નવજીવન ન્યૂઝ. વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પ્રજાને આકર્ષવા નેતાઓ સભાઓ યોજીને અનેક કાર્યક્રમ કરી રહ્યા છે. આવો જ એક કાર્યક્રમ વડોદરામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યની વાણીવીલાસના કારણે ભારે ચર્ચા ઉઠી છે. અવાર-નવાર નિવેદનોના કારણે વિવાદમાં રહેતા ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે ટ્રાફિકના નિયમો અંગે બેફામ નિવેદન આપ્યું હતું.
વડોદરા જિલ્લાના સાવલી બેઠકના ભાજપના ધારાસ્ભય કેતન ઈનામદારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધારાસભ્ય એક યુવા સંમેલનમાં સભામાં સબોધન કરતા જણાવ્યું હતું કે, વડોદરામાં જ નહીં પરંતું ગુજરાત જિલ્લામાં મારો કોઈ યુવાન ફસાયો હોય તો ત્યાં જઈને કહેજો હું કેતન ઈમાનદાર વાળો તમને કોઈ લાયસન્સની જરૂર નહીં પડે. યુવા સંમેલનમાં ધારાસભ્ય આ પ્રકારની વાણીવિલાસ કરીને યુવાનોને ગેર માર્ગે દોરી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.
જોકે ધારાસભ્યએ જાહેરમાં આપેલા આ નિવેદન બાદ કાયદાથી ઉપર કોઈ નથી તેનું ભાન કરાવવા પોલીસ એક્શનમાં આવી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા ધારાસ્ભયના જ વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન સાવલીના 50 જેટલા લોકોના બાઈક ડિટેઈન કર્યા હતા. પોલીસની કડક કાર્યવાહીથી વાહનચાલક ધારાસભ્ય કેતન ઈમાનદાર પાસે પહોંચ્યા હતા. આ વાતને લઈને કેતન ઈમાનદાર પોલીસ સ્ટેશન પહોંચીને રજૂઆત કરી હતી. પોલીસે તમામને દંડ ભરાવીને વાહન મુક્ત કર્યા હતા.








