નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરતમાં ફિલ્મી સ્ટાઈલમાં લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. હાઈવે પર પસાર થઈ રહેલી કાર પર કીચડ ફેંકીને લૂંટ ચલાવવામાં આવી છે. મોટસાયકલ પર આવેલા લૂંટારુઓએ કારમાંથી 55 લાખની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના વેસુ વિસ્તારમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીને શિકાર બનાવીને લૂંટ ચલાવવામાં આવી છે. વેપારી ધંધાકીય કામ માટે પોતાના બે મિત્રો સાથે 55 લાખ લઈને મોડી સાંજે ડીંડોલી ચલથાણ કેનાલ હાઈવે પરથી કડોદરા તરફ કાર લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન ડીંડોલીથી નજીક બે અજાણ્યા વ્યક્તિ મોટરસાયકલ લઈને તેમની કારનો પીછો કરી રહ્યા હતા.
મોટરસાયકલ સવારે કારની આગળ આવીને કારના કાચ તરફ કીચડ ફેંક્યું હતું. જેથી કાર ચાલકે સાઈડ પર કારને ઉભી રાખી હતી. આ દરમિયાન નજર ચુકવીને આ અજાણી વ્યક્તિએ પૈસા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. વેપારી જોડે લૂંટ થતાં તાત્કાલીક પોલીસને જાણકારી આપી હતી. લૂંટની જાણકારી મળતા જ ડીંડોલી પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસ હાલ ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે. લૂંટ ચલાવનાર વ્યક્તિને વેપારી પાસે મોટી સંખ્યામાં પૈસા હોવાની જાણકારી અગાઉથી હોવાનું અનુમાન લગાવી રહી છે.








