નવજીવન ન્યૂઝ. વલસાડઃ વલસાડના વાપીમાં એક લાંચીયો સરપંચ ACBના હાથે આજે ઝડપાય ગયો છે. સરંપચ દ્વારા કોન્ટ્રાક્ટ આપવાના બદલામાં લાખો રૂપિયાની માગણી કરવામાં આવી હતી. જોકે કોન્ટ્રાક્ટર દ્વારા આ બાબત અંગેની જાણકારી ACBમાં આપતા આજે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન સરપંચ લાંચ લેતા ઝડપાય ગયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, ફરિયાદીએ મોરાઇ ગામે આવેલા બાલદી તાળવ ઉંડુ કરવા અંગે ખોદકામ કરવાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે મોરાઈ ગામના સરપંચ પ્રતિક રમેશભાઇ પટેલ સાથે વાતચીત કરી હતી. સરપંચએ ફરિયાદીને ખોદકામનો કોન્ટ્રાક્ટ આપવા અંગે ગ્રામપંચાયતમાં ઠરાવ કરી કોન્ટ્રાક્ટ આપવા બાબતે ૧૦ લાખની માગણી કરી હતી. આખરે આ ડીલ ૭ લાખમાં નક્કી કરવામાં આવી હતી. ફરિયાદીએ હાલ ૨ લાખની સગવડ હોવાનું જણાવતા સરપંચે ૨ બે લાખ સ્વીકારવાની હા પાડી હતી.
ફરિયાદી લાંચની રકમ આપવા માગતો ન હોવાથી સમગ્ર બાબત અંગે એ.સી.બી.નો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. ફરીયાદના આધારે ACB દ્વારા આજે ગ્રામ પંચાયતની સામે આવેલી ફરિયાદીની ઓફીસમાં લાંચના છટકાનું આયોજન ટ્રેપીંગ અધિકારી પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સરપંચ પ્રતિકે ફોન ઉપર ફરિયાદી સાથે વાત કરીને પોતે બહાર ગયો હોવાનું જણાવી રકમ લેવા ખાનગી વ્યક્તિ બલ્લુ ઉર્ફે જગદીશ ધીરૂભાઇ પટેલને મોકલ્યો હતો. ખાનગી વ્યક્તિએ ફરિયાદીની ઓફીસમાં આવી બે લાખની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. ACBએ ખાનગી વ્યક્તિને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે








