નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાએ(AMC) મોટો નિર્ણય કરતા ચાના કાગળના કપનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ચાના લારી-ગલ્લા પર કાગળના કપ મોટી માત્રામાં ફેંકવામાં આવતા હોય અમદાવાદ મહાનગરપાલિકાએ હવે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. મહાનગરપાલિકાએ ચાના કપથી થતી ગંદકી અને ડ્રેનેજ ચોકઅપના કારણે થતી સમસ્યાઓને ધ્યાને રાખી ચાના કપ ફેંકવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જેમાં મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગે ચા-પાનના લારી ગલ્લાને પેપર કપનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદ શહેરમાં દરરોજ લાખોની સંખ્યામાં ચાના કાગળના કપનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે ચાના કપના કારણે ડ્રેનેજ લાઈન ચોકઅપ થવા સાથે ગંદકીની પણ વિકરાળ સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય કરી ચાના કાગળના કપ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત પાનના ગલ્લાઓ પર મોટા પ્રમાણમાં પાનમસાલાની પડીકીઓ અને ચાની કિટલીઓ પર ચાના કાગળના કપના કારણે શહેરની ડ્રેનેજ સિસ્ટમમાં કચરો ફસાઈ જાય છે. જેના કારણે મોટી સફાઈ અને સ્વચ્છતાની મોટી સમસ્યા પેદા થતી રહે છે. ત્યારે હવે અમદાવાદ મહાનગરપાલિકાએ આ સમસ્યાના નિવારણ માટે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરતા મનપાની હેલ્થ કમિટીમાં આ મામલે ચર્ચા થઈ હતી. જેમાં ચાની કિટલીઓ પર ઉપયોગમાં લેવાતા પેપર કપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આ બાબતે અમદાવાદ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગના હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં દરરોજ 20થી 25 લાખ જેટલા ચાના કપનો ઉપયોગ થાય છે. જેના કારણે વિશાળ માત્રામાં પેપર કપના કચરાનો જંગ ખડકાય છે, ઉપરાંત ચાની કિટલીઓ આસપાસ ગંદકી સર્જાય છે અને ગટર તેમજ સ્ટ્રોમ વોટરની ડ્રેનેજ લાઈનમાં ચોકઅપ પણ થાય છે. વળી ચા પીવા માટે કપના વિકલ્પ તરીકે સીરામિકના, કાચના કે માટીના કપનો ઉપયોગ કરી શકાય છે તો શા માટે ગંદકીના ગંજ ખડકાય તેવા વિકલ્પો ઉપયોગ કરવા જોઈએ. આમ તમામ સમસ્યાનું નિવારણ જોતા પેપર કપના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવાયો છે. જો કોઈ લારી ગલ્લા કે ચાની કિટલી પર કાગળના કપનો ઉપયોગ થતો હશે કે જથ્થો સંગ્રહ કરેલો હશે તો તેને જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








