Thursday, April 24, 2025
HomeGujaratAhmedabadભારત સહિત વિશ્વભરમાં સ્કીલ્ડ વર્કર્સની કેમ અછત સર્જાઈ રહી છે?

ભારત સહિત વિશ્વભરમાં સ્કીલ્ડ વર્કર્સની કેમ અછત સર્જાઈ રહી છે?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આપણા દેશમાં રોજગારીનો પ્રશ્ન કાયમ સળગતો રહ્યો છે. અવારનવાર ભરતી સામે ઉમેદવારોના આંકડાઓ મૂકાય છે ત્યારે તે પ્રશ્ન કેટલો ગંભીર છે – તેનો અંદાજો સૌ કોઈ લગાવી શકે છે. કામ-રોજગારીનું પાયાનું સંતુલન હજુય આપણે ગોઠવી શક્યા નથી. જેમ રોજગારીનો પ્રશ્ન છે તેમ રોજગારી (Employment) સંબંધે એક બીજો મુદ્દો તાલીમ ધરાવનારાં કામદારો-કર્મચારીઓની અછતનો પણ છે. યુવાનો અને બેરોજગારોનો પોતાના બરનું કામ મળે તે માટે જેમ સરકાર સામે આક્રોશ હોય છે, તેમ ઉદ્યોગ-સાહસિકો એવી ફરિયાદ કરતાં રહ્યાં છે કે કામ અર્થે તાલીમ ધરાવનારા કામદારો-કર્મચારીઓ મળતા નથી. આશ્ચર્ય થાય પણ જેમ-જેમ વિશ્વ સર્વત્ર વિકાસ પામતું દેખાય છે; ત્યાં બીજી તરફ ગ્લોબલ ટેલેન્ટ શોર્ટેજ વધી રહી છે. આ અંગે સર્વે કરનારા કંપનીનું નામ ‘મેનપાવરગ્રૂપ’ છે. અમેરિકા સ્થિત આ કંપની વિશ્વભરમાં મલ્ટિનેશનલ કંપનીઓને યોગ્ય કર્મચારી અને સ્કીલ્ડ વર્કર્સ (skilled workers) પૂરા પાડવાનું કામ કરે છે. ‘મેનપાવરગ્રૂપ’નું નેટવર્ક વિશ્વભરમાં વિસ્તરેલું છે અને તેથી સ્કીલ્ડ વર્કર્સની શોર્ટેજ અંગે કંપનીના સર્વે પર વિશ્વાસ કરવો રહ્યો. આ કંપનીએ કરેલાં સર્વેમાં અહેવાલમાં જે સૌથી અગત્યની વાત નોંધવામાં આવી છે તેમાં કામ આપનારાં 74 ટકા ઉદ્યોગ-સાહસો કે વેપારીઓ એવી ફરિયાદ કરી હતી કે ‘અમારે જોઈએ તેવાં પ્રતિભાશાળી તાલીમાર્થીઓ મેળવવા માટે અમારે ખાસ્સી મહેનત કરવી પડે છે.’ આ વિશ્વની સ્થિતિ છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી, બલકે વસતીના કારણે આ સ્થિતિ ભારતમાં વધુ ગંભીર છે.

skilled workers news
skilled workers news

પ્રતિભાશાળી તાલીમાર્થીઓને લઈને દરેક ઇન્ડસ્ટ્રીઝ અને વિશ્વના મોટા ભાગના દેશની સ્થિતિ સારી નથી. અતિવિકસિત દેશો કેનેડા, ઓસ્ટ્રેલિયા કે પછી યુરોપના દેશોમાં પણ સ્થિતિ ભારત જેવી છે. હવે ઇન્ડસ્ટ્રીઝ પ્રમાણે જોઈએ તો હેલ્થકેરમાં સ્કીલ્ડ વર્કર્સમાં સૌથી બદ્તર રેશિયો છે. સર્વે પ્રમાણે વિશ્વમાં હેલ્થકેર ઇન્ડસ્ટ્રીઝમાં 77 ટકા સ્કીલ્ડ ટેલેન્ટની કમી છે. એ રીતે ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી, ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક, ફાઈનાન્સ અને રિયલ એસ્ટેટ જેવાં ક્ષેત્રમાં પણ આ તિ છે. મતલબ કે આ બધી ઇન્ડસ્ટ્રીઝ જોઈએ એવાં કર્મચારી કે વર્કર્સ મળવાનો રેશિયો માત્ર ચોથા ભાગનો છે.

