નવજીવન ન્યૂઝ. પૌડી ગઢવાલઃ ઉત્તરાખંડમાં ગઈકાલે રાત્રે પૌડી ગઢવાલ બસ દુર્ઘટનામાં 25 લોકોના મોત થયા છે. પોલીસ અને SDRFએ રાત્રે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 21 લોકોને બચાવ્યા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ડીજીપી અશોક કુમારએ જાણકારી આપી હતી કે, ઉત્તરાખંડના પૌડી જિલ્લાના બિરખાલ વિસ્તારમાં 45-50 લોકોને લઈને એક બસ ખીણમાં પડી ગઈ હતી, જેમાં 25 લોકોના મોત થયા હતા. લગ્ન સમારોહ માટે લાલધાંગથી બીરખાલના એક ગામ તરફ જઈ રહેલી બસને સિમરી મોર પાસે અકસ્માત નડ્યો હતો.
અકસ્માત અંગે સ્થાનિક લોકોને જાણ થતાં જ સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ અંધારું હોવાથી બચાવકર્મીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સાક્ષીઓએ જણાવ્યું હતું કે અકસ્માત સ્થળે લાઇટિંગની વ્યવસ્થા નહોતી. ગ્રામજનોએ મોબાઈલ ફોનની ફ્લેશલાઈટની મદદથી લોકોને શોધ્યા હતા. પોલીસ-પ્રશાસનના અધિકારીઓ અકસ્માત સ્થળે પહોંચી ગયા છે. બચાવ કાર્ય માટે એમ્બ્યુલન્સ, જીવન રક્ષક ઉપકરણો પણ સ્થળ પર મોકલવામાં આવ્યા છે. કોટદ્વાર-રિખનીખાલ-બિરોખાલ રોડ પર જાનૈયાથી ભરેલી બસ સિમરી મોર નજીક પૂર્વ નાયર નદીની ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માત મંગળવારે સાંજે 7 વાગ્યે થયો હતો.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પૌરીમાં બસ દુર્ઘટના બાદ સ્થિતિની સમીક્ષા કરવા દેહરાદૂનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ઓફિસની મુલાકાત લીધી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું, “ઉત્તરાખંડના પૌરી ગઢવાલમાં બસ ખીણમાં પડી ગયા બાદ અનેક જાનહાનિના અકસ્માતથી દુઃખી છું. આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે.








