Saturday, October 12, 2024
HomeGujaratAhmedabad‘આઈસી-814 હાઇજેક’ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનું સફળ ઓપરેશન

‘આઈસી-814 હાઇજેક’ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનું સફળ ઓપરેશન

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ):આઇસી 814’ કંદહાર હાઇજેક સિરીઝનો વિવાદ ચાલી રહ્યો છે; ત્યારે મુંબઈ પોલીસના (Mumbai Police) પૂર્વ અધિકારી ડી. સિવાનંધનની આગામી દિવસોમાં આવનારા પુસ્તક ‘બ્રહ્માસ્ત્ર’ના કેટલાંક અંશમાં વાંચવા જેવા છે. આ પુસ્તકમાં ડી. સિવાનંધને કંદહાર હાઇજેક કેસમાં મુંબઈ પોલીસે કરેલી તપાસની વિગત વર્ણવી છે. ઇન્ડિયન એરલાઇન્સ-આઇસી 814ને (Indian Airlines IC 814) આંતકવાદીઓએ કાઠમંડુથી હાઇજેક કર્યું ત્યાર પછી તે આંતકવાદીઓની સૌપ્રથમ ઓળખ મુંબઈ પોલીસે કેન્દ્રના ગૃહ મંત્રાલય સુધી પહોંચાડી હતી. કેન્દ્રની તમામ ગુપ્તચર સંસ્થાઓ કાઠમંડુથી દિલ્હી આવી રહેલા વિમાનનું અપહરણ કોણે કર્યું તે અંગે માહિતી મેળવી શક્યા નહોતા, ત્યારે મુંબઈ પોલીસે થોડા દિવસોમાં જ અપહરણકર્તાના નામ શોધી કાઢ્યા હતા. આ ઓપરેશનની પૂરી વિગત ડી. સિવાનંધનને ‘બ્રહ્માસ્ત્ર’ પુસ્તકમાં આલેખી છે અને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા તેની વિગતે નોંધ લેવાઈ છે. ડી. સિવાનંધન મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર રહી ચૂક્યા છે. દેશના ચુનંદા ‘આઈપીએસ’ અધિકારીઓમાં તેમની ગણના થાય છે. જ્યારે કંદહાર હાઇજેકની ઘટના બની ત્યારે તેઓ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એસીપી તરીકે તેઓ ફરજ બજાવતા હતા.

