નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતના શૈક્ષણિક સંઘોએ પોતાની પડતર માગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. એક તરફ હાલમાં બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે. તેવામાં આ વખતે બોર્ડના પરિણામમાં વિલંબ આવી શકે છે. અંદાજિત 30 હજારથી વધુ શિક્ષકોએ પેપર તપાસનો બહિષ્કાર કર્યો છે.
ગુજરાત શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ મુખ્યમંત્રી, નાણાંમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપીને આગામી બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીની તપાસ કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. શૈક્ષણિક સંઘે સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે, પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના શિક્ષકો માટે પરિપત્ર કરાયો નથી. શૈક્ષણિક સંઘ પોતાની માગણીઓ પર અડગ રહેશે તો બોર્ડના પેપર ચકાસણીમાં વિલંબ આવી શકે છે.
શૈક્ષણિક સંઘની માગ છે કે, પાંચ વર્ષની નોકરી સળંગ ગણવામાં આવે, 7મુ પગાર પંચના બાકી રહેલા હપ્તા ચૂકવવામાં આવે, જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે, એક એક વર્ગની શાળામાં 3 શિક્ષક અને 1 આચાર્યનું મહેકમ આપવામાં આવે, પરિણામ આધારિત ગ્રાન્ટ આપવામાં આવે તે નિયમ દૂર થાય, આચાર્યો અને વહિવટી કર્મચારીઓને એલટીસીનો રોકડ વિકલ્પનો લાભ આપવામાં આવે, બિન સૈક્ષણિક કર્મચારીઓની બઢતી તથા ભરતી કરવામા આવે, સાતમા પગાર પંચના એરિયર્સના બાકી હપ્તા ચુકવવામાં આવે.
![]() |
![]() |
![]() |











