નવજીવન ન્યૂઝ. અમદાવાદ: વધતી મોંઘવારીથી સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. પેટ્રોલ- ડીઝલ સહિત CNG અને PNGના ગેસમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. CNGના ભાવ વધારવાના વિરોધમાં આજે અમદાવાદમાં રિક્ષા યુનિયન દ્વારા હડતાળ પાડવામાં આવી છે.
CNG ગેસના વધતાં ભાવને લઈને 11 એસોસિએશન હડતાળ પર ઉતર્યા છે. ભાવ વધારાના વિરોધમાં અમદાવાદના બે લાખથી વધુ રિક્ષા ચાલકો આજે સવારે ૬ થી સાંજે ૬ દરમિયાન હડતાળ પાડી પોતાનો વિરોધ વ્યક્ત કરશે. રીક્ષા એસોસિએશનની માગ છે કે CNGમાં થયેલ તોતિંગ ભાવ વધારો પરત ખેંચી CNGને GSTમાં સમાવવું, રીક્ષાચાલકોને CNGમાં સબસીડી અને ભાડામાં વધારો આપવો. આગામી સમયમાં માંગો પૂર્ણ નહીં થાય તો રાજ્યવ્યાપી દેખાવોની પણ ચીમકી અપાઈ છે. આજે રીક્ષા ચાલકો માત્ર અમદાવાદમાં જ હડતાળ પર ઉતર્યા છે.
CNGના ભાવ વધારાના વિરોધમાં 11 એસોસિએશનને આમ આદમી પાર્ટીએ ટેકો આપ્યો છે. 2 લાખ કરતા પણ વધુ રિક્ષાઓના પૈડાં થંભી જવાના હોવાનો દાવો AAP દ્વારા કરવામાં આવ્યો છે. અઠવાડિયામાં CNG ગેસમાં 9 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે. ગુજરાત ગેસ અને અદાણી ગેસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી CNGના ભાવમાં તોતિંગ વધારો કરી રહી છે. જેની સીધી અસર રિક્ષા ચાલકો પર પડી રહી છે. રિક્ષા ચાલકોની માગ છે કે CNGના ભાવ વધારાના કારણે રિક્ષાના ભાડામાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવે.








