પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-36): Nadaan Series: મારી જિંદગીમાંથી અચાનક બંસરી જતી રહેશે! એવી મને ક્યારેય કલ્પના જ નહોતી. મને મારી ડરપોક જાત પર ગુસ્સો અને શરમ આવી રહ્યાં હતાં. બંસરી મારી હતી. એવું હું કોઈને કહી પણ શકતો નહોતો. મારે રડવું હોય, તો પણ એકાંતની જરૂર પડતી હતી. હું અંદરને અંદર મરી રહ્યો હતો. મને અનેક પ્રશ્ન કોરી ખાતા હતા, ત્યાં શું બન્યું હતું? બંસરીએ કેમ આવો નિર્ણય લીધો? તેના જવાબ મારી પાસે નહોતા.
મારા મિત્ર વિરાજને એ વિસ્તારમાં ઘણા લોકો સાથે સંપર્ક હતા. એ સમાચાર લાવ્યો હતો કે, બંસરીનાં જ્યાં બાળ લગ્ન થયાં હતાં ત્યાં તેને વળાવવાની હતી. બંસરીએ પોતાના ભાઈને કહી દીધું હતું કે, હું ગોવિંદને પ્રેમ કરું છું. એટલે એના ભાઈએ તેને ખૂબ મારી હતી. તે રાત્રે જ બંસરીએ પોતાના રૂમમાં લટકી જઈને આત્મહત્યા કરી લીધી હતી.
આ જાણ્યું ત્યારે મને લાગ્યું કે, બંસરીના મોતનું કારણ હું જ છું. હું પોતાને દોષિત માનવા લાગ્યો હતો. બેંકની નોકરીમાં પણ મારું ધ્યાન રહેતું નહોતું. બેંકમાં કોઈપણ છોકરી આવે તો મને લાગતું કે, બંસરી આવી છે. હું કામમાં બેધ્યાન રહેવા લાગ્યો. બેંકના કામમાં ભૂલો થવા લાગી. મારી જિંદગી જાણે નર્ક બની ગઈ હોય તેવું મને સતત લાગ્યા કરતું. મને કંઈ જ સૂઝતું નહોતું.
તે દિવસે હું બજારમાં ખરીદી કરવા નીકળ્યો હતો. હું દુકાનમાં ખરીદી કરી રહ્યો હતો, ત્યારે મારું ધ્યાન ચાની લારી પર પડ્યું. બંસરીનો ભાઈ ત્યાં બેઠો હતો. એનું ધ્યાન મારી તરફ નહોતું. એ એના મિત્રો સાથે ગપાટા મારી રહ્યો હતો. એને જોઈ મને ગુસ્સો આવ્યો. એની બહેન મરી ગઈ, તે વાતની એના પર કોઈ અસર દેખાતી નહોતી. બંસરીનાં મોત માટે એ જ જવાબદાર હતો. મારી અંદર રહેલા ડરપોક માણસે મને પડકાર્યો. તેણે મને કહ્યું, “તું બાયલો છે. આ જ માણસે તારી બંસરીને મારી નાખી છે. અને તું આમ એને જોઈ રહ્યો છે?”
અચાનક મને શું થઈ ગયું! એ આજે પણ યાદ નથી. મારું ધ્યાન રસ્તાના કિનારે પડેલી ઈંટ પર પડ્યું. મેં ઈંટ ઉપાડી અને દોડતો એની તરફ ગયો. હું નજીક પહોંચ્યો ત્યારે, મને એણે જોયો ખરો, પણ એ કંઈ સમજે એ પહેલાં જ કચકચાવીને તેના માથા પર ઈંટ ફટકારી દીધી. લોહીનો ફુવારો ઉડ્યો અને એ ત્યાં જ ઢળી પડ્યો.
એ હિંમતનગરનો ડોન હતો. મેં તેને ભર બજારે માર્યો હતો. પણ માર્યા પછી હું ખૂબ ગભરાઈ ગયો અને મુઠ્ઠી બંધ કરીને ભાગી ગયો. મેં જે કર્યું તેની ગંભીરતાની મને કલ્પના જ નહોતી. હું એ દિવસે ઘરે નહોતો ગયો. લગભગ અડધો કલાક પછી મને વિરાજનો ફોન આવ્યો. એ ખૂબ ગભરાયેલો હતો. એણે મને પૂછ્યું, “ગોવિંદ તે આ શું કરી નાખ્યું?”
મેં પૂછ્યું, “શું થયું?”
તેણે મને કહ્યું, “બંસરીનો ભાઈ મરી ગયો.”
બામણનો દીકરો ખૂન કરે! એ વાત કોઈ માનવા જ તૈયાર નહોતું. હું પાંચ સાત દિવસ ભાગતો રહ્યો. પછી વિરાજે પોતાની ઓળખાણ લગાવી મને પોલીસ સ્ટેશનમાં હાજર કર્યો. ત્યાં મેં જોયું તો પોલીસ સ્ટેશનમાં જુદો જ માહોલ હતો. મારી સાથે કોઈ ખરાબ વ્યવહાર કરતું નહોતું. બધા મને કંઈક જુદી જ નજરથી જોતા હતા. જેનું કારણ મને પછી ખબર પડી કે, મેં ડોનનું મર્ડર કર્યું હતું.
મારા બાપા ખૂબ દુઃખી હતા. તેમણે તો પોલીસ સ્ટેશન આવવાની જ ના પાડી. પહેલાં તો એ માનવા જ તૈયાર નહોતા કે, હું કોઈને લાફો પણ મારી શકું! બેંકનો સ્ટાફ પણ કહેતો હતો કે, મહારાજ આવું કરે જ નહીં; પણ મેં ખૂન કર્યું હતું એ હકીકત હતી. મને હિંમતનગર જેલમાં લઈ જવામાં આવ્યો. ખૂન કરીને આવનાર કેદીનું જેલમાં પણ એક અલગ સ્ટેટસ હોય છે. બે વર્ષ હિંમતનગર જેલમાં રહ્યો મારો કેસ ચાલી ગયો અને કોર્ટે મને જન્મટીપની સજા ફટકારી. ત્યાંથી હું અમદાવાદ જેલ ગયો.
અમદાવાદ જેલમાં જોબલા દાદા નામનો એક કેદી હતો. જેલના પૈસાદાર કેદીઓને ત્રાસ આપી ખંડણી ઉઘરાવતો હતો. આખી જેલમાં એનું કોઈ નામ ન લે. તેના નેતાઓ સાથેના સંબંધ હોવાને કારણે જેલ પોલીસ પણ તેને સલામ ભરતી હતી.
એક દિવસ મેં જોયું તો, જોબલો એક કેદીને ફટકારી રહ્યો હતો. કારણ એવું હતું કે, તેણે જોબલાના કપડાં ધોવાની ના પાડી હતી. હું ત્યાં ગયો. મેં જોબલાને સમજાવતાં કહ્યું, “ભાઈ, મારીશ નહીં એને.”
એણે તો મને લાફો મારી દીધો! બસ, બીજી વખત પિત્તો ગુમાવ્યો અને એનો હાથ જ તોડી નાખ્યો.”
ગોવિંદ થોડો રોકાયો અને ગોપાલ સામે જોઈને કહ્યું, “કદાચ તારે એને મળવાનું થશે. જોબલાને માર્યો એટલે મારી જેલ બદલી કરીને અહીં પાલનપુર જેલમાં મોકલી દેવામાં આવ્યો. પહેલાં બહાર મને લોકો ડોન સમજવા લાગ્યા હતા. જેલમાં જોબલાને માર્યો એટલે જેલમાં પણ લોકો મને ડોન સમજવા લાગ્યા.”
પછી તેણે ગોપાલને પૂછ્યું, “તું મને ગમે છે, તેનું કારણ ખબર છે?”
