પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-37): Nadaan Series: (બે વર્ષ પછી) ગોપાલ અને સલીમને જેલમાં બે વર્ષ થઈ ગયા. આ બે વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું હતું. ગોપાલને લાગી રહ્યું હતું કે, જેલમાં આવ્યા પછી જિંદગી થંભી ગઈ છે. કેસ થયો એના ત્રણ મહિના પછી ફરી વખત જામીન અરજી કરવામાં આવી હતી, પણ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી. કોર્ટનું કહેવું હતું કે, ગુનો ગંભીર છે. સલીમની સલાહ હતી કે, બીજી વાર હાઇકોર્ટ જવાનો કોઈ અર્થ નથી. તેનો મત હતો કે, એક વખત ટ્રાયલ ચાલી જાય એટલે આપણે બહાર નીકળી જઈશું. આમ પણ આપણા કેસમાં કોઈ પુરાવા નથી.
આમ કરતાં કરતાં જેલમાં બે વર્ષ પસાર થઈ ગયા. કોર્ટની તારીખો પડતી ગઈ. દર મુદતે પોલીસ ગોપાલ અને સલીમને કોર્ટમાં લઈ જતી. કોર્ટમાં મમ્મી, પપ્પા અને નિશીને મળવાનું થતું. ક્યારેક નિશીના પપ્પા પણ આવતા હતા. જોકે તેઓ ક્યારેય ગોપાલ સાથે વાત કરતા નહોતા. ગોપાલ તેમની સામે જુએ તો પણ તે નજર ફેરવી લેતા.
રાકેશ મમ્મી, પપ્પા અને નિશીને મળવા તથા ખબર પૂછવા નિયમિત ઘરે જતો; પણ તે ક્યારેય ગોપાલને મળવા જેલ પર કે કોર્ટમાં આવ્યો જ નહીં. નિશી કહેતી કે, તે જ્યારે પણ આવે ત્યારે તારા સમાચાર પૂછે છે.
પોલીસે ગોપાલ અને સલીમ સામે જે પુરાવા હતા તે અને સાક્ષીઓ કોર્ટ સામે રજૂ કર્યા હતા. જ્યારે ગોપાલ અને સલીમે તેમના વકીલની સલાહ પ્રમાણે, “તેમની ઉપર પોલીસ દ્વારા ખોટો કેસ કરવામાં આવ્યો છે.” તેવું કોર્ટને જણાવ્યું હતું.
કોર્ટની બધી જ કાર્યવાહી પૂરી થઈ ગઈ હતી. આજે એમના કેસનો ચુકાદો આવવાનો હતો એટલે પોલીસ ગોપાલ અને સલીમને કોર્ટમાં લઈ આવી હતી. ગોપાલ અને સલીમ કોર્ટના કઠેડામાં ઊભા હતા. ગોપાલની નજર મમ્મી, પપ્પા અને નિશી તરફ હતી. મમ્મીના હોઠ ફફડી રહ્યા હતા. ગોપાલ સમજી ગયો કે, મમ્મી નક્કી હનુમાન ચાલીસા બોલતી હશે. મમ્મી જ્યારે પણ ટેન્શનમાં હોય ત્યારે હનુમાન ચાલીસા બોલતી. હજી જજ ડાયસ પર આવ્યા નહોતા. કોર્ટમાં આવનારા લોકો જે રીતે ગોપાલ અને સલીમ સામે જોતા હતા, તે નજર નિશીને ખટકી રહી હતી.
જજનો પટાવાળો ચેમ્બરની બહાર આવ્યો. તેણે જાહેરાત કરી કે, “જજ આવી રહ્યા છે.”
કોર્ટનો સ્ટાફ અને કોર્ટમાં બેઠેલા પોલીસવાળા સહિત બધા જ પોતાની જગ્યા પર ઊભા થઈ ગયા. જજ આવ્યા અને પોતાના ટેબલને વંદન કરીને ખુરશીમાં બેઠા. તેમણે એક નજર ફેરવીને આખી કોર્ટ જોઈ લીધી. તેમનો પીએ આવ્યો. તેણે જજ સાહેબના ટેબલ પર એક ફાઇલ મૂકી.
કોર્ટમાં પોલીસ તરફથી સરકારી વકીલ અને ગોપાલ તથા સલીમ તરફથી પણ એક વકીલ હાજર હતા. જજે બંને વકીલો તરફ જોયું. સરકારી વકીલે ગોપાલ અને સલીમ તરફ ઇશારો કરતાં કહ્યું, “લોર્ડશીપ, આરોપીઓ આવી ગયા છે.”
જજે કઠેડામાં ઊભા રહેલા ગોપાલ અને સલીમ સામે જોયું. તેમની નજરમાં કોઈ ભાવ નહોતો. તેમણે ટેબલ પર પડેલી ફાઇલ ઉપાડી. અંદર રહેલા કાગળોમાંથી છેલ્લું પાનું ખોલ્યું. તેમણે કેસ નંબર, ગોપાલ અને સલીમનું આખું નામ મોટેથી વાંચ્યા. નામ બોલીને ફરી તેમણે ગોપાલ અને સલીમ સામે જોયું. ગોપાલનું હૃદય બુલેટ ટ્રેનની ગતિએ દોડી રહ્યું હતું. આમ તો તેને છેલ્લાં અઠવાડિયાથી ભૂખ પણ લાગતી નહોતી અને ઊંઘ પણ આવતી નહોતી. જ્યારે તેણે સાંભળ્યું કે, કોર્ટ તેના કેસનો ચુકાદો આપવાની છે, ગોપાલે ત્રાંસી આંખે સલીમ સામે જોયું. સલીમ અને ગોપાલની નજર એક થઈ. જાણે સલીમ કહી રહ્યો હતો કે, શાંતિ રાખ. સૌ સારા વાના થશે.
જજે ચુકાદો વાંચવાની શરુઆત કરી, “સરકારી વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા પુરાવા અને સાક્ષીઓના નિવેદનને કોર્ટે ધ્યાને લીધાં છે. બચાવ પક્ષના વકીલ દ્વારા પણ જે મુદ્દાઓ રજૂ થયા તે તમામ બાબતો કોર્ટે ધ્યાનમાં લીધી છે. તમામ બાબતો ધ્યાનમાં લેતાં કોર્ટ માને છે કે, ગોપાલ અને સલીમ કસુરવાર છે.”
જજે ગોપાલ અને સલીમ સામે જોયું. કસુરવાર શબ્દ સાંભળતા જ ગોપાલને લાગ્યું કે, હમણાં એનું હૃદય ફાટી જશે. સલીમે તેનો હાથ પકડ્યો. ગોપાલે મમ્મી-પપ્પા અને નિશી સામે જોયું. નિશી અને મમ્મીની આંખ તરત ભીની થઈ ગઈ. પપ્પા ગુમસુમ હતા. નિશી અને તેનાં પપ્પાના ચહેરા પર કોઈ જ ભાવ નહોતો.
જજ સાહેબે ચુકાદો આગળ વાંચતાં કહ્યું, “કોર્ટ માને છે કે, આ કેસનો મુખ્ય આરોપી ગોપાલ છે. આ કામના મુખ્ય આરોપીને મદદ કરવાનું કામ, આરોપી નંબર બે સલીમ દ્વારા કરવામાં આવ્યું છે. આમ, સલીમની મદદગારી પણ કોર્ટને માલુમ પડી છે. આ કેસના બંને આરોપીનું કૃત્ય દેશવિરોધી કૃત્ય છે તેવું કોર્ટ માને છે. કારણ કે બનાવટી ચલણી નોટોને બજારમાં ફરતી કરવાને કારણે ભારતનું અર્થ તંત્ર તૂટી જાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.”
જજના એક એક શબ્દો ગોપાલના હૃદયની આરપાર નીકળી રહ્યા હતા. ગોપાલને મનમાં થયું કે, ચીસ પાડી કોર્ટને કહી દે કે, સાહેબ જલદી બોલો, કેટલી સજા કરવામાં આવી છે? પણ જજ તમામ પ્રોસિજર પૂરી કરી રહ્યા હતા.
જજ ચુકાદાની અંતિમ લાઈન વાંચવાના હતા. તે પહેલાં તેમણે ગોપાલ અને સલીમ સામે જોયું કે, તેમના પર ચુકાદાની શું અસર થઈ રહી છે? જજે છેલ્લું વાક્ય પૂરું કરતાં કહ્યું, “કોર્ટ આરોપી નંબર એક ગોપાલને દસ વર્ષની સખત કેદ અને આરોપી નંબર બે સલીમને પણ દસ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરે છે.”
સજાનો હુકમ થતાં ગોપાલના પપ્પા ઊભા થઈને કોર્ટની બહાર જતા રહ્યા. ગોપાલ પણ પોતાના આંસુ રોકી શક્યો નહીં. તે માની રહ્યો હતો કે, તે છૂટી જશે, પણ હવે જિંદગીના બાકીના આઠ વર્ષ પણ તેને જેલની ઊંચી દિવાલો પાછળ જ કાઢવાના હતા. કોર્ટે ચુકાદા પછી ગોપાલ અને સલીમને પૂછ્યું, “તમારે કંઈ કહેવું છે?”
ગોપાલનું મન કહી રહ્યું હતું કે, હવે કહેવા જેવું શું છે? તેની આંખમાં આંસુ સિવાય કંઈ જ નહોતું. સલીમે હાથ જોડીને કહ્યું, “ના સાહેબ.”
પોલીસ તેમની પાસે આવી તેમને કઠેડામાંથી બહાર લાવી. કોર્ટરૂમની બહાર ઊભા રાખી હાથકડી પહેરાવી અને કોર્ટની બહાર લઈ ગઈ.
મમ્મી અને નિશી પણ બહાર આવ્યાં. પોલીસે આવી ઘટનાઓ અનેક વખત જોઈ હતી. તેઓ ખાખીમાં હતા, પણ તેમને માણસમાં ચાલતી ગડમથલની ખબર સારી પેઠે પડતી હતી. એક પોલીસવાળાએ નિશી અને મમ્મીને કહ્યું, “તમારે મળવું હોય તો મળી લો.”
મમ્મી અને નિશી ગોપાલ પાસે આવ્યાં અને ગોપાલને વળગી પડ્યાં. ત્રણેની આંખમાં આંસુ હતાં અને શબ્દો સુકાઈ ગયા હતા. એક પોલીસવાળો સલીમને સાથે લઈ થોડેક દૂર જઈને ઊભો રહ્યો. તેણે ઊંધા ફરી આંખના ખૂણા સાફ કર્યા. તે એટલે નહોતો રડયો કે, તેને સજા થઈ હતી. તેની આંખમાં આંસુ એટલા માટે આવ્યા હતા કે, તેના માટે રડનારું કોઈ નહોતું. થોડીવારમાં પોલીસ તેમન પ્રિઝનરવાનમાં બેસાડી પાલનપુર જેલ પર જવા રવાના થઈ. પણ ગોપાલને પપ્પા ક્યાંય નજરે પડ્યા નહીં.
(ક્રમશઃ)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








