નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરાના વરાણા પોલીસ સ્ટેશનમાંથી એક આરોપી 6 એપ્રિલે ફરાર થઈ ગયો હતો જેના કારણે પોલીસના કામ ઉપર શંકા ઊભી થઈ હતી. અનેક ગુનાઓમાં વોન્ટેડ અને વડોદરાનો લીકર કિંગ કહેવતો આરોપી હરિ સિંધી પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગયો હતો, ત્યાર બાદ હવે તેણે આજે કોર્ટમાં સરંડર કર્યું હતું, હવે આવતીકાલે પોલીસ તેને કોર્ટમાં રજૂ કરશે.
15 દિવસ પહેલા વડોદરા શહેરનો કુખ્યાત બુટલેગર હરિ સિંધી રાજસ્થાનથી પાછો આવીને અમદાવાદના નરોડામાં આવેલા ગેલેક્સી વિસ્તારમાં જવાનો હતો, તેવી વડોદરા શહેર PCBને બાતમી મળી હતી. બાતમીના આધારે વોચ ગોઠવીને PCB ટીમ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. હરિ સિંધી સામે પાંચ વખત પાસા કરવામાં આવી છે તેમજ તેને તડીપાર પણ કરવામાં આવ્યો છે. તેની સામે સિટી પોલીસ સ્ટેશનમાં 12 ગુના, કિશનવાડી અને બાપોદ પોલીસ સ્ટેશનમાં એક એક ગુના દાખલ થયેલા છે. હરિ સિંધીને 7 પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
વડોદરા PCB દ્વારા તેની ધરપકડ સમયે એક કાર અને 3 મોબાઈલ ફોન સહિત 1.56 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ધરપકડ બાદ તેને વરાણા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો હતો. વરાણા પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીને ચકમો આપીને આ આરોપી કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. ત્યાર બાદ વડોદરા શહેર પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તેની શોધખોળ કરવામાં આવી રહી હતી, પરંતુ 15 દિવસમાં પોલીસને કોઈ સફળતા મળી ન હતી. આખરે આજે હરિ સિંધીએ જાતે જ કોર્ટમાં સરંડર કરી દીધું હતું. ત્યાર બાદ તેની સામે આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.








