તુષાર બસિયા (નવજીવન.રાજકોટ): સાપ ગયા બાદ પણ લીસોટા રહે તેવી કહેવતની જેમ રાજકોટના પૂર્વ કમિશનર મનોજ અગ્રવાલ કથિત તોડકાંડ બાદ રાજકોટથી બદલી પામ્યા છે, પરંતુ તેમના ગયા બાદ પણ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પર ગોરખધંધાના આક્ષેપો હજૂ ચાલુ છે. એવામાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના મહિલા પી.એસ.આઈ. ભાવના કડછા અને તેમની સાથે દેવા ધરજીયા, ક્રિપાલસિંહ, સુભાષ ઘોઘારી અને ઉપેન્દ્રસિંહને સાયલા ખાતે વિજિલન્સની ટીમે તપાસ માટે બેસાડી દિધાના અહેવાલ છે.
આ મામલે રાજકોટના ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ સાથે વાત કરતા તેઓ વિજિલન્સની કાર્યવાહી પુર્ણ થવાની રાહમાં બેઠા હોય તેમ જણાય છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના મહિલા પી.એસ.આઈ. અને તેમની સાથે કર્મચારી દેવા ધરજીયા, ક્રિપાલસિંહ, સુભાષ અને ઉપેન્દ્રસિંહને લાખોના દારૂની હેરફેરના મામલે સ્ટેટ વિજીલન્સ ટીમે તપાસ માટે સાયલા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા.
સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગરના સાયલામાં લાખોના દારૂની હેરફેરની માહિતી સ્ટેટ વિજિલન્સને મળી હતી. વિજિલન્સની ટીમ માહિતીના આધારે તપાસમાં હતી પણ ત્યાં ચોર પે મોર જેવો સીન સર્જાયો હતો. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અગાઉ પણ સરહદ ક્રોસ કરીને કામ કરવા માટે વિવાદમાં ઘેરાઈ ચૂકી છે અને કમિશન કાંડમાં પણ છાપે ચડતી રહી છે.
વિજિલન્સની તપાસ દરમિયાન રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સાયલાની હદમાં દારૂ પકડવા માટે પહોંચી હોવાનું ખુલ્યું હતું. રાજકોટ શહેરના પોલીસના બાઉન્ડ્રી બહારનું કારનામું વિજિલન્સને હાથ લાગતા ઉપરોક્ત મહિલા પી.એસ.આઈ. સહિત પોલીસ કર્મીઓને તપાસ માટે બેસાડી લેવાયા હતા. સાયલા પોલીસ સ્ટેશન ખાતે કલાકો ચાલેલી પુછપરછ બાદ હાલ વિજિલન્સ કાયદેસર કાર્યવાહી તરફ આગળ વધ્યું હોવાના અહેવાલ છે.
આ મામલે રાજકોટના ડી.સી.પી. ક્રાઈમને તપાસ સોંપાઈ હોવાના અહેવાલો મળતા તેમની સાથે ટેલિફોનિક વાત કરી ખરાઈ કરવામાં આવી હતી. જેમાં ડી.સી.પી. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે તેમને કોઈ તપાસ સોંપવામાં આવી નથી. પરંતુ એ ચોક્કસ છે કે કાગળો અને વિજિલન્સની કાર્યવાહી બાદ તેઓ પણ જરૂરી પગલા લેશે. ત્યારે સવાલ એ પેદા થાય છે કે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ શા માટે સાયલા પહોંચી હતી. શું દારૂ પકડી રાજકોટની હદમાં બતાવવો હતો કે દારૂ ઘુસાડવા પેટ્રોલીંગ કરવામાં આવતું હતું ? આ સવાલ શા માટે વાજબી છે તે સામાન્ય વાચકો કરતા પોલીસ અધિકારીઓ વધારે સારી રીતે સમજી શકશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











