નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ કુખ્યાત ગેંગસ્ટર વિશાલ ગોસ્વામી સાથે ઘણા ગુનાઓ આચરી ચુકેલા શખ્સ મનીષ ગોસ્વામીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુભાષબ્રીજ પાસેથી ધરપકડ કરી છે. અમદાવાદના એક વ્યક્તિને રૂપિયા આપવા બાબતે ધાકધમકી આપતા આ શખ્સ સામે વધુ એક ગુનો નોંધાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડી ચાંદખેડા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
અમદાવાદના તપોવન હાઈવે રોડ મોટેરા ખાતે રહેતા હર્ષ અરવિંદકુમાર અગ્રવાલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે આરોપી અંકિત શાહે શેરબજારમાં રોકાણ કરવાનું જણાવી વર્ષ 2021માં રૂ. 42 લાખનું રોકાણ કરાવ્યું હતું. રોકાણ સામે કોઈ હિસાબ પણ આપ્યો નહોતો અને નુકસાન ગયું હોવાનું જણાવી સવા કરોડ રૂપિયા આપવાના નીકળે છે તેવું કહ્યું હતું. અંકિતે આવું કહી હર્ષભાઈની દુકાનમાંથી ચેકબુકમાં સહીઓ કરાવી ચેક બાઉન્સ કરાવી નોટિસ તેમના સરનામે મોકલાવી હતી. આ બાબતે બંને વચ્ચે પંચલોક ચાર રસ્તા પાસે અંકિત શાહ અને મનીષ ગોસ્વામી જે વિશાલ ગોસ્વામીનો સાથીદાર હતો. તેમની વચ્ચે ઝઘડો થયો હતો. તેમની સાથે અન્ય એક શખ્સ પણ હતો. ઝઘડો થયા પછી ચપ્પુ બતાવી રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ ફરિયાદ મળતા જ આખી બાબત સમજી ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમવીરસિંહ અને ના. પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકે આરોપીઓને તાત્કાલીક શોધી કાર્યવાહી કરવાની સૂચના સ્ટાફને આપી હતી.
તેમની સૂચનાને આધારે પીઆઈ એચ એમ વ્યાસે તેમના માર્ગ દર્શન હેઠળ એક ટીમ તૈયાર કરી જેમાં પીએસઆઈ આઈ એમ ઝાલા, એએસઆઈ જગ્દીશભાઈ અળવેશ્વરબાઈ અને હે. કો. મહિપાલ સુરેશભાઈએ કાર્યવાહી શરૂ કરી. દરમિયાન પીઆઈ વ્યાસને ચોક્કસ બાતમી મળી જેના આધારે તેમણે કામ કરતાં આખરે સુભાષબ્રીજ રિવરફ્રન્ટ પાસે મનીષ ગોસ્વામી આરામથી ઊભો હતો તેને ગંધ પણ આવે નહીં તે રીતે પોલીસે ઝડપી પાડ્યો. મૂળ મધ્યપ્રદેશનો વતની અને અમદાવાદના ગોતા વિસ્તારમાં પરિવાર હોમ્સમાં રહેતા મનીષ શ્રીનિવાસ નવલગીરી ગોસ્વામીને ઝડપી પોલીસે તેને ચાંદખેડા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
આ આરોપી વર્ષ 2010થી 14 દરમિયાન અમદાવાદ, નવસારી, મધ્યપ્રદેશ વગેરે ખાતે મર્ડર, લૂંટ વીથ મર્ડર તથા અપહરણ અને ચોરી જેવા 15 જેટલા ગુનાઓમાં પકડાયેલો છે. કુખ્યાત ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીની ગેંગમાં અગાઉ ગુનાઓ આચરતો હતો. વિશાલ ગોસ્વામી સાથે પણ તેણે ઘણા ગુનાઓને અંજામ આપ્યો હતો. અગાઉ તે સાડા છ વર્ષ જેટલો સમય સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ રહ્યો હતો પણ 2020માં જામીન પર છૂટ્યા પછી પણ તેણે ગુનાહીત પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












