કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): વર્તમાન ક્રિકેટમાં સફળતમ કેપ્ટનમાં ઑસ્ટ્રેલિયાના (Australia) પેટ કમિન્સનું (Pat Cummins) નામ આવે છે. 31 વર્ષીય કમિન્સનું હાલમાં ‘ટેસ્ટેડ’ (Tested) નામનું પુસ્તક આવ્યું છે. ઑસ્ટ્રેલિયન ટીમની લિડરશીપની સફરમાં પેટ કમિન્સે તેના પડકાર જોયા અને તેમાંથી ઉકેલ પણ કાઢ્યા. 2023માં વન ડે અને ટેસ્ટ – બંને ફોર્મેટમાં કમિન્સની આગેવાનીમાં ઑસ્ટ્રેલિયા વિશ્વ ચેમ્પિયન બન્યું. જોકે કમિન્સની આ લિડરશીપની સફરમાં સ્વાભાવિક પોતાના અનુભવ જ હોય; તેથી તેને થયું કે લિડરશીપ અંગે તે વધુ જાણે અને લોકોને જણાવે. આ માટે પેટ કમિન્સે ખુદ જુદી જુદી અદ્વિતિય 11 વ્યક્તિઓની મુલાકાત લીધી છે અને તેનો આધાર લઈને ‘ટેસ્ટેટ’ પુસ્તક પ્રકાશિત થયું છે. આ પુસ્તકની ભૂમિકારૂપે પેટ કમિન્સે પોતાની સફરની વાત માંડીને કરી છે.

વિશ્વ ચેમ્પિયન ટીમનો કેપ્ટન કમિન્સ પોતાની કિશોર-યુવાની વયના દિવસો યાદ કરતાં કહે છે કે, ‘2011ના અરસામાં હું એક પ્રોફેશનલ ક્રિકેટર બન્યો હતો, તે ક્ષણ હું ક્યારેય નહીં ભૂલું. મેં શાળાનું શિક્ષણ લીધું અને હું યુનિવર્સિટી માટે તૈયાર થયો. તે પછી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું અને ત્યાર બાદ ‘ન્યૂ સાઉથ વેલ્સ’ વતી રમ્યો અને પછીનો પડાવ બિગ બેશ ક્રિકેટ હતું. આ બધું જ જાણે પળવારમાં થયું. અને આ તમામ ઘટના અગાઉ હું બિઅર પી શકું તે માટે કાયદાથી લાયક બની ચૂક્યો હતો. 2011માં મેં મારો અઢારમો જન્મદિવસ ઊજવ્યો. અને વધુ ક્રિકેટ રમવાનું ઇચ્છતો હતો, મોટા ભાગે ‘ન્યૂ સાઉથ વેલ્સ’ તરફથી. એક મહિનામાં જ મને આશ્ચર્ય થયું કે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મારી સાથે કરાર કરવા માંગે છે. વનડે અને ટ્વેન્ટી20માં મારા સારા પરર્ફોમન્સ બાદ 2011માં દક્ષિણ આફ્રિકામાં મને રિકી પોન્ટિગ દ્વારા ‘ગ્રીન’ [ આંતરરાષ્ટ્રિય પદાર્પણ વખતે કેપ્ટન દ્વારા આપવામાં આવતું સન્માન] કેપ મળી. ટેસ્ટ કેપ મેળવી તે સપના સમાન હતું. મારા ભાઈ સાથે હું અમારા બેકયાર્ડમાં ક્રિકેટ રમતો અને અચાનક એક દિવસ હું ઑસ્ટ્રેલિયા તરફથી ટેસ્ટ મેચ રમવા લાગ્યો. મારું પદાર્પણ પણ સપના સમાન હતું. જોહાનિસબર્ગમાં રમાયેલી મેચની બીજી ઇનિંગમાં મેં છ વિકેટ લીધી અને વિનિંગ રન ફટકાર્યા. મારું નામ ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે જાહેર થયું.’

આ પુસ્તક લખવાની પ્રેરણા પેટ કમિન્સને મળી તે તેના અનુભવના આધારે. એવી અનેક ક્ષણો આવી જ્યારે પેટ કમિન્સ માનસિક-શારીરિક રીતે સંઘર્ષ કરવાનો આવ્યો. તે લખે છે : એક તરફ સપનું સાકાર થઈ રહ્યું હતું જ્યારે બીજી તરફ મારા પગમાં દરદ થતું હતું. બોલિંગના એક પછી એક સ્પેલમાં તે દરદ વધી રહ્યું હતું. મને એમ લાગ્યું કે બરફ અને સમયથી આ દરદ મટી જશે, પરંતુ આ દરદ એ પ્રકારનું નહોતું. નિદાન થયું કે મારા તળીયામાં ચીરાં પડ્યા છે અને મને હાડકાની ઇજા થઈ હતી. આ સમયમાં મારે પીછેહઠ કરવી પડી. આ ઇજાથી સાજો થઈને ક્રિકેટ મેદાન પર પાછા ફર્યા બાદ 2012માં ફરી ઇજા થઈ. આ વખતે ઇજા પીઠમાં થઈ હતી. મારા માટે આ સમય નિરાશાનો હતો. હું ઇચ્છતો હતો કે મારી આસપાસના શ્રેષ્ઠત્તમ ખેલાડીઓની સામે હું રમું અને મારી યોગ્યતાને ચકાસું. પરંતુ હંમેશા મને કોઈને કોઈ ઇજા થતી અને મારે પીછેહઠ કરવી પડતી.
પેટ કમિન્સે આ અનુભવ વિગતે લખ્યો છે પણ અહીંયા તે ટૂંકમાં આપ્યો છે. ક્રિકેટ ગ્રાઉન્ડ પર આજે વિશ્વના શ્રેષ્ઠત્તમ બોલર અને આખરના બેટ્સમેન તરીકેની કાબેલિયત સાબિત કરનાર પેટ કમિન્સ એક સમયે ક્રિકેટ રમવા માટે ઝઝૂમતો હતો. તે પછી તેણે ઓસ્ટ્રેલિયન ટીમમાં કાયમી સ્થાન બનાવ્યું અને પછીના દોરમાં સફળ કેપ્ટન પણ બન્યો.
પરંતુ જ્યારે તેને કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો ત્યારે તેના મનમાંથી પહેલોવહેલો શબ્દ નીકળ્યો તે ‘પ્લીઝ, નોટ નાઉ’ એ હતો. તે સમયે પેટ કમિન્સ પોતાની જાતને કેપ્ટન્સી માટે તૈયાર માનતો નહોતો. તે આ વિશે માંડિને વાત કરતા કહે છે : ‘હું એ ઠોસ રીતે માનું છું કે સૌ કોઈ પોતાની ક્ષમતા વિકસાવી શકે, જો તેમને સમય આપવામાં આવે. તે સમયે હું પિતા બનવા માટે અને મહદંશે ટેસ્ટ કેપ્ટનની ક્ષમતા કેળવી રહ્યો હતો. મારી એક ક્ષમતા પર પહેલેથી જ કામ કરી રહ્યો હતો, હવે બીજું કામ મને મળી રહ્યું હતું. મારા મસ્તિષ્કમાં એ પણ હતું કે હું પિતા તરીકેની જવાબદારી કેવી રીતે અદા કરું. અને એ રીતે ટીમમાં એક કેપ્ટન તરીકે પણ. અને તે પછી હું કેપ્ટન બનવા તૈયાર થયો. આ માટે હું અતડો હતો તે એક માત્ર કારણ નહોતું, ન તો મારી પ્રામાણિકતા તેનું કારણ હતી. બલકે સત્ય એ હતું કે હું તૈયાર નહોતો.’
ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પુસ્તકની ભૂમિકા માટે આગળ જે લખે છે તે ધ્યાનથી વાંચવા જેવું છે. તે કહે છે કે, ‘હું મારી જાતને કેન્દ્રમાં રાખવા માંગતો નહોતો. હું અલગ અલગ ફિલ્ડના લોકો પાસે બેસીને તેમના અદભુત અનુભવ જાણવા માંગતો હતો. જેમણે પડકાર લીધા હોય તેમની સાથે મારે વાત કરવી હતી. તેમના બહોળા અને વ્યક્તિગત અનુભવ વિશે. હું તેમની પાસેથી શિખવા માંગતા હતો.’ આ માટે પેટ કમિન્સે પોતાની તમામ મર્યાદાઓ જાણે ઓળખી અને સ્વીકારી હોય તેમ – તે લખે છે : ‘ક્રિકેટર તરીકે હું તકનીકી નથી. હું હરિફ છું. મોટા ભાગે નેટ્સનો બોલર રહ્યો નથી. નેટ્સમાં બોલિંગમાં નિરસતા પણ લાગતી. હું ફરી ક્યારે રમીશ તે પણ નિર્ધારીત નહોતું. મારે છેક નીચેથી ફરી ઉપર ઉઠવાનું હતું. તે મેં કરી બતાવ્યું. બોલિંગ કરી કરીને મેં નવી એક્શન કામ આવે તે માટે શોધ આદરી. જોકે મારી સ્થિતિ વધુ બગડતી ગઈ. મેં બોલિંગમાંથી બાઉન્સ અને એક્યુરેસી ખોઈ દીધી.’
આ બધી મુશ્કેલ વેળાએ જે વ્યક્તિએ પેટને કોચિંગ આપ્યું તે વિશે પુસ્તકમાં તે ડેનિસ લીલીનો દાખલા ટાંકે છે. ડેનિસ લીલીએ ક્રિકેટ તરીકેની પોતાની કારકિર્દી પૂર્ણ કર્યા બાદ કોચ બન્યા. તેમણે મહંદશે ભારતના એમઆરએફ ફાઉન્ડેશનમાં કોચિંગ કર્યું હતું. એમઆરએફ પેસ ફાઉન્ડેશનની સ્થાપના મદ્રાસ રબર ફેક્ટરી નામની કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રવિ મેમ્મને કરી હતી. સામાન્ય રીતે ભારતમાં સ્પિન બોલિંગને મહત્ત્વ અપાતું હતું. રવિ મેમ્મને વિચાર્યું કે નેશનલ ટીમમાં ફાસ્ટ બોલર આવે અને તે માટે તેમણે ડેનિસ લીલીની મદદ માંગી. ડેનિસ લીલી આ ફાઉન્ડેશનના ડિરેક્ટર બન્યા. અહીંયા એક બોલરને મળવી જોઈએ તે બધી જ ટ્રેનિંગ ઉપલબ્ધ કરવામાં આવી. ગ્લેન મેકગ્રાથ અને બ્રેટ લીએ સુધ્ધા અહીંયા ટ્રેનિંગ લીધી છે. 2012માં ડેનિસ લીલી પાસેથી પેટ કમિન્સે ટ્રેનિંગ મેળવી અને લીલીએ તેની એક્શનનું નિરીક્ષણ કર્યું. પહેલાં તો કમિન્સને પાયાની બાબત પર ડેનિસ લીલી લઈ આવ્યા. તેમણે પહેલાં કમિન્સના મજબૂત પાસાં પર કામ કરવાનું કહ્યું. કમિન્સ ડેનિલ લીલીની વાત કરતા લખે છે કે, ‘મહાન કોચ બકવાસ કે બબડાટ કરતા નથી. તેઓ પોતાના ખેલાડીઓમાં એક પ્રકારની જવાબદારીનું સિંચન કરે છે. એક ક્રિકેટરે પોતાની રમત જાતે રમવાની હોય છે અને તેની સફળતા માટે લડવાનું હોય છે. પોતાની નિષ્ફળતાને સ્વીકારવાની હોય છે. – ખેલાડી વતી નિષ્ફળતાનો સ્વીકાર કોમેન્ટટ્રેટર, ચાહકો કે પછી એડમિનિસ્ટ્રેટિવ કરતા નથી. હું ડેનિસ લીલી પાસેથી ઘણું શીખ્યો છું. પણ સૌથી અગત્યની વાત શીખ્યો કે એક ખેલાડી તરીકે મારે જવાબદારી લેવાની છે.’
ડેનિસ લીલી સાથેની ટ્રેનિંગથી પેટ કમિન્સનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. ડેનિસ લીલી જેવા વ્યક્તિ સતત રમતને સુધારવા માટે પ્રયાસ કરતા હોય છે અને તેનાથી પેટ કમિન્સ ખૂબ શીખ્યો છે – તેવું તે સ્વીકારે છે. ‘ટેસ્ટેડ’ પુસ્તક પ્રકાશિત થયું છે અને તેના થોડા જ અહેવાલો ભારતના અંગ્રેજી મીડિયામાં પ્રસારીત થયા છે. પરંતુ જેઓને લિડરશીપ વિશે ઠોસ કશુંક વાંચન કરવું હોય તો પેટ કમિન્સનું આ પુસ્તક ઉપયોગી થાય એવું છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796