ગોપાલે માથું હલાવી ના પાડી. ગોવિંદે કહ્યું, “હું પહેલાં તારા જેવો જ સીધો અને ડરપોક હતો. હું જ્યારે તને જોઉં છું, ત્યારે મને મારી જૂની જિંદગી યાદ આવે છે.”
સલીમે પૂછ્યું, “બાપુજીની નારાજગી દૂર થઈ કે નહીં?”
સવાલ સાંભળતાં જ ગોવિંદની આંખો બંધ થઈ ગઈ. થોડીવાર શાંત રહ્યા પછી કહ્યું, “હું ખૂની છું. એ વાત તેઓ સ્વીકારી શક્યા જ નહીં. તેમને બહુ આઘાત લાગ્યો. એ વાત તેમના મન પર હાવી થઈ ગઈ હતી. હું પકડાઈ ગયો પછી તેમણે ગોરપાદું છોડી દીધું. એટલુ જ નહીં, ઘરના મંદિરમાં પણ દીવો કરવાનું બંધ કરી દીધું. મને જ્યારે સજા થઈ, ત્યારે તેઓ બીજો આઘાત સહન ન કરી શક્યા. મારી સજાના હુકમ પછી ત્રણ જ મહિનામાં તેમને હાર્ટએટેક આવ્યો. દેવ થઈ ગયા.
મારે એમની પાસે બેસીને આખી વાત કહેવી હતી અને માફી માગવી હતી. અફસોસ! કુદરતે મને એવો મોકો આપ્યો જ નહીં! પહેલાં બંસરી અને પછી બાપા ગયા. આ બે મોતેને કારણે હું સ્વભાવે આકરો થઈ ગયો. મને દુઃખની પણ અસર નથી થતી અને સુખનો આનંદ પણ થતો નથી. જેલમાંથી રજા મળે ત્યારે હિંમતનગર જાઉં છું. હવે લોકો મને ડોન માને છે. ડોનની આંખમાં પણ આંસુ આવે. એવું તમે બંનેએ પહેલી વખત જોયું હશે.”
ગોવિંદે ઘડિયાળ સામે જોયું. રાતના ત્રણ વાગી રહ્યા હતા. ગોવિંદે કહ્યું, “ચાલો સૂઈ જઈએ.”
ગોપાલે પૂછ્યું, “ભાઈ, ઊંઘ આવશે?”
ગોવિંદે તેની સામે જોયું અને કહ્યું, “કદાચ આજે જ સારી ઊંઘ આવશે. કારણ, આજ સુધી મેં મારી અને બંસરીની વાત કોઈને કહી નહોતી.”
આટલું બોલતાં ગોવિંદ ઊભો થઈ ગયો અને પોતાના બિસ્તર પર ગયો. ગોપાલ અને સલીમ બંને આડા પડ્યા. બંનેની આંખો ખુલ્લી જ હતી. તેમની નજર કદાચ બેરેકની છતમાંથી કોઈ પ્રકાશ અંદર આવે એની રાહ જોઈ રહી હતી. ગોપાલની તો હજી આંખ મળી જ હતી, ત્યાં કોઈ તેને ઉઠાડી રહ્યું હોય એવું લાગ્યું. એણે આંખ ખોલી તો જેલનો સિપાહી સામે હતો. સિપાહીએ કહ્યું, “ઘોડા વેચીને ઊંઘવા આવ્યો છે? ચાલ, ગણતરીમાં બેસી જા.”
ગોપાલે ગોવિંદના બિસ્તર તરફ જોયું. એ હજી ઘસઘસાટ ઊંઘતો હતો; પણ સિપાહીની હિંમત નહોતી કે, તે ગોવિંદને લાત મારીને ઉઠાડે.
(ક્રમશઃ)
PART 35 : મને અફસોસ તે વાતનો આજે પણ છે, મેં એવું કર્યું હોત તો બંસરી આજે પણ જીવતી હોત
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796