કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): હાલમાં વ્હાઇટ રિવોલ્યૂશન 2.0ની (White Revolution 2.0) એટલે કે ‘શ્વેત ક્રાંતિ 2.0’ની વાત સમગ્ર દેશમાં ચર્ચાઈ રહી છે. આ ક્રાંતિનો મૂળ ધ્યેય દૂધ અને તેના આધારીત અન્ય ચીજવસ્તુઓનું ઉત્પાદન વધારવાનો છે. ઉત્પાદન વધે એટલે તેમાં વધુ લોકો સમાવિષ્ટ થશે અને તેના પરિણામે વધુ નાણાં પણ આવશે. આપણા દેશમાં દૂધના ઉત્પાદન માટે પહેલવહેલાં થઈ તે શ્વેત ક્રાંતિનો મુખ્ય ફાળો છે, પરંતુ હજુય દેશના ઘણાં હિસ્સા એવાં છે તે શ્વેત ક્રાંતિમાં નામ પૂરતા જ સામેલ થઈ શક્યા છે. એટલે બીજી શ્વેત ક્રાંતિનો મુખ્ય આશય આવાં વિસ્તાર અને લોકો સુધી પણ પહોંચવાનો છે. હવે તો શ્વેત ક્રાંતિનો માર્ગ નિર્ધારીત થઈ ચૂક્યો છે. આ સફળ મોડલમાં આગળ જ વધવાનું છે. પરંતુ આજે શ્વેત ક્રાંતિ 2.0ના નામે જેટલી ચર્ચા થઈ રહી છે, તેવી કોઈ ચર્ચા પ્રથમ શ્વેત ક્રાંતિમાં થઈ નહોતી. બલકે એવું કહી શકાય કે પ્રથમ શ્વેત ક્રાંતિ પર કેટલાંક સવાલો પણ ઉઠ્યા હતા.

પ્રથમ શ્વેત ક્રાંતિ અથવા જેને ‘ઓપરેશન ફ્લડ’ પણ કહેવામાં આવે છે તે 1970ના અરસામાં લાગુ થયો હતો. ‘ઓપરેશન ફ્લડ’ ‘નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ’[એનડીડીબી] દ્વારા લોન્ચ થયો હતો. તે વખતે દેશમાં દૂધનું ઉત્પાદન અપૂરતું હતું, પરંતુ ‘ઓપરેશન ફ્લડ’ના કારણે જ ભારત 1998ના અરસામાં અમેરિકાને પાછળ રાખીને વિશ્વનું સૌથી વધુ દૂધ ઉત્પાદન કરનારો દેશ બન્યો હતો. આ ઓપરેશનનું પરિણામે માત્ર ત્રણ દાયકામાં સરેરાસ ભારતીયો માટે દૂધ ઉપલબ્ધતા બમણી થઈ હતી. આંકડા અને ક્રમથી જ્યારે સફળતા માપવામાં આવે ત્યારે તેની પાછળ રહેલા સંઘર્ષનો પૂરો ચિતાર આપવામાં આવતો નથી. દેશમાં થયેલું ‘ઓપરેશન ફ્લડ’ ઐતિહાસિક ઘટના હતી. તે પછી તેના પર અનેક સંશોધન-અભ્યાસ થયા. પરંતુ તે અંગેની કેટલીક ઇનસાઇડ વાતો ‘ઓપરેશન ફ્લડ’ની આગેવાની કરનારા વર્ગીસ કુરિયને તેમના સંસ્મરણો ‘મારું સ્વપ્ન’માં નોંધી છે. તેમાં તેઓ આ વિશે લખે છે કે, “1960ના દાયકામાં જ્યારે અમારો ‘ઓપરેશન ફ્લડ’ વિશેનો પ્રસ્તાવ ચર્ચામાં હતો ત્યારે એક ગંભીર વિવાદ એ પણ ઊભો થયો હતો કે શું ભારત જેવો દેશ દૂધનું ઉત્પાદન કરી શકે? અથવા કહો કે શું ભારત જેવા દેશે દૂધનું ઉત્પાદન કરવું જોઈએ? ડેરી પ્રવૃત્તિમાં વિકસિત દેશોની ટીકા એ હતી કે જે દેશમાં લોકોને પૂરું પાડે તેટલું અનાજ નથી, જેણે અનાજની મોટી આયાત કરવી પડે છે અને જેની વસતી કૂદકે ને ભૂસકે વધી રહી છે, જેની મુખ્ય વધનારા માગ તો અનાજની જ હોય, તો આવા દેશમાં કિંમતી જમીનને અનાજના ઉત્પાદનને માટે રાખવાને બદલે પશુઓના ચારા મટે શા માટે ફાળવવી? એવી સ્થિતિમાં માનવ અને પશુ વચ્ચે જમીનના પ્રશ્ને સંઘર્ષ ઊભો થઈ જાય, ત્યારે શું દૂધનું ઉત્પાદન વધારવું હિતાવહ?” આજે તો કેન્દ્રિય સહકારી મંત્રી અમિત શાહએ દિલ્હીમાંથી જ વ્હાઇટ રિવોલ્યૂશન 2.0ને લોન્ચ કરી દીધો. તેમાં સહાકારી મંત્રીએ વક્તવ્ય આપ્યું અને કેટલીક પશુપાલકોના હિતકારી વાતો કરી. પણ અગાઉના શ્વેત ક્રાંતિમાં બિલકુલ વેગળી વાત હતી. વર્ગીસ કુરિયન લખે છે, “બીજી દલીલ એ હતી કે પોષણની દૃષ્ટિએ દૂધ એક મૂળભૂત આવશ્યકતા નથી.” પણ આ બધા પડકારોથી કુરિયન આગળ વધ્યા અને ‘ઓપરેશન ફ્લડ’ને લાગુ કરાવી શક્યા.

માર્કેટમાં ઇજારો સ્થાપવા માટે કંપનીઓ ગળાકાપ સ્પર્ધાઓ કરતી હોય છે. આવા સમયે કોઈ સાહસ ખેડતું હોય તો પણ તેના વિરુદ્ધ કેટલોક દુષ્પ્રચાર થાય. આવું ઘણું પ્રથમ શ્વેત ક્રાંતિ દરમિયાન થયું. પણ લાંબી સફર બાદ ‘ઓપરેશન ફ્લડ’ સફળ રહ્યું અને ઉપર જણાવ્યા મુજબના તેના લાભકારી પરિણામ મળ્યા. અને તે પછી દેશભરમાં સહકારી દૂધ મંડળીઓ સ્થપાઈ. હાલમાં દેશ દૂધના ઉત્પાદનમાં શું સ્થાન ધરાવે છે તે જોઈ લેવા જોઈએ, જેથી શ્વેત ક્રાંતિ 2.0માં ક્યાં પહોંચવાનો સરકાર દાવો કરી રહી છે તેનો ખ્યાલ આવે. 2023-24ના વર્ષમાં દૂધની મંડળીઓનું ઉત્પાદન 660 લાખ લિટર રોજનું છે. હવે સરકાર આવનારા પાંચ વર્ષમાં આ ઉત્પાદન 1,007 લીટર સુધી લઈ જવા માંગે છે. મતલબ કે આવનારા પાંચ વર્ષમાં ઉત્પાદનમાં 50 ટકાનો વધારો!

હવે આ વધારો કરવામાં સરકાર શું કરવાની છે? સરકાર ‘નેશનલ ડેરી ડેવલપમેન્ટ ડેરી’ દ્વારા આવનારા દિવસોમાં પચાસ હજારથી વધુ દૂધ સહકારી મંડળીઓ સ્થાપશે. તદ્ઉપરાંત હાલની એટલી જ દૂધ મંડળીઓને વધુ મજબૂત બનાવશે. આમાં સરકારની ભૂમિકા કાર્ય કરવા કરતાં દાવો કરવાની વધુ લાગે છે. કારણ કે આ ક્ષેત્ર હાલમાં સહકારી મંત્રાલય અંતર્ગત આવે છે. પરંતુ આ મંત્રાલય હજુ શરૂ થયાને માંડ ત્રણ વર્ષ થયા છે. તે અગાઉથી દૂધ મંડળીઓ તેમનું ઉત્પાદન સતત વધારી રહ્યા છે. સરકારની જ ‘ઇન્વેસ્ટ ઇન્ડિયા’ નામના પોર્ટલ પર જઈએ તો તેમાં ડેરી ઉદ્યોગના ઉત્પાદનના આંકડા દર્શાવ્યા છે. તે મુજબ આપણો દેશ વિશ્વમાં હાલમાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંકે છે. વિશ્વના કુલ થતાં ઉત્પાદનમાં ચોથા ભાગનું ઉત્પાદન ભારત દ્વારા થાય છે. અને છેલ્લા દસ વર્ષમાં આ ઉત્પાદન 60 ટકા ઉપરાંત વધ્યું છે. સહકારી દૂધ મંડળીઓ હોય કે અન્ય કોઈ પણ સહકારી ક્ષેત્ર તેનું નેટવર્ક દેશભરમાં પ્રસર્યું છે અને તેથી પણ તેનું એક કેન્દ્રિય મંત્રાલય બનાવવામાં આવ્યું. બાકી તો અનેક વિદ્વાનોએ એ બાબતે વિરોધ કર્યો હતો કે સહકારી ક્ષેત્ર બંધારણમાં રાજ્યની યાદીમાં સમાવિષ્ટ છે. પરંતુ યેનકેન પ્રકારે સહકારી ક્ષેત્રની વિશાળ અને વ્યાપક તાકતને કેન્દ્ર અંતર્ગત લાવવાની હતી. આવાં અનેક કારણો છે જેના કારણે જે પ્રોજેક્ટ તેની મૂળ ગતિએ જ સારાં ચાલી હોય તેમ છતાં, તેમાં દાવા કરવામાં આવી રહ્યા છે. જે નિશ્ચિત ગ્રોથ છે તેના લોન્ચિંગના નામે ઢોલ પિટવામાં આવે છે.
‘નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ’ દ્વારા હજુ ગત્ વર્ષે અનેક રાજ્યોમાં સહકારી મંડળીઓને પોતાના અંતર્ગત જોડવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં દૂધ સહકારી મંડળીઓ દ્વારા થતાં દૂધ ઉત્પાદનનું દેશનુ ચિત્ર જોઈ લેવા જેવું છે. ‘એનડીડીબી’ મુજબ હાલમાં દેશના 70 ટકા જિલ્લામાં દૂધ સહકારી મંડળીઓની હાજરી છે. તેમાં અંદાજે દોઢ લાખ જેટલી દૂધ સહકારી મંડળીઓ કાર્યરત છે. આ આંકડા-વિસ્તારને ગ્રામ્યસ્તરે જોઈએ તો તેમાં દેશના બે લાખ ગામડાંઓ આવરી લેવાય છે. દેશના કુલ ગામડાંઓની રીતે તે સ્થિતિ જોઈએ તો દેશના 30 ટકા ગામો તેમાં સમાવિષ્ટ થાય છે. રાજ્યોને પ્રમાણે જોઈએ તો સૌથી વધુ દૂધ ઉત્પાદિત કરનારાઓમાં પ્રથમ ક્રમે ઉત્તર પ્રદેશ આવે છે, બીજા ક્રમે રાજસ્થાન અને ત્રીજા ક્રમે મધ્ય પ્રદેશ. આશ્ચર્ય થાય પણ ગુજરાતનો ક્રમ તેમાં ચોથો આવે છે. ઉત્તર પ્રદેશ કરતાં અડધા ભાગનું જ દૂધ ઉત્પાદન ગુજરાતમાં થાય છે. તેમાં આંધ્ર પ્રદેશ ઉમેરીએ તો આ રાજ્યોમાંથી દેશનું પચાસ ટકા દૂધ ઉત્પાદન થાય છે. પરંતુ જ્યાં ઉત્પાદન વધુ છે તેમ છતાં તેઓ હજુય સહકારી મંડળ અંતર્ગત આવ્યા નથી, તેમાં ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ છે. ગુજરાતમાં સિત્તેર ટકા ઉત્પાદન સહકારી મંડળના ક્ષેત્રમાં થાય છે.
આ ચિત્ર જોઈએ તો વ્હાઇટ રિવોલ્યૂશન 2.0ની જાહેરાત માત્ર દાવો લાગે છે. ઘણાં રાજ્યોમાં પહેલાંથી જ દૂધ મંડળીઓની હાજરી છે, અથવા તો દૂધ મંડળીઓ હવે ત્યાં પહોંચી રહી છે. આમાં પ્રયાસ સરકાર કરતાં સ્થાનિક મંડળીઓના આગેવાનોનો છે. વ્હાઇટ રિવોલ્યૂશન 2.0ની વાત થઈ રહી છે તેમાં ખેડૂતોનું હિત સધાશે કે નહીં તે તો ખબર નહીં, પરંતુ કેન્દ્રના નેજા હેઠળના સહકારી માળખામાં જરૂર વધુને વધુ સહકારી મંડળીઓને સમાવિષ્ટ કરી લેવામાં આવશે. સહકારી મંડળીઓ અત્યારે પોતાનો પાવર ઠેરઠેર નિર્માણ કરવાનો એક માર્ગ બની છે. એ તર્જ પર સહકારી મંડળીઓમાં નવા – નવા પ્રોજેક્ટ લોન્ચ થઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ નામના છે કે કામના છે તે આવનારા સમયમાં ખબર પડશે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








