નવજીવન ન્યૂઝ. વડોદરાઃ વડોદરામાં દિવાળીની મોડી રાત્રે બે જૂથો વચ્ચે ભારે પથ્થર મારાની ઘટના સામે આવી રહી છે. પાણીગેટ વિસ્તારમાં બે જૂથ વચ્ચે વિવાદ થતાં પથ્થરમારો થયો હતો. આ દરમિયાન મામલો બિચકતાં તોફાની તત્વો દ્વારા તોડફોડ અને વાહનોમાં આગ લગાવી હતી ઉપરાંત પોલીસ અધિકારી પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પાણીગેટ વિસ્તાર સંવેદનશીલ ગણાય છે. અહીં અવાર-નવાર છમકલાં બનાવ બન્યા છે. અગાઉ ગણેશ વિસર્જન, તાજિયાએ પણ પથ્થરમારો અને આગચંપીની ઘટના સામે આવી ચૂકી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરાના પાણી ગેડ વિસ્તારમાં મોડી રાત્રે બે જુથ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી બાદ સ્થિતી વણસી હતી. તોફાની તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી સાથે વાહનોમાં આગ લગાવવામાં આવી હતી. આ ઘટના મુસ્લિમ મેડિકલથી સ્વામિનારાયણ મંદિર સુધી બની હતી. ઉપરાંત દુકાનોમાં પણ આગ લગાવવામાં આવી હતી. પાણીગેડ વિસ્તારમાં રાત્રે 1 વાગ્યાની આસપાસ સ્ટ્રીટ લાઈટ અચાનક બંધ થઈ ગઈ હતી અને ત્યારબાદ પથ્થરમારો શરૂ થયો હતો.
પોલીસને પથ્થરમારાની જાણ થતાં ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. પરિસ્થિતિને કાબુમાં કરવા ગયેતી ત્યારે DCP ઝોન 3 યશપાલ જગાણિયા પર પેટ્રોલ બોમ્બ ફેંકાયો હતો. તહેવારોના દિવસમાં પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ પણ કરવામાં આવ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસીને તોફાની તત્વોને ઓળખવાની કાર્યવાહી શરૂ કરી છે. પથ્થરમારાની ઘટનામાં પોલીસે જાતે જ ફરિયાદી બનીને 19 જેટલા તોફાનીઓની અટકાયત કરી હતી.
ઘટનાની માહિતી આપતા ડીસીપી યશપાલ જગાનિયાએ જણાવ્યું કે, મુસ્લિમ મેડિકલ પાસે પથ્થરમારાની ઘટના બનતા પોલીસે તાત્કાલીક કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં પરિસ્થિતિ સંપુર્ણ કંટ્રોલમાં છે. પથ્થરમારો કયા કારણોસર થયો છે તે અંગે CCTV ફુટેજના આધારે માહિતી મેળવીને સખત કાર્યવાહી કરવામાં આવશે. સ્ટ્રીટ લાઈટ બંધ કરીને પથ્થરમારો કરવામાં આવ્યો છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે. પેટ્રેલ બોમ્બ કોણે બનાવ્યા અને ક્યાંથી આવ્યા તે અંગે લોકોના ઘરની તપાસ પણ થઇ રહી છે.