IC-814 Hijack
IC-814 Hijack

હવે આગળ ડી. સિવાનંધના શબ્દોમાં ઘટના : “કાઠમંડુથી દિલ્હી આવી રહેલી એરલાઇન્સ ફ્લાઇટ આઇસી 814નું ટેક ઓફ થયા પછીના ત્રીસ મિનિટમાં હાઇજેક થઈ હતી. આ સમાચાર મળતા પૂરો દેશ એલર્ટ મોડમાં મૂકવામાં આવ્યો. આ દરમિયાન હું મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની આગેવાની કરતો હતો અને મુંબઈ પોલીસના જોઇન્ટ કમિશ્નર ઓફ પોલીસ તરીકે ફરજ પર હતો. હાઇજેકની માહિતી મને તત્કાલિન મુંબઈ પોલીસ કમિશ્નર આર. એચ. મેન્ડોન્કાએ આપી હતી અને ક્રાઇમ બ્રાન્ચને એલર્ટ મોડમાં રહેવા જણાવ્યું હતું. અમે પણ પૂરી ઘટનાને નિહાળી રહ્યા હતા. ફ્લાઇટ હાઇજેક થયા પછીના 26 ડિસેમ્બરે ક્રિસમસનો તહેવાર હતો. ક્રોફોર્ડ માર્કેટ સ્થિત મુંબઈ પોલીસના મુખ્ય મથકે હું મારા ઓફિસમાં હતો. અંદાજે 11 વાગ્યે એક અજાણ્યા મહેમાન મને મળવા આવ્યા, તે મહારાષ્ટ્ર કેડરના ઓફિસર હેમંત કરકરે હતા. તે સમયે તેઓ ‘રિસર્ચ એન્ડ એનાલિસિ વિંગ’[રૉ]માં ફરજ બજાવતા હતા. મને ખ્યાલ આવી ગયો કે તેઓ કોઈ સામાન્ય મુલાકાત માટે આવ્યા નથી. હેમંત કરકરેએ મને ‘રૉ’ દ્વારા મહામહેનતે મેળવેલો મુંબઈનો એક ફોન નંબર આપ્યો. આ ફોન નંબર પર નિયમિત રીતે પાકિસ્તાનમાં વાત થતી હતી. મને તે નંબર આપ્યા બાદ હું તુરંત તેના કામે લાગ્યો. મેં ટીમો બનાવી અને સૌને કહ્યું કે આ કામ ચોક્સાઈ અને શાંતિથી થવું જોઈએ. તેમાંથી એક ટીમ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડરને ત્યાં મોકલી, જેથી ફોન કરનારની વિગત અને લોકેશન મેળવી શકાય. એ ઉપરાંત તેમને કોલ લોગ અને અન્ય વિગત કાઢવાનું પણ કહ્યું. એક અન્ય ટીમને મળેલા મોબાઈલ નંબરના સર્વેલન્સની જવાબદારી સોંપી, જેનાથી કોલ કરનારનું લોકેશન જાણી શકાય. આ અંગેની પ્રથમ માહિતી એ મળી કે મોબાઇલનો ઉપયોગ જુહુ અને મલાડ વિસ્તારની વચ્ચે થઈ રહ્યો છે. અમને આ અગત્યની માહિતી મળી હતી, તેમ છતાં તે અમારા માટે ઉપયોગી નહોતી, કારણ કે આ બંને વિસ્તારની વચ્ચે નિવાસ કરતી વસતી લાખોમાં હતી. 1999માં માત્ર એવી ટેકનોલોજી ઉપલબ્ધ હતી જેમાં મોબાઈલ ટ્રેસિંગ દ્વારા સંવાદ સાંભળીને લોકેશન મેળવી શકાય. પહેલાં ત્રણ દિવસ અમને કશુંય ન મળ્યું. અધિકારી સહિત સત્તાવાળાઓ પણ તેનાથી હતાશ થયા હતા. બીજી તરફ હાઇજેકની સ્થિતિ વધુ કટોકટીભરી બનતી જતી હતી. એ સમયે ફોન સાંભળવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો, જેમાં એક તરફ અઝાન અને બીજી તરફ ક્યાંક ઢોરોનો અવાજ આવતો હતો. બે દિવસથી ક્રાઇમ બ્રાન્ચના અધિકારી જુહુ અને મલાડ વચ્ચેની આ પ્રકારની અવાજવાળી જગ્યા શોધી રહ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ એવી દરેક મસ્જિદની તપાસ કરી જેની આસપાસ ઢોરોને રાખવામાં આવ્યા હોય.”

- Advertisement -
IC-814 Hijack case
IC-814 Hijack case

આગળ ડી. સિવાનંધન લખે છે : “28 ડિસેમ્બર સુધી અમને માહિતી મળ્યાને ત્રણ દિવસ વીતી ચૂક્યા હતા. હાઇજેક થયાને પણ એટલો સમય થઈ ચૂક્યો હતો. અમારા હાથમાં કશુંય નહોતું. એ દિવસે સાંજના છ વાગ્યે અમારા માટે આશા જાગે તેવી માહિતી મળી. સર્વેલન્સ ટીમ મોબાઈલના નંબરને મોનિટરીંગ કરી રહી હતી, તેમણે જોયું કે ફોન ફરી એક્ટિવ થયો છે. અમે સાંભળ્યું કે મુંબઈથી તે નંબરથી થયેલો ફોન પાકિસ્તાનમાં જોડાયો. મુંબઈથી પૈસાની માંગણી થઈ. સામેથી જવાબ આવ્યો કે ત્રીસ મિનિટ સુધી રાહ જુઓ, હું વ્યવસ્થા કરું છું. મને ખ્યાલ આવ્યો કે હવે અમને જોઈતી માહિતી મળશે. રેકોર્ડિંગ રૂમમાં મેં સૌને ચેતવ્યા. બરાબર 45 મિનિટ પછી ફોન આવ્યો. પાકિસ્તાનથી કોલ કરનારો જૈશ-એ-મોહમ્મદ સંગઠનનો આતંકવાદી હતો. તેણે મુંબઈમાં રહેનારા વ્યક્તિને ક્યાં છે તેની વિગત પૂછી. જોકે મુંબઈના હેન્ડલરે કોઈ પાકું સરનામું ન આપ્યું. તેણે આડોઅવળો જવાબ આપીને મુંબઈના પૂર્વમાં આવેલા જોગેશ્વરીમાં તે મળશે તેમ કહ્યું. આખરે પાકિસ્તાનના આંતકવાદીએ તેને કહ્યું કે તને હવાલાથી એક લાખ મળી જશે. મુંબઈમાં એક વ્યક્તિને તને લાખ રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું છે. તારે દક્ષિણ મુંબઈમાં મોહમ્મદ અલી માર્ગ પર આવેલી શાલિમાર હોટલ પર રાતરે 9:30 વાગે પહોંચવાનું છે. તેણે એમ પણ કહ્યું કે રૂપિયા લઈને આવનારા વ્યક્તિએ બ્લ્યુ જીન્સ અને લાઈનિંગવાળો શર્ટ પહેર્યો હશે. તે તને રૂપિયા આપશે. પછી કોલ કપાઈ ગયો. અમને ખ્યાલ આવી ગયો કે અગત્યની માહિતી મળી છે. ક્રાઇમ બ્રાન્ચમાં નિર્ણય લેવાઈ ગયો કે સાદા કપડાંમાં અધિકારીઓ શાલિમાર હોટલ પહોંચી જશે અને આવનારી તમામ વ્યક્તિઓ પર ધ્યાન રાખશે. પૈસા લેવા આવનાર વ્યક્તિની ધરપકડ નહીં કરીએ, કારણ કે તે મૂળ ક્યાંથી આવ્યો છે; તે તપાસ કરવાની હતી. મેં છ ટીમો બનાવી હતી, તેમાં એક સિનિયર પોલીસ અધિકારી હતો અને એક જુનિયર. તે બધા જ સમયસર શાલિમાર હોટલ પર પહોંચી ગયા. ટીમ 9 :30 આસપાસ રાતરે સ્પોટ પર પહોંચી ગઈ અને અલગ-અલગ લોકેશન્સ પર તેમણે પોઝીશન લીધી. દસ વાગ્યાને સુમારે એક વ્યક્તિ આવ્યો અને અગાઉથી ત્યાં હાજર બ્લ્યુ જીન્સ અને શર્ટ પહેરેલા વ્યક્તિને મળ્યો. થોડા જ સમયમાં રૂપિયાની આપલે પછી તેઓ છૂટા પડ્યા. રૂપિયા આપનાર વ્યક્તિ દક્ષિણ મુંબઈ તરફ ટેક્સી પકડીને રવાના થયો. એક ટીમ તેની પાછળ ગઈ. થોડી વાર પછી પૈસા લેનાર વ્યક્તિ પણ ટેક્સી લઈને ત્યાંથી નિકળ્યો. અન્ય ટીમો તેનો પીછો કરી રહી હતી. પીછો કરતા સાવધાન રહેવાનું હતું. આખરે તેની ટેક્સી મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશને પહોંચી. ત્યાંથી તે ઉતરીને રેલવે સ્ટેશન તરફ ગયો. પોલીસ અધિકારીઓ પણ એમ જ કર્યું. તે વ્યક્તિ પ્લેટફોર્મ નંબર એક પર આવ્યો અને લોકલ ટ્રેનમાં ચઢ્યો. કેટલાંક પોલીસ અધિકારી તેની સાથે એ જ કમ્પાર્ટમેન્ટમાં ચઢ્યા અને અન્ય બીજા આસપાસના કમ્પાર્ટમેન્ટમાં. ટ્રેન જોગેશ્વરી પહોંચી અને તે વ્યક્તિ ત્યાં ઉતર્યો. ઓટોરિક્ષા લઈને તે બશીરબાઘ નામના વિસ્તારમાં પહોંચ્યો. પોલીસનું નસીબ સારું હતું કે આટલાં અંતર સુધી પીછો કર્યા છતાં તે વ્યક્તિને ખ્યાલ આવ્યો નહોતો. બાશીરબાઘના ચાલી-છાપરાં વિસ્તારમાં પીછો કરવો મુશ્કેલ હતો. કારણ કે અહીંયાની ગીચ વસ્તીમાં સ્થાનિક લોકો બહારના વ્યક્તિની તુરંત ઓળખ કરી લે એમ હતું. જોકે સૌ અધિકારીઓ અનુભવી હતા. આ રીતે છેલ્લે તે વ્યક્તિ એક ચાલમાં પહોંચ્યા અને એક ખોલીમાં તેણે બહારથી દરવાજો ખટખટકાવ્યો. કોઈએ દરવાજો ખોલ્યો અને તે અંદર ગયો. હવે પોલીસને લોકેશનનો ખ્યાલ આવી ચૂક્યો હતો અને તેથી આ જગ્યાને પોલીસે કોર્ડન કરી લીધી હતી ને તેના પર ચાંપતી નજર રાખી હતી. એ રીતે બે દિવસ સુધી ચહલપહલની નોંધ ક્રાઇમ બ્રાન્ચે રાખી. જેવી ઉપરથી મંજૂરી મળી મુંબઈ પોલીસના કમાન્ડોએ ઓપરેશન શરૂ કર્યું. આ ઓપરેશન એટલા સિફતપૂર્વક કર્યું હતું કે તેમાં ખોલીના વ્યક્તિઓને પ્રતિક્રિયા આપવાનો જરાસરખો સમય ન મળે. અહીંથી કુલ પાંચ આંતકવાદીઓની ધરપકડ થઈ. ઉપરાંત તેમની પાસેથી બે એકે 57, એન્ટી ટેન્ક રોકેટ લોન્ચર, પાંચ હેન્ડ ગ્રેનેડ અને પોણા બે લાખ રોકડા મળ્યા હતા. તેઓ મુંબઈના અલગ-અલગ વિસ્તારમાં હૂમલો કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. તેમાં એક ટારગેર બાલાસાહેબ ઠાકરેનું ઘર માતોશ્રી પણ હતું. માતોશ્રીનો નકશો તે ખોલીમાંથી મળી આવ્યો હતો. આમની ધરપકડ સાથે મુંબઈના અન્ય જગ્યાએ પણ ધકપકડો થઈ. આ આંતકવાદીઓની પૂછપરછમાં એ વાત બહાર આવી કે તેઓ કેવી રીતે આઈસી-814ના હાઇજેકિંગમાં સામેલ હતા. આ પૂછપરછમાં એ માહિતી પણ મળી કે કાઠમાંડુમાં વિમાન હાઇજેક કરનારા મુંબઈમાં પણ આવીને ગયા હતા. આજ પૂછપરછ દરમિયાન આઈસી 814ના હાઇજેક કરનારા કયા આંતકવાદી હતા તેના નામ મળ્યા. આ નામ મુંબઈ પોલીસે કેન્દ્રના ગૃહ મંત્રાલયને મોકલી આપ્યા. ત્યાં સુધી આ આંતકવાદીઓની ઓળખ પ્રસ્થાપિત થઈ નહોતી. આ તમામ આંતકવાદી પાકિસ્તાનના હતા.”

આ રીતે પૂરું ઓપરેશન મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સફળતાપૂર્વક પાર પાડ્યું અને હાઇજેક કરનારાઓની ઓળખ પ્રસ્થાપિત કરી આપી. આજે પણ આ કેસને અવારનવાર ટાંકવામાં આવે છે, જેમાં મુંબઈ ક્રાઇમ-બ્રાન્ચે સુંદર રીતે કામ કરી દેખાડ્યું હતું. આ ઓપરેશનની વધુ વિગત ડી. સિવાનંધનનું પુસ્તક પ્રકાશિત થશે ત્યારે આપણી સમક્ષ આવશે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular