઈ હસ્યો, તે માની રહ્યો હતો કે ગોપાલ હજી નાના બાળક જેવો જ છે, જેલની બધી ઓફિસ પુરી થઈ અને ડાબી બાજુ રસ્તો વળતો હતો. હવે જેલની બે દીવાલો હતી એક બહારની ઊંચી દીવાલ અને ત્યાર પછી એક રસ્તો હતો અને રસ્તા પછી પાછી એક દીવાલ હતી, આ બંન્ને વચ્ચેનો રસ્તો પંજા બેરેક તરફ જઈ રહ્યો હતો. જુના કેદીઓ પોતાની ગમ્મત મસ્તીમાં ચાલતા હતા, ગોપાલ બહારની ઊંચી દીવાલ અને તેની ઉપર લાગેલા ઈલેકટ્રીક વાયરોને જોઈ રહ્યો હતો, આ જોઈ સલીમને ગમ્મત સુઝી તેણે ગોપાલને પુછ્યું ભાગવાનો ઈરાદો છે? સલીમનો પ્રશ્ન સાંભળી ગોપાલ પણ હસી પડયો, તે થોડો નજીક આવ્યો અને હસતા હસતા જવાબ આપ્યો દીવાલો ઉપર વાયર જોયા? મરવુ છે? બંન્ને હસી પડ્યા.
તરત ડાબી તરફ એક મોટુ મકાન નજરે પડ્યું, આ મકાન પણ છાપરા વાળુ હતું પણ તેની છત ખુબ ઊંચી હતી, બધા કેદીઓ તે મકાનમાં દાખલ થયા, ગોપાલે પહેલા તો મકાનની અંદર નજર કરી તો મોટા હોલ જેવુ મકાન હતું, બરાબર સામે એક સ્ટેજ પણ હતું સ્ટેજની બાજુમાં ગાંધીની અડધા કદની એક પ્રતિમા હતી, દીવાલો ઉપર સુવિચારો લખેલા હતા. ગોપાલને લાગ્યું કે જેલની આ કોઈ ખાસ જગ્યા છે કારણ અહિયા એક જુદી જ અનુભુતિ થતી હતી. બધા કેદીઓ કામ કરવા લાગ્યા, સલીમ અને ગોપાલે પણ મકાનનો એક હિસ્સો પસંદ કરી જાડુ મારવાની શરૂઆત કરી, ગોપાલને આ કામની ટેવ નહીં હોવાને કારણે થોડી થોડી વારે તેની વાંકી વળી ગયેલી કમર તે ઉભો થઈ સીધી કરતો હતો. સલીમ આ બધુ જોઈ ગોપાલને ખબર પડે નહીં તેવી રીતે હસી લેતો હતો. બધા એક સાથે પંજા બેરેક સાફ કરી રહ્યા હતા જેના કારણે પંજા બેરેકમાં ધૂળ ઉડી રહી હતી, ગોપાલને લાગ્યું કે અહિયાથી બહાર નીકળી જાય પણ પાછી ત્યાં હાજર બંદી અમલદારની તેને બીક લાગી. ગોપાલને ગોવિંદભાઈ યાદ આવી ગયા પાલનપુર જેલમાં તો ભાઈને કારણ ક્યારેય આવું કામ કરવું પડ્યું નહોતું, કામ કરતા કરતા બપોરના બાર વાગી ગયા. એટલે હવે રીસેસનો સમય હતો જે કેદીઓ સવારે જમીને આવ્યા હતા તેમણે તો પંજા બેરેકની બહાર આવેલા લીમડાના ઝાડ નીચે લંબાવી દીધુ હતું, બાબલા ગેંગના કેદીઓને છૂટ હતી કે દિવસ દરમિયાન કામ પુરુ કરી તેઓ ઈચ્છે ત્યાં આરામ ફરમાવી શકતા હતા. ગોપાલ અને સલીમનું જમવાનું બાકી હતું, સલીમે કહ્યું બેરેક ઉપર જઈશું?
ગોપાલ અને સલીમ જમવા માટે પોતાની બેરેક ઉપર પાછા ફરી રહ્યા હતા, પાછા ફરતી વખતે ગોપાલનું ધ્યાન ફરી ટીળક યાર્ડ અને લીગલ ઓફિસ તરફ ગયું, સલીમે તેનું ધ્યાન ત્યાંથી હટાવવા કહ્યું આ તરફ જો, ટીળક યાર્ડની બરાબર સામે એક દરવાજો હતો તે દરવાજો બંધ હતો બહાર એક પોલીસવાળો બેઠો હતો દરવાજા ઉપર લખ્યુ હતું મહિલા યાર્ડ. ગોપાલે સલીમ સામે જોતા કહ્યું મને કેમ બતાડે છે? સલીમ હસી પડયો, તેને લાગ્યું કે ગોપાલ બીજો અર્થ કાઢી રહ્યો છે, તેણે કહ્યું આ મહિલા યાર્ડ છે, મહિલા કેદી રહે છે માટે તને બતાડતો નથી. અંદર કસ્તુરબા ખોલી છે, ગોપાલે ફરી સલીમ સામે જોયું સલીમે કહ્યું કસ્તુરબા… વાઈફ ઓફ મહાત્મા ગાંધી, ગોપાલને ગુસ્સો આવ્યો તેણે કહ્યું ખબર છે મને કસ્તુરબા કોણ હતા. ફરી બંન્ને હસી પડ્યા. પોતાની બાબલા બેરેક ઉપર પહોંચી ગોપાલ અને સલીમે પહેલા હાથ-પગ મોઢું ધોયું કારણ તેઓ આખા માટીવાળા થઈ ગયા હતા, ગોપાલને થાક પણ લાગ્યો હતો ઘરે તો પાણીનો ગ્લાસ આપવા મમ્મી અને નીશી હતા એટલે આવું કામ તો તેના ભાગે ક્યારેય આવ્યું જ નહોતું. ગોપાલ અને સલીમ સાથે જમ્યા, જમ્યા પછી તો સલીમે તરત લંબાવી દીધું, ગોપાલને પણ ઉંઘ આવી રહી હતી પણ તેનું મન લીગલ ઓફિસમાં જવાનો મોકો ક્યારે મળશે તેનો વિચાર કરી રહી રહ્યો હતો.
(ક્રમશઃ)
PART 41 : તે રાતે ગોપાલને ખુબ બીક લાગી, ઠંડો પવન હતો બધા કેદીઓએ સફેદ ચાદર માથા સુધી ઓઢી હતી
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.