નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: વિશ્વભરમાં વોટ્સએપની સેવા ખોરવાઈ હતી. લગભગ બે કલાક બાદ વોટ્સએપની સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. જેના કારણે સમગ્ર વિશ્વમાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભારતમાં આજે બપોરે 12.07 વાગ્યે વોટ્સએપની સેવા અચાનક બંધ થઈ ગઈ હતી. ત્યારથી યઝર્સને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અચાનક સર્વર ડાઉન થવાને કારણે યુઝર્સ ન તો મેસેજ મોકલી શકતા હતા કે ન તો રિસીવ કરી શકતા હતા. આ જ સ્થિતિ વિશ્વના દેશોમાં જોવા મળી હતી. વોટ્સએપના ઈતિહાસમાં આટલા લાંબા સમય સુધી વૈશ્વિક સ્તરે સેવા ક્યારેય ખોરવાઈ નથી. બપોરે 2.15 વાગ્યે સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. આ દરમિયાન દુનિયાભરના લોકો સોશિયલ મીડિયા પર વોટ્સએપના મીમ્સ પણ બનાવી રહ્યા હતા. જેના દ્વારા લોકો વિવિધ રીતે વોટ્સએપની મજાક ઉડાવતા હતા.
વોટ્સએપ ઉપરાંત ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની માલિકીની કંપની મેટાના પ્રવક્તાએ સેવામાં વિક્ષેપ અંગે જણાવ્યું હતું કે અમે શક્ય તેટલી વહેલી તકે સેવા પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે કેટલાક લોકોને હાલમાં સંદેશા મોકલવામાં મુશ્કેલી આવી રહી છે. WhatsAppના વિશ્વભરમાં 200 મિલિયન યુઝર્સ છે.








