Sunday, October 13, 2024
HomeGujaratAhmedabadદેશનું ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર કેમ તકલાદી લાગી રહ્યું છે?

દેશનું ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર કેમ તકલાદી લાગી રહ્યું છે?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): દર વર્ષ કરતાં આ વખતે વરસાદ વધુ પડ્યો અને દેશના મોટા ભાગના હિસ્સામાંથી એવા ન્યૂઝ આવતા રહ્યા, જેમાં બ્રિજ, રસ્તા, ટનલ અને સ્ટેચ્યૂ પણ તૂટી પડ્યાં હોય કે તેમાં ગાબડાં પડ્યા હોય. આશ્ચર્યની વાત તો એ છે કે કેટલાંક ઠેકાણે તો તૂટી પડેલા બ્રિજ, રસ્તા અને ટનલને ખુલ્લાં મૂકાયાને મહિનાઓનો જ સમય વીત્યો છે. આ સ્થિતિ ગામે-ગામ અને શહેર-શહેરે થઈ છે, જ્યાં લખલૂટ ખર્ચ કરીને માળખાકીય સુવિધા નિર્માણ કરી હોય ત્યાં એકાએક બધું ધસી પડ્યું રહ્યું છે. અને આ ખામીઓ વરસાદના (Rain) શરૂઆતથી જ સામે આવવા માંડી હતી. દિલ્હી એરપોર્ટ (Delhi Airport)પર વરસાદની શરૂઆતના જૂન મહિનામાં જ ટર્મિનલ એકની છજા તૂટીને પડી હતી. તેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને આઠ ઇજા લોકો પામ્યા હતા. આ એરપોર્ટ નવનિર્મિત કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) માર્ચ મહિનામાં ખુલ્લું મૂક્યું હતું અને ત્રણ મહિનામાં એરપોર્ટના નવનિર્માણમાં થયેલો ભ્રષ્ટાચાર ખુલ્લો પડવા માંડ્યો. આવી ઘટના મધ્યપ્રદેશના નવનિર્મિત જબલપુર એરપોર્ટ પર પણ થઈ હતી. આ એરપોર્ટનું પણ ત્રણ મહિના અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. જૂન મહિનામાં અહીંયા વરસાદના કારણે એરપોર્ટ પરની છજા એક કાર ઉપર પડી હતી, સદ્ભાગ્યે તેમાં કોઈ જાનહાનિ ન થઈ. આશ્ચર્ય થાય પણ નવનિર્મિત રાજકોટ એરપોર્ટ ખાતે પણ છજા તૂટી પડી હતી. અને આ એરપોર્ટ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લું મૂકાયું હતું. વરસાદની સિઝનની શરૂઆતમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી, જેમાં નવનિર્મિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સવાલ ખડા થાય.

infrastructure india

છેલ્લા બે મહિનાથી બિહારમાં એ રીતે તૂટી પડતાં બ્રિજની વાત ન્યૂઝમાં ચકમતી રહી. બિહારમાં માત્ર બે અઠવાડિયા ગાળામાં 12 બ્રિજ તૂટી પડ્યા હતા. આ વિશે બિહાર સરકાર વતી ‘વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટ’ના એડિશનલ ચીફ સેક્રટરી ચૈતન્ય પ્રસાદે મીડિયાને કહ્યું હતું કે, આ તમામ બ્રિજ બાંધકામને લઈને તેના માપદંડ પર ખરા ઉતર્યા નહોતા. અને તેમના પાયા કાચા હતા, પૂર જેવી સ્થિતિ ઊભી થઈ ત્યારે આ બ્રિજ તૂટી પડ્યા. સરકાર વતી એડિશનલ ચીફ સેક્રેટરીએ આટલી જ માહિતી આપી, પરંતુ બ્રિજનું કાર્ય કરનારાં નિષ્ણાતો મુજબ તો તેમાં ડિઝાઇન, સુપરવિઝન, ખરાબ ગુણવત્તાનો માલસામાન પણ જવાબદાર હતા. પોતાના બચાવમાં બિહાર સરકારે એમ પણ કહ્યું કે નેપાળ તરફથી જે રીતે પાણી નદીઓમાં વહેવા માંડે છે તે કારણે પણ બ્રિજ તૂટી પડ્યાં છે. આ ઘટનાને લઈને બિહાર સરકારે હાલ પૂરતા કાર્યવાહીના નામે દસ એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા છે અને તમામ બ્રિજનું ઓડિટ કરવાનો ફરમાન છોડ્યું છે.