- Advertisement -
Skill India
Skill India

વર્તમાન સરકાર પણ આ મુદ્દાથી સારી પેઠે પરિચિત છે અને એટલે જ ગત્ વર્ષે અમદાવાદમાં યોજાયેલા ‘યુથ કોન્ક્લેવ 2024’માં યુવા, રોજગાર અને રમતગમતના કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા કહ્યું હતું કે સરકારના પોર્ટલ – ‘નેશનલ કરિઅર સર્વિસ પોર્ટલ’- પર 19 લાખ જેટલી નોકરીઓ ઉપલબ્ધ છે; પરંતુ તે માટે જોઈએ એ પ્રમાણમાં સ્કીલ્ડ મેનપાવર નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘એક તરફ આપણે કામ મેળવવા માંગીએ છીએ, પરંતુ બીજી તરફ ઘણું કામ ઉપલબ્ધ છે.’ એ માટે બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવી હતી. જે અંતર્ગત સરકારે ચાર કરોડ યુવાનો માટે બે કરોડ લાખ બજેટ ફાળવ્યું હતું. એક કરોડ યુવાનો જાણીતી કંપનીઓમાં ઇન્ટર્શીપ કરે તેવી પણ યોજના સરકારે બનાવી હતી. ‘સ્કીલઇન્ડિયાડિજિટલ’ પર સરકારના દાવાઓ તો છે, પણ તેનું અમલીકરણ કેટલું થયું છે તેનો ઠોસ અભ્યાસ થયો નથી.

skilled workers
skilled workers

સરકારના બજેટ ફાળવણીથી માંડિને ઇન્ટનશીપ કરાવવા સુધીની યોજનાનો હજુ યોગ્ય રીતે અમલ થયો નથી. અને એટલે અલગ-અલગ ક્ષેત્રોમાંથી સ્કીલ્ડ વર્કર્સના ઘટની બૂમો પડતી રહે છે. ઇલેક્ટ્રોનિક સેક્ટર અંગે રોજગારી અને સ્કીલ્ડ વર્કર્સ સંદર્ભે એક અભ્યાસ ‘ટીમલીઝ ડિગ્રી એપ્રેન્ટીશીપ’ દ્વારા કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ મુજબ 2027-28 સુધીમાં ઇલેક્ટ્રોનિક સેક્ટરમાં એક કરોડથી વધુ રોજગારી સર્જાય તેવી શક્યતા છે. આ રોજગારીમાં ત્રીસ લાખ લોકોને પ્રત્યક્ષ કામ મળશે; જ્યારે બાકીના લોકોને આ સેક્ટરથી અપ્રત્યક્ષ રીતે કામ મળી રહેશે. પરંતુ સ્કીલ્ડ વર્કર્સ અંગે માંગ-પુરવઠાનો ખાડો એંસી લાખનો છે. મતલબ કે આ ક્ષેત્રમાં કામ કરી શકે તેવાં લોકો આપણા દેશમાં તૈયાર થયા નથી. આવું જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્ર અંગે છે. આ ક્ષેત્રમાં પણ વિશ્વસ્તરે યોગ્યતા પુરવાર કરી શકે તેવાં કર્મચારીઓની આવશ્યકતા કંપનીઓને પડવાની છે, પરંતુ તેમાં પણ કામ સામે કર્મચારીઓનો પુરવઠો ઓછો પડશે.

