કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આખરે રાજ્યમાં અંધશ્રદ્ધા નિર્મૂલન બિલ (Anti-Superstition and Black Magic Act) પસાર થયું. આ બિલ માનવ બલિ, અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા માટે છે. આ પ્રકારનું બિલ લાવવું પડે અને તેમાં છ મહિનાથી લઈને સાત વર્ષની સજાની જોગવાઈનો મતલબ છે કે રાજ્યમાં આવી ઘટનાઓ અવારનવાર બને છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi)બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે રાજ્યની હાલની કેટલીક અંધશ્રદ્ધાની ઘટનાઓ પણ ટાંકી હતી. સરકાર આ બિલ લાવી તે પ્રશંસનીય છે. પરંતુ અંધશ્રદ્ધા સામે કાયદા સાથે જાગ્રૃતિ લાવવાનું કામ પાણી પહેલાં પાડ બાંધવા જેવું સાબિત થાય છે. આવું કામ મહારાષ્ટ્રમાં નરેન્દ્ર દાભોલકરે (Narendra Dabholkar) વ્યાપક પ્રમાણમાં કર્યું અને આજે પણ તેમણે સ્થાપેલી ‘મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ’ જોરશોરથી અંધશ્રદ્ધાના વિરોધમાં પ્રચાર-પ્રસાર કરે છે. નરેન્દ્ર દાભોલકરે આજે હયાત નથી. 2013માં તેમની હત્યા થઈ હતી અને તે હત્યામાં શંકાની સોય ગોવા સ્થિત ‘સનાતન સંસ્થા’ પર છે. નરેન્દ્ર દાભોલકર અંધશ્રદ્ધા નિર્મૂલન અંગે અનેક ભાષણો આપ્યાં, પુસ્તકો લખ્યા અને મહારાષ્ટ્રમાં ગામેગામ જઈને જાગ્રૃતિ આણી. 2010થી તેઓ મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધાના વિરોધમાં કાયદો લાવવા મથતાં હતા, પરંતુ ભાજપ અને શિવસેનાનો સૂર આ કાયદાના વિરોધમાં રહ્યો. આ બંને પક્ષોનું માનવું હતું કે તેનાથી હિંદુ સંસ્કૃતિ, પરંપરા અને રિવાજોને નુકસાન થશે. 20 ઑગસ્ટ 2013ના રોજ નરેન્દ્ર દાભોલકરની હત્યા થઈ તેના થોડા દિવસ અગાઉ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને પણ મહારાષ્ટ્ર સરકાર પર નારાજગી દર્શાવી હતી. તે વખતે વિધાનસભાના સાત સેશન થયા છતાં અંધશ્રદ્ધાના બિલ અંગે કોઈ ચર્ચા થઈ નહોતી. નરેન્દ્ર દાભોલકરની હત્યા થઈ, લોકોની નારાજગી સામે આવી ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાએ તેમની હત્યાના અઠવાડિયામાં જ આ બિલ પાસ કર્યું. તે પછી 2014માં નરેન્દ્ર દાભોલકરને સમાજ સુધારના કાર્ય અર્થે મરણોપરાંત પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા.
નરેન્દ્ર દાભોલકરે અંધશ્રદ્ધા દૂર કરવા વિશે વ્યાપક જાગ્રૃતિ લાવ્યા. આ વિષય પર કામ કરતાં તેમને જે અનુભવ થયા છે; તે તેમણે પુસ્તકોમાં શબ્દબદ્ધ કર્યા છે. તેમના મોટા ભાગના પુસ્તકો હિંદીમાં ઉપલબ્ધ છે. આ પુસ્તકમાંથી એક ‘વિશ્વાસ ઔર અંધવિશ્વાસ’માં તેઓ લખે છે અને આ શ્રદ્ધા-અંધશ્રદ્ધાનો ભેદ સ્પષ્ટ કરી આપે છે : “અંધવિશ્વાસ નિર્મૂલનનું આંદોલન શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની આસપાસ ચાલે છે. આંદોલન દરમિયાન અમને ગાળો અને પ્રશંસા મળ્યાં. કેટલાંકને એવું લાગે છે કે અમે જે કામ કરીએ છે તે યોગ્ય અને ઉપયોગી છે, તો ઘણાં તેને ખોટું અને ખરાબ કહે છે. કેટલાંકની દૃષ્ટિએ આ કામ ન થાય તો દેશ એકવીસમી સદીમાં પ્રવેશ કરી શકશે નહીં. તો ઘણાં એવું માને છે કે અંધવિશ્વાસ દૂર કરવાના નામે અમે ઈશ્વર, ધર્મ અને પરંપરાઓને ડૂબાડી રહ્યા છીએ. અંધવિશ્વાસ એટલે ખરેખર શું છે? – એ પ્રશ્ન લોકો કરતાં રહ્યા છે.” આ અંગે ઉત્તર વાળતા તેઓ લખે છે : “અંધવિશ્વાસ, શ્રદ્ધા એટલે કે વિશ્વાસના અંગાર પર જમા થનારી રાખ છે. જો રાખને અંગાર પર વિખેરી દેવામાં આવે તો તેમાં છુપાયેલો અંગાર ફરી આગ પકડશે. અંધશ્રદ્ધાની રાખ હંમેશા હવામાં ફૂંકી મારવી જરૂરી છે. પરંતુ એવા સમયે અંગાર ન ઓલવાય તેની સાવધાની રાખવાની પણ જરૂર છે.” આ રીતે નરેન્દ્ર દાભોલકરે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો ભેદ સમજાવે છે. આગળ તેઓ દાખલા દ્વારા પૂરો મુદ્દો સમજાવે છે. તેઓ લખે છે : “એકની શ્રદ્ધા અન્ય માટે અંધવિશ્વાસ હોઈ શકે. એ માટે શ્રદ્ધા અને અંધવિશ્વાસનને યોગ્ય રીતે સમજી લેવા જોઈએ. શ્રદ્ધા અને અંધવિશ્વાસ વ્યક્તિ અને સમય અનુસાર અર્થઘટન કરવાથી અનેક પ્રશ્નો ઉભા થાય છે. જેમ કે થોડા વર્ષ પહેલાં રાજસ્થાનના દેવરાલા ગામે પતિના મૃત્યુ બાદ એક મહિલા સતિ થઈ ગઈ અને પૂરા દેશમાં આક્રોશ ઊઠ્યો. આપણે ત્યાં સતિ ગુનો છે. સતિ પર પ્રતિબંધ અંગેનો કાયદો અગાઉથી જ હતો. તેમ છતાં દેશમાં ઉભા થયેલા આક્રોશથી સતિના કાયદાને વધુ કડક બનાવવામાં આવ્યો. નવા બનેલા કાયદા સંબંધે માત્ર હવે સતિ થવું અને તે માટે સહયોગ આપવો તે જ ગુનાપાત્ર નથી; બલકે આવી ઘટનાઓનું સમર્થન કરનારા અને તે સમયે ઘટનાસ્થળે હાજર રહેવું પણ ગુનાની વ્યાખ્યામાં લેવામાં આવ્યા. હવે આ પૂરા ઘટનાક્રમથી આપણે માની લીધું છે કે સતિ થવું એ સ્પષ્ટ રીતે અંધવિશ્વાસ છે. પરંતુ ગત સદીમાં જ્યારે અંગ્રેજ અધિકારી લોર્ડ બેન્ટિકે સતિ થનારી સ્ત્રીને બચાવી ત્યારે તેમના વિરોધમાં વારાણસીમાં એક મોટું જુલુસ કાઢવામાં આવ્યું હતું. – આ બધું લોર્ડ બેન્ટિકે પોતાની ડાયરીમાં લખ્યું છે. વિરોધ પ્રદર્શન કરનારાઓની એક જ માંગ હતી કે, સતિ થનારી સ્ત્રીને બચાવનારા તમે કોણ છો? પતિના મૃત્યુ પછી સતિ થવું એ અમારા પવિત્ર ધર્મના શ્રદ્ધાનો અધિકાર છે.” તે પછી લોર્ડ બેન્ટિકે સતિ પ્રતિબંધિત કાયદો લાવ્યા ત્યારે અલ્હાબાદના શાસ્ત્રી-પંડિત અલ્લાહાબાદ હાઇકોર્ટ સુધી ગયા અને કહ્યું કે, અમારી પવિત્ર ધર્મશ્રદ્ધામાં દખલ કરવાનો અધિકાર ઇસ્ટ ઇન્ડિયા કંપનીને નથી. આ સમય કાળ મુજબની શ્રદ્ધા-અંધવિશ્વાસનું ઉદાહરણ છે. એ રીતે દાભોલકર વ્યક્તિની સાપેક્ષતા મુજબ એક અન્ય ઉદાહરણ આપીને આ વિષય પર પ્રકાશ પાડતા લખે છે : “આપણે સત્ય સાઇબાબાનું ઉદાહરણ લઈએ. તમે તેમની તસવીર જોઈ હશે. તેમના ભક્તો સત્ય સાઇબાબાને વિશ્વના સૌથી મહાન બાબા તરીકે માને છે. સત્ય સાઇબાબાની વિશેષતા શું છે? તેઓ હવામાં હાથ ફેરવીને પોતાના ભક્તોને ભભૂતી આપે છે. એ રીતે જ તેઓ સોનું અથવા ચાંદીની વીંટી આપે છે. આ રીતે હવામાં હાથ ફેરવીને તેઓ સોનાનું લોકેટ અને મોતી પણ આપે છે તેવી વાતો તેમના અધિકૃત પુસ્તકોમાં ઉલ્લેખિત છે. સાઇબાબાના આ મહાન ચમત્કારથી તેઓ રાષ્ટ્રપતિ ને વડા પ્રધાનો સહિત અનેક લોકોમાં શ્રદ્ધાના સ્થાનક બન્યા છે, જ્યારે તેનાથી વિપરીત ઘણાંને સત્ય સાઇબાબા અંધવિશ્વાસ કરનારા પાખંડી લાગતા હતા.”
અંધશ્રદ્ધાના મૂળીયાં ગ્રામિણ વિસ્તારોમાં કે ગરીબ લત્તાઓમાં જ જોવા મળતી નથી, બલકે શહેરી વિસ્તારમાં અને ઘણાં કિસ્સામાં અતિ ધનવાનો પણ અંધશ્રદ્ધાના શિકાર બને છે. નરેન્દ્ર દાભોલકર અંધશ્રદ્ધા સંબંધે ટૂંકા ગાળાના લાભને પણ ઉજાગર કરીને લોકોને જાગ્રત કરતા હતા. તે સંબંધે તેઓ એક કિસ્સો તેમના પુસ્તક ‘એસે કૈસે પનપે પાંખડી’માં ટાંકે છે : “શેષરાવ ધોંડિબા શેલકે નામનો વ્યક્તિ એક સમયે દારૂની આદત ધરાવનારો અને ખોટા માર્ગે જનારો નિવૃત્ત સૈનિક હતો. એવું કહેવાતું કે તેને હિમાલયમાં તેને દૈવશક્તિના દર્શન થયા અને તેણે દારૂ છોડી દીધો. દારૂ મુક્તિનું કામ શરૂ કર્યું. શેષરાવના દરબારમાં લાખો લોકો દારૂ છોડાવવા આવવા લાગ્યા. શેષરાવ દારૂડિયાને દારૂ છોડાવવાની સોંગદ લેવડાવતો અને જે કોઈ તે સોંગદનો ભંગ કરતું તે વ્યક્તિ આંધળો થયો અથવા તો તેના બોટલમાંથી સાપ નીકળ્યો તેવી વાયકાઓ પ્રસરવા લાગી હતી. આ પ્રકારની અનેક ચમત્કારોને તેના સાથે જોડી દેવામાં આવ્યા. દારૂ સામે સમાજ લાચાર છે. ‘વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન’નું માનવું છે કે, દારૂની ટેવ બીમારી છે. લાંબાગાળાની ઉપચાર પ્રક્રિયા પછી જ દારૂ છૂટી શકે છે. પરંતુ શેષરાવનો ઉપચાર સરળ, સસ્તો અને સામૂહિક રીતે અમલી બનતો હતો. સંભવ છે કે શેષરાવના સોગંદથી એક-બે જણાનો દારૂ છૂટ્યો પણ હોય. પરંતુ ખૂબ મોટી આશાએ લોકો તેના દરબારમાં સમય, શ્રમ, નાણાંનો વ્યય કરતાં અને સાથે સાથે બુદ્ધિનો પણ વ્યય થયો. શેષરાવે આ રીતે અનેક લોકોને ભટકાવ્યા અને જે થોડા ઘણાં લોકોની દારૂ છૂટી તેમનું પણ દારૂ પીવાનું મૂળ કારણ તે દૂર ન કરી શક્યો. ખૂબ જટીલ સમસ્યાઓનો અત્યંત સરળ અને ગેરન્ટી સાથે ઉકેલ રજૂ કરવાનો આભાસ, આ બાબાઓનું મુખ્ય લક્ષણ છે.” એ રીતે તેઓ કોલ્હાપુરમાં ઈશ્વરસ્વામી નામના સાધુની 45 દિવસની સંત્સગસભાની વાત કરે છે. આ સત્સંગ દરમિયાન વેપારીઓના ધંધા ઠપ્પ થઈ ગયા. પણ સાધુ વિરુદ્ધ બોલે કોણ? આવા અગણિત કિસ્સાઓ નરેન્દ્ર દાભોલકરે આ પુસ્તકમાં રજૂ કર્યા છે. ગુજરાતમાં પણ અંધશ્રદ્ધાની ઘટનાઓ અવારનવાર બને છે. રાજ્યમાં અંધશ્રદ્ધા નિર્મૂલન બિલનો અમલ કડક રીતે થાય તે જરૂરી છે, કારણ કે મહારાષ્ટ્રમાં આ કાયદો આવ્યો પણ છેલ્લા દસ વર્ષમાં તે કાયદા અંતર્ગત ખૂબ ઓછા કેસ નોંધાયા છે; અને કોર્ટમાં તો જૂજ કેસોમાં તેના પર કાર્યવાહી થઈ છે. મહારાષ્ટ્રમાં નરેન્દ્ર દાભોલકરની સંસ્થા ‘મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ’ હજુ પણ કાર્યરત છે, જ્યારે રાજ્યમાં વ્યાપક સ્તરે કામ કરનારી સંસ્થાની કમી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796