- Advertisement -
India infrastructure
India infrastructure

ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થયેલા લોલમલોલથી કોઈ રાજ્ય બાકાત નથી. મહારાષ્ટ્રમાં છેલ્લા વર્ષોમાં મસમોટાં પ્રોજેક્ટ થયાં છે, તેમાંથી એક કોસ્ટલ રોડ ટનલ છે. દેશની આ પ્રથમ દરિયાઈ ટનલ છે. આ પૂરો માર્ગ 29 કિલોમીટર લાંબો અને આઠ લેન ધરાવે છે. આ માર્ગ પરથી દિવસના એક લાખ ત્રીસ હજાર વાહનો પસાર થઈ શકે એટલી ક્ષમતા છે. તેના પર થયેલો ખર્ચ કરોડોમાં છે. આ માર્ગ અલગ-અલગ ફેઝમાં તૈયાર થઈ રહ્યો છે, તેમાંથી એક ફેઝનું ઉદ્ઘાટન આ વર્ષના એપ્રિલ મહિનામાં થયું હતું. પરંતુ બે મહિનામાં આ માર્ગમાં આવતાં ટનલમાં પાણીનું લિકેજ થવા માંડ્યું હતું. આ ટનલ બની હતી ત્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ તેનું અનાવરણ કરીને તેનો યશ લીધો હતો. એટલે ટનલમાં લિકેજ થયું ત્યારે મુખ્યમંત્રી એકનાશ શિંદે તુરંત ઇન્સ્પેક્શન માટે દોડ્યા હતા અને નિવેદન આપ્યું કે, “મેં તુરંત કમિશ્નરને બોલાવ્યા અને જાણ્યું કે બે-ત્રણ સ્થાને લિકેજ છે.” મુખ્યમંત્રી આટલી ગંભીર વાત હોવા છતાં તેમાં ‘બે-ત્રણ’ એવો અંદાજો લગાવે છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ લિકેજ યોગ્ય રીતે પૂરી દેવામાં આવશે તેવો વાયદો કર્યો છે, પણ આપણે જાણીએ છીએ કે તેમનો વાયદો આ ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચરની જેમ તકલાદી સાબિત થવાનો છે.

દેશભરમાં જ્યારે કોઈ મોટા પ્રોજેક્ટ લોન્ચ થાય છે ત્યારે તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન કે જે-તે રાજ્યના મુખ્યમંત્રી કરે છે. આવાં પ્રોજેક્ટનો જશ લેવામાં મહદંશે રાજનેતા પોતાનું જ નામ આગળ ધરતા હોય છે. બીજા કોઈને તેનો જશ મળતો નથી. છેલ્લા ઘણાં વર્ષોથી આ પેટર્ન થઈ ચૂકી છે અને તેથી જ્યારે આવાં પ્રોજેક્ટમાં કોઈ ખામી સર્જાય ત્યારે મીડિયા-પ્રજાના નિશાના પર એ જ રહેવાના જેમણે તેનો જશ ખાટ્યો હોય. અને એટલે જ મહારાષ્ટ્રમાં સિંધુદુર્ગ ખાતે છત્રપતિ શિવાજીનું સ્ટેચ્યૂ તૂટી પડ્યું ત્યારે વડા પ્રધાન કફોડી સ્થિતિમાં મૂકાયા હતા. તેમણે આ સ્ટેચ્યૂને લઈને મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં સભાને સંબોધતા કહ્યું હતું કે, “મૈં આજ સર ઝુકાકર કે મેરે આરાધ્ય દેવ છત્રપતિ શિવાજી મહારાજ કી ઉનકે ચરણો મેં મસ્તક રખકર માફી માંગતા હું.” જોકે આ માફીમાં શિવાજી મહારાજનું સ્ટેચ્યૂ તૂટી પડ્યું તેના અફસોસ કરતાં માફી માંગવાનું ગર્વ વધારે દેખાતું હતું. તેમણે પોતાની માફીની વાતમાં ક્યાંય સ્ટેચ્યૂ તૂટી પડ્યું તેની તપાસની વાત કરી નહીં. હજુ તો આ સ્ટેચ્યૂ ગત વર્ષના ડિસેમ્બરમાં નરેન્દ્ર વડા પ્રધાને ખુલ્લું મૂક્યું હતું. આ અંગે મહારાષ્ટ્રમાં રાજકારણ પણ ખેલાયું અને સરકારના માથે દોષ પણ દેવામાં આવ્યો, પરંતુ તેને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘સ્ટેચ્યૂ વધુ હવાના કારણે તૂટી પડ્યું. આ કમનસીબી છે. અમારા મંત્રી ત્યાં ગયા છે અને તપાસ કરી રહ્યા છે.’

અયોધ્યામાં રામમંદિર નિર્માણ પામ્યું તે પછીના પ્રથમ વરસાદમાં પણ આજ પ્રકારની સ્થિતિ જોવા મળી. રામમંદિર તરફ જતો રામપથમાં અનેક ઠેકાણે પાણી ભરાયા અને એ રીતે જ ખાડા પડ્યા. એટલું જ નહીં રામ મંદિરમાંથી પણ કેટલાંક ઠેકાણે પાણી ટપકવા માંડ્યું હતું. એ રીતે અયોધ્યામાં જ્યાં નવું રેલવે સ્ટેશન નિર્માણ પામ્યું હતું ત્યાં પણ ઠેકાઠેકાણે વોટરલોગિંગ જોવા મળ્યું હતું. દેશના સૌથી મોંઘા પ્રોજેક્ટમાંનો એક મુંબઈના અટલ સેતુ પર પણ તિરાડો જોવા મળી હતી. દેશભરમાં જે કંઈ થયું છે તેના આ થોડા ઉદાહરણો છે, જેમાં નિર્માણ તૂટી પડી રહ્યા છે. આ નિર્માણકાર્ય કેવી રીતે થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે અને તેમાં કયા પ્રકારના માલસામાનનો ઉપયોગ થઈ રહ્યો છે તે અંગે ઝાઝી ચર્ચા થતી નથી. જ્યારે આવા પ્રોજેક્ટ નિર્માણ થઈને તૈયાર થાય છે ત્યારે જ તે અંગે શાસકો વિચારે છે અને નિર્માણ કર્યાનો લાભ ખાટવા આવે છે. આ ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર તૂટી પડ્યા પછી પણ તેની સીધી જવાબદારી સરકાર નક્કી કરી શકતી નથી. કેટલાંક ઇજનેરો અને લાગતાં-વળગતાં અધિકારીઓ સસ્પેન્ડ થાય છે, પણ તેમના ગુનાહિત બેદરકારીની કાર્યવાહી થતી નથી.

- Advertisement -

દેશભરમાં માર્ગોની જે સ્થિતિ થઈ છે તેની વાત તો હજુ બાકી રહી. મુંબઈ-અમવાદાવાદ હાઈવે હોય કે સ્ટેચ્યૂ ઓફ યુનિટિ તરફ જતો માર્ગ હોય. બધું જ વર્લ્ડ ક્લાસ નિર્માણ કરવાના દાવા થયા છે, પરંતુ તેની વાસ્તવિકતા એક જ વરસાદમાં સામે આવી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્સપર્ટ માને છે કે, દેશના વાતાવરણની પેટર્ન બદલાઈ રહી છે. તાપમાન, વરસાદ અને પવનની ગતિમાં પણ પરિવર્તન આવ્યું છે એટલે તે પ્રમાણે હવે માળખાગત સુવિધાઓમાં પણ ફેરફાર લાવવાની જરૂરિયાત છે. ઘણી વાર મોટાં પ્રોજેક્ટમાં સજાવટના નામે જે કંઈ નિર્માણ કરવામાં આવે છે તે વરસાદ અને વધુ પવન વખતે તૂટી જાય છે, એટલે સૌપ્રથમ તેનું ટકાઉપણ તપાસવું જોઈએ. બ્યુટિફિકેશન કરતાં ટકાઉપણા પર વધારે ભાર આપવો જોઈએ. આ ઉપરાંત બાંધકામને લઈને માનદંડ બદલાવવા જોઈએ અને જવાબદારી પણ ફિક્સ થવી જોઈએ. નિર્માણ કાર્ય માટે કોણ જવાબદાર રહેશે તે અગાઉથી નિર્ધારીત થવું જોઈએ. અત્યારે જે પ્રકારે નિર્માણકાર્યમાં ઝડપ લાવવામાં આવી છે તે અતિ જોખમી છે. અતિ ઝડપમાં ક્વોલિટી સાથે બાંધછોડ થઈ છે અને હવે તે મર્યાદા આપણી સમક્ષ આવી રહી છે. પ્રજા તરીકે આપણી પર આ જોખમ ઊભું થયું છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular