યુદ્ધને લઈને પદ્ધતિસરનો ઇતિહાસ આપણે ત્યાં લખાયો નથી. આ ઇતિહાસ પદ્ધતિસર લખાય અને લોકો સમક્ષ સત્ય શું છે તે આવે માટે રક્ષા મંત્રી રાજનાથ સિંઘે થોડા વખત અગાઉ એક નીતિ ઘડી કાઢી છે. આ અંતર્ગત યુદ્ધ અને અન્ય ઓપરેશનની વિગતનું આર્કાઇવ્ઝ બનશે. સામાન્ય રીતે આપણે ત્યાં યુદ્ધ અંગેની છૂટીછવાઈ વાતો લખાઈ છે અને તે જ આધારે તેનું અર્થઘટન થાય છે. તેનું તબક્કાવાર દસ્તાવેજીકરણ થયું નથી અને વર્તમાન રક્ષામંત્રી આ ઇતિહાસ તબક્કાવાર લખાય તેવો ઉદ્દેશ ધરાવે છે. અને આ માટે તેઓએ પાંચ વર્ષનો સમય પણ નિર્ધારીત કર્યો છે. ઉપરાંત યુદ્ધનો આ ઇતિહાસ લખવા માટે કેન્દ્ર સરકારના ઇતિહાસ વિભાગને પણ પ્રક્રિયામાં સાંકળ્યો છે. ટેક્નોલોજીના કારણે આજે ડોક્યુમેન્ટશનનું કાર્ય ઘણું ખરું સરળ થયું છે. અગાઉ આ પ્રકારના દસ્તાવેજ માટે મસમોટી ટીમની જરૂરીયાત રહેતી, જે આજે ટેકનોલોજીના મદદથી ઓછા સમય અને માણસોથી થઈ શકે છે. અને આ જ કારણે યુદ્ધોનો અતિ મહત્ત્વનો દસ્તાવેજ હવે રક્ષા મંત્રાલય જાહેર પણ કરશે. આ ડોક્યુમેન્ટમાં વૉર ડાયરીઓ, પત્રો અને યુદ્ધો દરમિયાન જે પણ ગતિવિધિ થઈ હોય તેના અહેવાલ પણ સામેલ હશે.
Advertisement
રક્ષા મંત્રીએ આ પહેલ કરી છે તે બિરદાવવા યોગ્ય છે પણ તેનું સૂચન જેમના થકી થયું હતું તેઓને ભૂલવા ન જોઈએ. આ સૂચન ‘કારગિલ રીવ્યૂ કમિટિ’ના અધ્યક્ષતા કરનારા કે. સુબ્રમણિયમ અને ‘એન એન વોરા કમિટિ’ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બંને કમિટિના અધ્યક્ષોનો મુદ્દો હતો કે આ ઇતિહાસને તપાસીને ભવિષ્યમાં ભૂલો નીવારી શકાય. કારગિલ યુદ્ધ પછી રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે ‘ગ્રૂપ ઑફ મિનિસ્ટર’ દ્વારા પણ તેનું સૂચન કરવામાં આવ્યું હતું. મૂળે આની જરૂરીયાત ઘણાં વખતથી જોવામાં આવતી હતી અને હવે તેનો અમલ થવા જઈ રહ્યો છે. યુદ્ધનો ઇતિહાસ કેમ અગત્યનો છે તે પ્રત્યેની સભાનતા આપણા જેવા દેશમાં લાવવી મુશ્કેલ છે; જ્યાં સામાન્ય ઇતિહાસ લખવાનો સિરસ્તો જળવાતો નથી. દેશમાં જ્યારે પણ કોઈ ઘટના બને છે ત્યારે તેની અસર અનેક બાબતો પર થાય છે અને યુદ્ધની અસર તો પેઢીઓ સુધી જોવા મળે છે. આ કિસ્સામાં યુદ્ધનો ઇતિહાસ અગત્યનો બને છે. આ વિશે હાલમાં ભૂતપૂર્વ લેફ્ટનન્ટ જનરલ એચ.એસ. પનાગે એક લેખ પણ લખ્યો છે. તેઓ સેનાના ઉચ્ચ અધિકારી રહી ચૂક્યા છે અને હવે તેઓ સેનાના સંલંગ્ન અનેક પાસાં પર મીડિયામાં સમયાંતરે લખે છે. તેઓએ હાલમાં યુદ્ધના ઇતિહાસ બાબતે ભારતની સ્થિતિ દર્શાવતો એક લેખ લખ્યો છે. તેમાં એચ. એસ. પનાગ લખે છે કે : “મિનિસ્ટ્ર ઑફ ડિફન્સ જૂના રેકોર્ડને યાગ્ય રીતે સંગ્રહિત રાખવામાં જરા પણ કાળજી દાખવી નથી. અત્યાર સુધી 1962, 1965 કે 1971ના યુદ્ધ વિશે કોઈ પણ અધિકારીક ઇતિહાસ પ્રકાશિત કરવામાં આવ્યો નથી.”તેઓ તો ત્યાં સુધી લખે છે કે 1962ના ચીન સાથેના યુદ્ધની સમીક્ષા અર્થે ‘હેન્ડરસન બ્રુક્સ અને ભગત કમિશન’ નીમવામાં આવ્યું હતું. આ કમિશન રચવાની કસરતનો મુખ્ય ઉદ્દેશ 1962ની નિષ્ફળતાથી શીખવાનો હતો. પણ સૈન્ય કે પ્રજા માટે આ સમીક્ષા મૂકવામાં ન આવી. એ જ પ્રમાણે શ્રીલંકામાં જ્યારે ‘ઇન્ડિયન પીસ કિપિંગ ફોર્સ’ ગઈ હતી ત્યારે પણ તેનું સત્ય સૈન્ય કે લોકો સમક્ષ ન લાવવામાં આવ્યું.
સૈન્યમાં ગુપ્તતાનું મહત્ત્વ રહ્યું છે અને એક હદ સુધી રણનીતિ ખાતર તે ગુપ્તતા જાળવવી દેશના હિતમાં પણ છે. પરંતુ એક અરસો વીતી ગયા પછી સૈન્યની વિગત પણ જાહેર થવી જોઈએ તેવું સૈન્ય નિષ્ણાતો માને છે. એચ. એસ. પનાગ પણ તેની જ તરફદારી કરે છે. તેઓ લખે છે હાલમાં કેટલાંક સૈન્ય સંગઠનોને માહિતી અધિકારના કાયદાથી બાકાત રાખવામાં આવ્યા. અને હવે રક્ષા મંત્રાલય સૈન્યને પણ તે જ રીતે માહિતી અધિકારથી બાકાત રાખવા માંગે છે. આમ કેમ થાય છે તેના અનેક કારણોમાંથી મુખ્ય કારણ એ છે કે આપણે સરકાર અને સૈન્ય બંને એવી માનસિકતા ધરાવે છે કે સુરક્ષાની નિષ્ફળતા જાહેર કરીએ તો તેઓને તે તરફ વધુ જવાબદાર માનવામાં આવે છે. અને કટોકટીના સમયમાં આ બધી જ જવાબદારી સહિયારી ગણાય છે. આ ઉપરાંત રાજકીય સૈન્યને આપેલાં રાજકીય દિશાનિર્દેશ વિધિવત્ રીતે ક્યારેય રેકોર્ડ કરવામાં આવતા નથી; ન તો તેમના હૂકમો જાહેર કરવામાં આવે છે. અને જ્યારે સૈન્ય કાર્યવાહી થાય છે ત્યારે તેનું મુખ્ય કેન્દ્ર બિંદુ રાજકીય લાભ ખાટવામાં થાય છે. આમ જોઈએ તો મોટા ભાગની સરકારો સુરક્ષા બાબતની નિષ્ફળતાથી અંતર રાખીને વર્તે છે અને ભવિષ્યમાં પોતાના પક્ષને કોઈ હાનિ ન પહોંચે તેવા નિર્ણય લે છે. અને આ જ કારણે અત્યાર સુધી 1962, 1965 અને 1971ના યુદ્ધોના દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યા નથી.
એચ. એન. પનાગ ઉપરાંત એવું માને છે કે આમાં બધો જ વાંક સરકારનો ન ગણવો જોઈએ, સૈન્ય તરફથી પણ યુદ્ધોનું અને અન્ય ઓપરેશનોનું પ્રામાણિક રેકોર્ડિંગ થયું નથી. અને તે જ કારણે સૈન્યની ઘણી ઘટનાઓમાં અતિશોયક્તિ જોવા મળે છે અને એ રીતે સન્માન પણ અપાય છે. આ પ્રેક્ટિસ સૈન્યના ઉચ્ચત્તમ સંસ્થાનોમાં ચાલે છે અને તેમાં નિષ્ફળતાથી ‘અમે શીખી રહ્યા છે’ તેવાં ખોટાં દાવાઓ પણ ચાલે છે.
Advertisement
આ ઉપરાંત જ્યારથી સૈન્યમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધ્યો છે એટલે કોઈ પણ ઓપરેશન થાય ત્યારે તેમાં ન્યૂનત્તમ જાનહાનિ થાય છે, અને ઘણાં કિસ્સામાં તો બહાદુરી દાખવવાની કોઈ તક સાંપડતી નથી. હવે જ્યારે આ સ્થિતિ આવી હોય ત્યારે સ્વાભાવિક છે કે બહાદુરી અર્થે જે સન્માન આપવામાં આવે તેને લઈને યોગ્ય ઉમેદરવાને શોધવાની મુશ્કેલી આવે. જ્યાં ઉમેદવારોની દાવેદારી થાય ત્યાં તેની યોગ્ય તપાસ કરવાના બદલે તેમાં થયેલી અતિશોયક્તિને ગ્રાહ્ય રાખવાના અનેક કિસ્સા બન્યા છે.
આ બધાના કારણે પણ સૈન્યનું કોઈ વ્યવસ્થિત રીતે એકેડેમિક રિસર્ચ થતું નથી. જે સૈન્ય સંબંધિત લેખકો છે તેઓ પોતે સંસ્થાને વફાદાર રહીને લખાણ લખે છે. કેટલીક સૈનિકોની જીવનકથાઓ પણ તટસ્થાથી લખાઈ નથી. અને આ જ કારણે જ્યારે પણ કોઈ વિદ્વાન સૈન્યના વિષય સંબંધમાં કોઈ સંશોધનમાં પડે છે ત્યારે તેને અંતિમ પરિણામોથી અનુમાન કરીને જ લખવાનું થાય છે.
યુદ્ધના ઇતિહાસ લખવાની અને તેના દસ્તાવેજ સુરક્ષિત રાખવાની અને સમયાંતરે પ્રકાશિત કરવાની જે વ્યવસ્થા હાલનું રક્ષા મંત્રાલય કરવા માંગે છે, તેવી વ્યવસ્થા અગાઉ એક સમયે હતી. રક્ષા મંત્રાલયનું જ ઇતિહાસ વિભાગ તે કાર્ય કરતું હતું અને આઝાદી પછી 1948માં હૈદરાબાદને સ્વતંત્ર કરવા અર્થે થયેલું ‘ઓપરેશન પોલો’, ગોવાને આઝાદ કરવા માટે થયેલું ‘વિજય ઓપરેશન’, 1960-63માં કોંગોમાં યુએનના નેજા હેઠળ ગયેલા ભારતીય સૈન્ય, 1953-54ના અરસામાં ભારતીય સૈન્યની કોરિયામાં ઉપસ્થિતિ આમ અનેક દસ્તાવેજો એક સમયે પ્રકાશિત થયા હતા. આજે તે બધા જ આઉટ ઓફ પ્રિન્ટ છે અને તેની ઓનલાઈન કૉપી ઉપલબ્ધ નથી. યુદ્ધના ઇતિહાસને યોગ્ય રીતે સુરક્ષિત રાખવાની પ્રક્રિયા ઠીકઠાક ચાલતી જ હતી, પરંતુ 1962થી તેમાં અંતરાયો આવતા ગયા. અને આગળ જતાં અન્ય બે યુદ્ધોમાં તે પૂરી પ્રક્રિયા ખોરવાઈ અને વિવિધ ડિપાર્ટમેન્ટ તરફથી મળતી મંજૂરીમાં વિલંબ થતો ગયો. એક સમયે તો 1962ના યુદ્ધ અંગેના થોડાઘણા દસ્તાવેજ તૈયાર હતાં, પરંતુ તેને લઈને રક્ષા મંત્રાલયે વાંધા ઊઠાવ્યા અને તે કાર્ય આગળ ન વધી શક્યું. કારણ આપવામાં આવ્યું કે ચીન સાથેના આપણા સંબંધો ખૂબ સંવેદનશીલ છે. એવી રીતે બાંગ્લાદેશ સાથેના સંબંધોના કારણે 1971ના યુદ્ધ સંબંધિત દસ્તાવેજોને જાહેર કરવામાં આવ્યા નથી.
રક્ષા મંત્રાલય તરફથી યુદ્ધનો ઇતિહાસ મર્યાદિત રીતે કેટલીક ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં અને હાયર કમાન્ડ લેવલ પર જ રજૂ થાય છે. આવી અનેક આંટીઘૂંટીઓ છે જેમાં આપણો યુદ્ધોનો ઇતિહાસ પર ધૂળ જામેલી છે અને તે ખંખેરાય તો યુદ્ધ પ્રત્યેના સામાન્ય જનનો દૃષ્ટિકોણ પણ બદલાય.
Advertisement