હેલ્થકેરમાં સ્કીલ્ડ નર્સિસ અને અન્ય મેડિકલ સ્ટાફની કમી છે. કોરોનામાં આ સ્થિતિમાં કામ કરવું ખૂબ કપરું હતું, તેમ છતાં આપણા દેશમાં બીજી લહેર સિવાય અંધાધૂંધી ન થઈ. આટલાં વિશાળ દેશમાં કોરોનામાં જે કંઈ બન્યું તે અણધડ આયોજનના કારણે બન્યું. હાલમાં દેશમાં 1000 વ્યક્તિએ નર્સની સંખ્યા 1.96 છે. ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ મુજબ આ સંખ્યા હજારે ત્રણ સુધીની હોય તો તેનાથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સંતુલન જળવાઈ શકે. પરંતુ તેમાં 1000 વ્યક્તિએ એક નર્સની ઘટ આપણે ત્યાં છે. આપણી વસતી મુજબ જોઈએ તો નર્સના ક્ષેત્રમાં પણ ખૂબ મોટી કમી છે. હવે એક તરફ પ્રતિભાશાળી તાલીમાર્થીની શોધ છે અને બીજી તરફ બેરોજગારી છે. આ બંને સ્થિતિનો દોષ સરકારનો આવે છે. મોટાં મોટાં દાવાઓ વચ્ચે આપણે ત્યાં અમલીકરણ થતું નથી – આવું લખવાનું કારણ માત્ર એટલું છે કે કોઈ પણ સરકાર અત્યાર સુધી એવી કોઈ વ્યવસ્થા ગોઠવી ન શકી કે જેનાથી આ પ્રશ્નનું નિરાકરણ આવે. આ અંગે અમેરિકાની ‘રોસલિન્ડ ફ્રેન્કલિન યુનિવર્સિટી’ અંતર્ગત કર્ણાટકના અધ્યાપક સાબુ મંડપમે એક અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ 2020 અગાઉ થયો હતો અને તેમાં 2020માં 75 લાખની આસપાસ હેલ્થકેર વર્કફોર્સ ભારતમાં જોઈશે- તેવી રજૂઆત તર્ક-દલીલ સાથે કરવામાં આવી હતી. આ અભ્યાસમાં અલગ-અલગ સ્ટ્રીમના ડૉક્ટરોની માંગની પણ વાત મૂકવામાં આવી હતી. જેમ કે 2030 સુધી ભારતમાં વીસ લાખથી વધુ ફિઝિશિયન જોઈશે. આ અહેવાલમાં કોઈ પણ આંકડામાં આપણી સ્થિતિ જમા પાસું દર્શાવતી નથી.

- Advertisement -

સ્કીલ્ડ વર્કર્સની ઘટને લઈને સ્થિતિ એટલી સામાન્ય થઈ ચૂકી છે કે ઉદ્યોગપતિઓ પણ અવારનવાર આ અંગે ટિપ્પણી કરે છે. ‘આરપીજી’ ગ્રૂપના ચેરમેન હર્ષ ગોએન્કાએ એક ટ્વિટમાં લખ્યું હતું કે, ‘આપણા દેશમાં બેરોજગારીને લઈને ફરિયાદો થતી હોય છે. મારો પ્રશ્ન અમારા ઉદ્યોગમાં તાલીમાર્થી લોકોને લઈને છે. અમને કન્સ્ટ્રક્શન વર્કર્સ જોઈએ છે – તે અમને પૂરતા મળતા નથી. અમને ટ્રક ડ્રાઇવર્સ જોઈએ છે – જેમની ખૂબ ઘટ છે. અમને પ્લાન્ટેશનનું કામ કરનારા જોઈએ છે – તે પણ ઉપલબ્ધ નથી. આ અંગે કોઈ પણ સમાધાન મળતું નથી’ આ સ્થિતિનું એક કારણ આપણી શિક્ષણપદ્ધતિ પણ છે. આપણું શિક્ષણ ડિગ્રી કેન્દ્રી છે, નહીં કે તાલીમ કે જ્ઞાન આધારીત. મહદંશે શિક્ષણમાં જે રીતે થિયરી પણ ભાર આપવામાં આવે છે, તે કરતાં વધુ ને વધુ પ્રેક્ટિકલ જ્ઞાન પર આધાર રાખવો જોઈએ.

વધુ વસતીના કારણે ભારતમાં આ પ્રશ્ન વધુ ભયાવહ છે, પરંતુ જર્મની જેવા દેશો પણ સ્કીલ્ડ વર્કર્સની ઘટથી ઝઝૂમી રહ્યા છે. જર્મનીમાં સ્કીલ્ડ વર્કર્સ નથી અને તે કારણે જર્મની મંદીમાં સપડાયું છે – તેવાં પણ ન્યૂઝ અહેવાલો પ્રકાશિત થયા છે. જર્મની સ્કીલ્ડ વર્કર્સ માટે ભારત તરફ મીટ માંડીને બેઠું છે. જર્મનીએ આ માટેના પ્રયાસ પણ શરૂ કરી દીધા છે. જર્મનીમાં આપણા દેશના સ્કીલ્ડ વર્કર્સ દ્વારા મળેલી સફળતાની પ્રશંસા ત્યાંના લેબર મિનિસ્ટર હુબરટસ હેલએ પણ કર્યાં છે. ભવિષ્યમાં પણ જર્મની ભારતીયોને પ્રાથમિકતા આપવાનું વિચારી રહ્યું છે. મતલબ કે ભારતમાં જો સ્કીલ્ડ વર્કર્સ તૈયાર થયા તો તેમને જર્મની જેવા દેશો લઈ જવા તૈયાર છે. જર્મની જેવા દેશોને ભારત પર વધુ આધાર રાખવાનું થાય છે તેનું એક કારણ આપણે ત્યાં યુવાનોની વધુ સંખ્યા છે – અન્ય વિકસિત દેશોમાં યુવાનો ઘટી રહ્યા છે.

આ અંગે કેળવણીકાર કાકાસાહેબ કાલેલકર ઘણું લખ્યું છે. ‘કેળવણીવિષયક લેખો’ નામના પુસ્તકમાં તેઓ એક ઠેકાણે લખે છે : “સંસ્કારની કેળવણી અને ઉદ્યોગની કેળવણી એવો ભેદ જ કરવો જોઈતો નહોતો. જો રાષ્ટ્રમાં સામર્થ્ય કેળવવાની ઇચ્છા હોય, તેજસ્વિતા જગાડવી હોય, દીર્ધોદ્યોગ ખીલવવો હોય તો અક્ષર અને હુન્નર એ બેને વિખૂટા ન જ પડાય. ઔદ્યોગિક કેળવણી દ્વારા શરીર કેળવાય છે, ઇંદ્રિયોનો વિકાસ થાય છે, આર્થિક મૂંઝવણ દૂર થાય છે. સ્વાશ્રય શક્ય થાય છે, વગેરે લાભો તો છે જ, નિર્વિવાદ છે. પણ ઔદ્યોગિક કેળવણીનો મુખ્ય લાભ તો ચારિત્રની તેજસ્વિતામાં રહેલો છે. ઔદ્યોગિક કેળવણી લેતી પ્રજા ચારિત્રસંપન્ન અને ટેકીલી થાય છે.” આપણા પૂર્વેના કેળવણીકારો જે કહી ગયા છે તેનાથી તદ્દન વિપરીત દિશામાં શિક્ષણને જઈ રહ્યું છે. પરંતુ હવે સૌને શ્રેષ્ઠ પરિણામ જોઈએ છે અને તેના કારણે શીખવાની રસપ્રદ પ્રક્રિયાનો ભોગ લેવાયો છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular