પ્રશાંત દયાળ (વડોદરા): નવસારી યુવતી ઉપર તા 29 ઓકટોબરના રોજ વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં બળાત્કાર ગુજારવામાં આવે છે, તા 3 નવેમ્બરની રાત્રે તે વલસાડ સ્ટેશન ઉપર ટ્રેનમાં તેની શંકાસ્પદ હાલતમાં લાશ મળે છે. આખી ઘટનાને એક મહિનો થવા છતાં આરોપીને પોલીસ પકડી શકી નથી બીજી તરફ આ યુવતીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે જેમાં ઈજા થઈ હોવાની વાતની પુષ્ટી થઈ છે પરંતુ બળાત્કારની પુષ્ટી થતી નથી તેવું નોંધવામાં આવ્યું છે, આ મેડીકલ રિપોર્ટ પછી યુવતી ઉપર બળાત્કાર થયો છે કે નહીં તેને લઈ ચર્ચા શરૂ થઈ છે, તો ખરેખર શું બન્યું હોઈ શકે તે જાણવા માટે અમે વિવિધ ફોરેન્સિક નિષ્ણાતોનો સંપર્ક સત્ય સમજવાનો પ્રયત્ન કર્યો છે જે આ પ્રમાણે છે
(1) બળાત્કારની ઘટના તા 29મી ઓકટોબરના રોજ ઘટી હતી જેના છ દિવસ બાદ યુવતી આત્મહત્યા કરે છે, બળાત્કારની ઘટના બાદ તેની કોઈ જાહેરાત પોલીસ સામે થતી નથી જેના કારણે યુવતીનું મેડીકલ એકઝામીનેશન પણ થયુ નહીં, તા 3 નવેમ્બરના રોજ યુવતી આત્મહત્યા કરે છે તા 4 નવેમ્બરના રોજ યુવતીનું પોસ્ટમોર્ટમ થાય, આ અંગે ફોરેન્સિક નિષ્ણાત કહે છે આ છ દિવસમાં યુવતીએ સ્નાન કર્યું હોય અને શરિરની સફાઈ કરી હોવાને કારણે બળાત્કાર સાબીત કરી શકે તેવા પુરાવા મળવા અશકય છે. જો યુવતી સાથે બળાત્કાર થયો હોય તે તેના ગુપ્તાંગમાં ઈજા થવી જરૂરી નથી, યુવતી સાથે તેની ઈચ્છા વિરૂધ્ધ સંબંધ બાંધવામાં આવ્યો હોય પણ યુવતીએ ડરને કારણે જો પ્રતિકાર કર્યો નથી તો તેને ઈજા થવી શકય નથી. એટલે માત્ર બનાવના છ દિવસ બાદ તેના ગુપ્તાંગની તપાસમાં બળાત્કારીના સ્પર્મ મળતા નથી અને ઈજા નથી તેના કારણે બળાત્કાર થયો નથી તેવું કહી શકાય નહીં મેડીકલ રિપોર્ટની ભાષામાં માત્ર સ્પર્મની ગેરહાજરી છે એટલુ જ કહ્યું છે.
આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓ પણ માને છે કે બનાવના છ દિવસ બાદ મેડીકલ રિપોર્ટમાં બળાત્કારનો પુરાવો મળે તેવી સંભાવના બહુ નહીવત હોય છે, પરંતુ 2013માં આઈપીસી 375માં નિર્ભીયાકાંડ પછી સુધારો કરવામાં આવ્યો છે તે પ્રમાણે મેડીકલ પુરાવા ના મળે તો પણ જો યુવતી મૌખીક અને લેખિતમાં કહે તો પણ તેને બળાત્કાર ગણી લેવો તેવું કાયદો કહે છે, એક તબ્બકે માની લઈએ કે બળાત્કારની ઘટના અંગે તેણે કોઈને કહ્યું જ ન્હોતુ પરંતુ તેની આત્મહત્યા પછી પોલીસને મળેલી ડાયરીમાં તેણે બળાત્કારની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે, યુવતીની ડાયરીનો ઉલ્લેખ અને તેને નજરે જોનાર સાક્ષીના નિવેદનમાં કયાંક અલગ પડે છે, આમ છતાં યુવતી વેક્સિન ગ્રાઉન્ડમાં બાંઘેલી હાલતમાં હતી તે નક્કી છે.
યુવતીના ડાયરીની નોંધ પ્રમાણે તેના હાથ પાછળથી બાંધેલા હતા, તેવું જ સાક્ષીનું નિવેદન પણ છે એટલે અહિયા સુધી યુવતી સાચુ કહી રહી છે તેવો પુરાવો છે. યુવતી ડાયરીમાં નોંધે છે કે જ્યારે અંકલ (બસ ડ્રાઈવર) મદદમાં આવ્યા ત્યારે મારા કપડાં બરાબર હતા, પરંતુ બસ ડ્રાઈવર કહે છે કે તેના શરિરના નીચેના ભાગે કપડાં ન્હોતા, જે મેં શોધી તેને આપ્યા હતા. આમ ડાયરી અને સાક્ષી વચ્ચે વિરોધાભાસ છે, યુવતી ડાયરીમાં નોંધે છે કે તેનું રિક્ષામાં અપહરણ કરવામાં આવ્યું, પોલીસને જે વીડિયો ફુટેઝ મળ્યા છે તે બનાવ સ્થળથી એક મિનીટના અંતરે ભકતીનગર પાસે સાયકલ ઉપર જતી દેખાય છે ડાયરીમાં એક નોંધ મહત્વની છે કે હિન્દીમાં વાત કરતા બળાત્કારી યુવતીના નામનો ઉલ્લેખ કરી કહે છે બહુત ઉછલેગી તો જાન ગવા દેંગી, તેનો અર્થ બળાત્કારી યુવતીને ઓળખતા હતા કારણ તેઓ તેઓ તેનું નામ બોલે છે.
યુવતીનું નામ આરોપી જાણે છે તેનો એક અર્થ એવો થયો કે બળાત્કારી પરિચીત છે, પણ જો બળાત્કારી યુવતીને ઓળખતા હતા તો પછી યુવતી તેમના નામનો ઉલ્લેખ કેમ કરતી નથી, એક સંભાવના એવી પણ છે કે યુવતી માટે તેઓ અજાણ્યા હોય, ખરેખર તેઓ બળાત્કાર જ કરવા માગતા હતા કે હત્યા કરવાનો ઈરાદો હતો કારણ કે પહેલા યુવતીના હાથ બાંધે છે, ત્યાર બાદ તેના આંખો ઉપર દુપટ્ટો બાંધે છે અને બળાત્કારની ઘટનાને અંજામ આપે છે તેવું ડાયરીમાં નોંધ્યુ છે, પણ ત્યાર બાદ તેઓ દુપટ્ટા વડે ગળે ટુંપો આપે છે, પણ તેઓ તેને મારી નાખે તે પહેલા ડ્રાઈવર આવી ગયો હશે તેવું પોલીસ માને છે, આ જ ડર યુવતીના મન ઉપર હાવી થયો હશે અને તે ડરમાં જ તેણે આત્મહત્યા કરી લીધી હશે તેવું માનવામાં આવી રહ્યું છે. કારણ દિવાળીની રજામાં હોવા છતાં યુવતી ઘરે જવા તૈયાર ન્હોતી, પણ જયારે સંસ્થા પાંચ દિવસ બંધ જ રહેશે તેવું કહેવામાં આવતા તે ઘરે જાય છે. આમ હજી ઘણા પ્રશ્નના ઉત્તર મેળવવાના બાકી છે પણ તે આરોપી પકડાય પછી જ સ્પષ્ટ થશે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









