Sunday, October 13, 2024
HomeGujaratAhmedabadન્યાયાધીશ અને શાસકોનો સંબંધ અરસપરસ કેવો હોવો જોઈએ?

ન્યાયાધીશ અને શાસકોનો સંબંધ અરસપરસ કેવો હોવો જોઈએ?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આમ તો પૂરી ઘટના દેશભરમાં જોવાઈ ચૂકી છે તેમ છતાં આ વિષય સંદર્ભે તે ઘટનાનો ઉલ્લેખ કરવો જરૂરી છે. ગત્ અઠવાડિયે ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા[સીજેઆઈ] ડી. વાય. ચંદ્રચૂડ (D Y Chandrachud) અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) એવી તસવીર અને વિડિયો વાઇરલ થયા જેનાથી જાગ્રત નાગરિક તરીકે શંકા જાય કે સત્તાપક્ષના પ્રતિનધિ તરીકે વડાપ્રધાન અને ન્યાયતંત્રના પ્રતિનિધિ તરીકે સીજેઆઈની કેમેરામાં કેપ્ચર થયેલી નજદીકી સરકાર પક્ષકાર હોય તેવા અગત્યના ચૂકાદા પર અસર કરી શકે? સીજેઆઈની નિષ્ઠા પર અત્યાર સુધી પ્રશ્ન ખડા થાય તેવી વિગતો પ્રકાશમાં આવી નથી, તેમ છતાં જ્યારે સીજેઆઈના ઘરે વડા પ્રધાન ગણપતિની આરતી કરતા જોવા મળ્યા ત્યારે ઘણાંના મનમાં શંકા જાગી કે આ ઘટના સામાન્ય નથી. એવું નથી કે દેશના વડા પ્રધાન અને સીજેઆઈની મુલાકાત ક્યારેય થતી નથી. તેઓ ઘણી વાર મળે છે, જાહેર કાર્યક્રમમાં તેમની એક સાથે હાજરી જોવા મળે છે. કેટલીક વાર એક મંચ પર તેઓ સાથે વક્તા હોય છે. પરંતુ આ રીતે એક અંગત પ્રસંગે એકબીજા સાથે મળતા નથી અને જો મળતા પણ હોય તો તેની તસવીર કે વિડિયો શેર થતા નથી. પણ હાલના કિસ્સામાં આ બધા જ નિયમો નેવે મૂકાયા. વડા પ્રધાનના ટ્વિટર હેન્ડલ પરથી આ પ્રસંગના વિડિયો-તસવીર શેર થયા. બીજા દિવસે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ સૂચક રીતે પ્રથમ પાનાંએ આ તસવીર પ્રકાશિત કરી. રવિશ કુમાર સહિત અનેક પત્રકારોએ આ પૂરી ઘટના અંગે પ્રશ્નો કર્યા. આ બધું બન્યું પછી ઇતિહાસમાં શાસકો અને ન્યાયતંત્રની જોડતોડનો ઇતિહાસ સામે આવ્યો અને આ ઇતિહાસમાં એવું ઘણું છે, જે પ્રજા તરીકે આપણને ચેતવે છે.

આપણી કમનસીબી એ છે કે ઇતિહાસ પર નજર કરવા જઈએ ત્યારે આવાં કિસ્સાઓમાં ઝાઝું દૂર જવું પડતું નથી. બલકે એક ઘટના તો વર્તમાનની જ સામે આવે છે, માત્ર એક અઠવાડિયા પહેલાંની. બન્યું એમ કે દિલ્હીના ‘ઇન્ડિયા હેબિટેટ સેન્ટર’ નામના સ્થળે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ‘જજ્સ મીટ’ની એક ઇવેન્ટ યોજાઈ હતી. આ ઇવેન્ટમાં આમ તો કેન્દ્રિય કાયદા મંત્રી તરીકે અર્જુન રામ મેઘવાલની હાજરી પણ ન હોવી જોઈએ. પરંતુ હવે સિદ્ધાંત કે નિયમોમાં એવું વિચારી શકીએ તેવો તો સમય વીતી ચૂક્યો છે. નહીંતર એક બિનસાંપ્રદાયિક દેશમાં વડા પ્રધાન અને સીજેઆઈ પોતાની ધાર્મિક આસ્થાને આ રીતે દર્શાવતા નજર જ ન આવે. આ ‘જજ્સ મીટ’માં અનેક નિવૃત્ત થયેલા 30થી વધુ ન્યાયાધિશો અને અન્ય વરિષ્ઠ વકીલોએ હાજરી આપી હતી. આ બેઠકમાં ચર્ચા બે મુખ્ય મુદ્દા પર થઈ હતી. તેમાં એક વારાણસી અને મથુરાના મંદિરનો મુદ્દો હતો અને બીજો વક્ફ બિલનો. હવે આ મિટીંગમાં શું ચર્ચા થઈ અને કાયદા મંત્રીએ તેમાં કેમ સામેલ થવું પડે તે ચર્ચાનો મુદ્દો બાજુએ રહ્યો, પણ મિટીંગમાં બે સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ હતા. એક આદર્શકુમાર ગોયલ અને બીજા હેમંત ગુપ્તા. આ બંને મિટીંગમાં હાજર રહ્યા હતા તે ન્યૂઝ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ સહિત કેટલાંક પોર્ટલ પર જોવા મળે છે. હવે તેઓ સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે અને આવાં કાર્યક્રમમાં હાજર રહે તો સ્વાભાવિક છે કે તેમની પ્રોફાઇલ કોઈ ચકાસે, તેમને તે વિશે પ્રશ્ન પૂછે અથવા તેઓ હાલમાં ક્યાં છે અને તેમણે કેવાં પ્રકારના ચૂકાદા આપ્યા છે – તે પણ તપાસે. અલગ-અલગ ન્યૂઝ પોર્ટલ દ્વારા તે શોધખોળ થઈ અને તેના આધારે અહીં વિગત આપણે જોઈએ. ન્યાયાધીશ હેમંત ગુપ્તાને તેમની બેઠકની હાજરી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ‘સંસ્થાના કાયદાની પાંખ દ્વારા આ પ્રવૃત્તિ થઈ હતી. એક નાગરિક તરીકે કોઈ પણ કાર્યક્રમમાં હાજર રહેવાનો મારો અધિકાર છે, કાયદો મને તેવું કરવામાં અટકાવતો નથી.’ આમ તો તેમના જવાબમાં જ બધું આવી જાય છે. તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપવા અંગેની વાત છેક કાયદા સુધી લઈ ગયા. સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ પદથી નિવૃત્તિ અગાઉ હેમંત ગુપ્તા મધ્ય પ્રદેશના ચીફ જસ્ટિસ અને પટના હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. 2022માં તેઓ નિવૃત્ત થયા અને ‘ઇન્ડિયા ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર’માં ચેરપર્સન તરીકેની નિમણૂક મેળવી. તેમના સુપ્રિમ કોર્ટના કાર્યકાળમાં તેમણે અનેક મહત્ત્વના ચુકાદા આપ્યા, તેમાં એક કર્ણાટક હાઇકોર્ટનો ચુકાદો હતો, જેમાં વર્ગખંડમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવાનો હતો. આ ચુકાદાનું હેમંત ગુપ્તાએ સમર્થન કર્યુ હતું.

- Advertisement -

ન્યાયાધીશો નિવૃત્તિ પછી આ રીતે પોતાનું સ્થાન ટકાવવા શાસકો તરફી રહે છે અને ઘણી વાર તે પ્રકારના ચુકાદા આપે છે તેવા ન્યૂઝ અનેક વાર વાંચવા મળે છે. આ બધા ન્યૂઝની કોઈ પુષ્ટિ ન થઈ શકે, પરંતુ સર્વોચ્ચ સ્થાને બિરાજેલા ન્યાયાધીશોના વલણથી શંકા જાગે અને પછી તે શંકાના આધારે તેમનું સરકાર તરફનું વલણ ચકાસવામાં આવે. એ રીતે જ્યારે રામ મંદિર પ્રતિષ્ઠાન સમારોહ હતો ત્યારે પણ સુપ્રિમ કોર્ટના પૂર્વ ચાર ન્યાયાધીશ અને અન્ય 12 હાઇકોર્ટના ન્યાયાધીશ તેમાં હાજર રહ્યા હતા. તેમની હાજરીઓની નોંધ મીડિયામાં લેવાઈ હતી. રામ મંદિરના સમારોહની હાજરીની વાત આસ્થા પર છોડી દઈએ પણ ‘બાર એન્ડ બેન્ચ’ પોર્ટલ પર એક ન્યૂઝ છે કે, નિવૃત્ત ન્યાયાધીશોની નિમણૂંકથી અનેક તર્કવિતર્ક થયા વિના ન રહે. આ ન્યૂઝમાં ગત્ પાંચ વર્ષમાં 21 ટકા નિવૃત્ત ન્યાયાધીશોની નિમણૂંક થઈ છે – તે માહિતી આપવામાં આવી છે. કયા ન્યાયાધિશે કયા સમયે અને કયું પદ સ્વિકાર્યું તેની વિગતે માહિતી આપવામાં આવી છે. તેમાં એક ન્યાયાધીશ સૈયદ અબ્દુલ નજીર પણ છે. તેઓ હાલમાં આંધ્ર પ્રદેશના રાજ્યપાલ છે અને તેમના કાર્યકાળમાં તેઓ અયોધ્યા વિવાદમાં ન્યાયાધીશ હતા. આ યાદીમાં પૂર્વ સીજેઆઈ રંજન ગોગાઈ પણ છે. તેઓ નિવૃત્તિના છ મહિનાના જ ગાળામાં રાજ્યસભામાં નિમણૂક પામ્યા. ઇતિહાસમાં આવી ઘટના બની નહોતી કે સીજેઆઈ ટૂંકા ગાળામાં જ સાંસદનું પદ સ્વીકારી લે. એટલું જ નહીં તેમણે સાંસદ બન્યા પછી એવું નિવેદન પણ આપ્યું હતું કે, ‘જો ન્યાયાધીશ તેમના કાર્યકાળ દરમિયાન સાચા હોય તો નિવૃત્તિ પછીનું પદ યોગ્ય છે. તે સાવ વ્યક્તિગત બાબત છે.’ આ મુદ્દે ન્યાયાધીશ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક દલીલ મૂકે છે. જેમ કે, દેશના પ્રથમ લો કમિશનના ચેરમેન અને પૂર્વ એટરની જનરલ એમ. સી. સેતલવાડે એવું સ્પષ્ટ કહ્યું છે કે ન્યાયાધીશોએ નિવૃત્તિ પછી સરકાર પાસેથી કોઈ પણ નિમણૂક લેવી ન જોઈએ. જ્યારે 2022માં નિવૃત્ત થનારા એટરની જનરલ કે. કે. વેણુગાપાલે એવો મત મૂક્યો હતો કે, ‘નિવૃત્તિ પછી ન્યાયાધીશોને પદ ન લેવા અંગે હું સહમત નથી. વર્ષોના વર્ષો સુધી ન્યાયાધીશ તરીકેનો અનુભવ એક દિવસમાં પૂરો થતો નથી.’

ઘણી વાર આવું પદ લેવામાં ન્યાયાધીશોની આંકાક્ષા ટર્મ પૂરી થવા સુધી પણ રહેતી નથી. જેવું કોલકતા હાઇકોર્ટના અભિજિત ગંગોપાધ્યાય સાથે થયું હતું. ગંગોપાધ્યાયે રાજીનામું આપ્યા પછી તુરંત ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી હતી. બલકે તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે ભાજપ મારા સંપર્કમાં હતું અને મેં પણ તે સંપર્ક બનાવી રાખ્યો હતો. ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાય જેવા દાખલા ન્યાયતંત્રમાં અનેક મળે છે, જેઓ ન્યાયક્ષેત્ર છોડીને રાજકારણમાં ઉતર્યા હોય. તેમાં વી.આર. ક્રિષ્ના ઐયર, ન્યાયાધીશ કોકા સુબ્બા રાવ, ન્યાયાધીશ બહારુલ ઇસ્લામ, ન્યાયાધીશ જી.એમ. લોઠાનું નામ લઈ શકાય. ઘણાંનું માનવું છે કે આ રીતે રાજકારણમાં જોડાવવું અયોગ્ય નથી. દેશનો કોઈ પણ નાગરિક તેમાં જોડાઈ શકે તો ન્યાયાધીશ કેમ નહીં? પરંતુ તેમાં એક કુલિંગ ઓફ ટાઇમ હોવો જોઈએ, જેથી કોઈ તુરંત તેનો લાભ ન લઈ શકે કે ન જોઈ શકે. આ પૂરા કેસમાં પટનાની ચાણક્ય નેશનલ લો યુનિવર્સિટીના ચાન્સેલર ફૈઝાન મુસ્તફાએ સરસ વાત કહી છે : “ન્યાયાધીશો પણ સમાજમાં જ રહે છે અને તેમાંથી ઘણાં રાજકીય પક્ષો સાથે સંવાદ રાખે છે. પરંતુ તમે જ્યારે ન્યાયપીઠ પર બેઠા છો ત્યારે રાજકીય, વિચારધારાની રીતે અને ધાર્મિક રીતે તઢસ્થ હોવા જોઈએ. કારણ કે આખરે તો લોકો તમારા ચુકાદાને વિશ્વાસથી જુએ છે. અંતે તો સ્વતંત્ર્ય ન્યાયિક વ્યવસ્થા પ્રજાનો અધિકાર છે, અને તેમાં ન્યાયાધિશોનો અધિકારની વાત પછી આવે છે. આખરે તો લોકોનો મત ધ્યાને લેવાય અને જ્યારે કોઈ ન્યાયાધિશ અણછાજતી ટીપ્પણી કરે ત્યારે લોકોના મનમાં શંકા જન્મે છે.”

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular