નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી કરવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અમદાવાદ આવી પહોંચ્યા છે. પંજાબમાં જીત મેળવ્યા પછી હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે, જેના માટે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સતત લોકચર્ચામાં રહેવાનુ પસંદ કરી રહ્યા છે. રાષ્ટ્રીય કક્ષાના કોઈ પણ નેતા જ્યારે અમદાવાદ આવે છે ત્યારે તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લેવાનું ચુકતા નથી, તેવી જ રીતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને પણ આજે સવારે અમદાવાદમા સાબરમતી નદીના તટ પર આવેલા ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન અંદાજિત અડધો કલાક સુધી ગાંધી આશ્રમમાં રોકાયા હતા. તેમણે ગાંધી આશ્રમમાં આવીને ગાંધીજીની પ્રતિમાને સુત્તરની આંટી પહેરવીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી, તેમજ અહિયાં તેમણે ગાંધી આશ્રમ અંગે માહિતી મેળવી હતી, ચરખો ચલાવ્યો હતો આ ઉપરાંત તેમણે હૃદયકુંજની પણ મુલાકાત કરી હતી. આશ્રમમાં પ્રદર્શની નિહાળતા સમયે તેમણે ગાંધી આશ્રમના કોમ્યુનિકેટરને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. બંને નેતાઓને ગાંધી આશ્રમમાં મુલાકાતી ડાયરીમાં નોંધ પણ કરી હતી.
ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલે જણાવ્યુ હતું કે, “આજે ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી બન્યા પછી પહેલી વાર ગાંધી આશ્રમની મુલાકાત લેવાનો મોકો મળ્યો છે. એક્ટિવિસ્ટ હાથે તે સમયે ઘણી વાર ગાંધી આશ્રમમાં આવ્યો છું. જેટલી વાર અહિયાં આવું છું તેટલી વાર શાંતિનો અનુભવ થાય છે, એવું લાગે છે કે અહિયાં ખરેખર ગાંધીજીનો આત્મા વસે છે.” જ્યારે ભગવંત માને જણાવ્યુ હતું કે, “હું પણ એવી જ ધરતી પરથી આવું છું જ્યાં ઘરે ઘરે શહીદો છે, પંજાબમાં દરેક ઘરમાં ચરખો છે. પંજાબની મહિલાઓ પારંપારિક ગીતો ગાઈને સૂતર કાંટે છે.”
બંને નેતાઓ ગઇકાલે જ અમદાવાદ આવી ગયા હતા. આજે સાવરે તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને હવે સાંજે બંને નેતા નિકોલમાં ખોડિયાર મંદિરથી ઠક્કરબાપાનગર બ્રિજ સુધી રોડ શો કરશે. જોકે આમ આદમી પાર્ટીના કાર્યકરતોને બીક છે કે દિલ્હીમાં જેમ તાજેતરમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર ઉપર હુમલો થયો હતો તેમ આ રોડ શોમાં પણ થઈ શકે છે, આ વાતને લઈને ગુજરાત આપના નેતાઓ અને કાર્યકર્તાઓ અમદાવાદ પોલીસ કમિશનરને મળ્યા હતા. જેના કારણે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તેમના બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











