નવજીવન ન્યૂઝ. મોરબી: ગુજરાતનાં મોરબીમાં ગત રવિવારે એક દુર્ઘટના ઘટી હતી. મોરબીમાં આવેલી મચ્છુ નદી ઉપર આવેલો ઝુલતો પુલ અચાનક જ તૂટી પડ્યો હતો. આ સમયે પુલ ઉપર અંદાજિત 400થી 500 લોકો હતા તેવું અનનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને આ દુર્ઘટનામાં સરકારી આંકડા મુજબ 135 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમાં 50 જેટલા તો બાળકો હતા. હવે તંત્ર જાગ્યું છે અને પુલના સમારકામમાં બેદરકારી દાખવનારા લોકો સામે કાર્યવાહી કરવાં આવી રહી છે. જેના અનુસંધાને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ મોરબીમાં ઝૂલતા પુલનો અકસ્માત થયા બાદ હાથ ઊંચા કરી લીધા હતા અને દોષનો ટોપલો ઓરેવા કંપનીના માથે મૂકી દીધો હતો. તે સમયે સંદીપસિંહે જણાવ્યું હતું કે, ઓરેવા કંપનીએ અમને જાણ કર્યા વગર જ બ્રિજ શરૂ કરી દીધો હતો અને મંજૂરી લીધા વગર જ લોકોને આ પુલ પર જવા દીધા હતા. જોકે હાલ સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે આ ઝૂલતા પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે સમયે ઓરેવા ગ્રૂપ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી અને લોકોને ઝુલતો પુલ ખુલ્લો મૂકયો છે તે અંગે જાણ કરવામાં આવી હતી. હવે આવા સમયે જો નગરપાલિકાના ચીફ ઓફિસર એવું નિવેદન આપે કે નગરપાલિકાની મંજૂરી લેવામાં ન હતી આવી તો પછી નગરપાલિકાએ બ્રિજ શરૂ થયા બાદ કોઈ કાર્યવાહી કેમ ન કરી? અને ચીફ ઓફિસર અને નગરપાલિકાના અન્ય અધિકારીઓને પોતાના શહેરમાં શું થઈ રહ્યું છે તે અંગે જાણકારી જ ન હોય તે તદ્દન પાયવિહોણી વાત છે.








